નવી દિલ્હી

ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અને અત્યારે વેક્સિનેશન જ ઉપાય માનવામાં આવે છે. આ ઉપરાંત 18 વર્ષથી વધુ વયના લોકો માટે પણ વેક્સિનેશન લેવાની મંજુરી આપી દીધી છે. ભારતમાં ઠેર ઠેર વેક્સિનની અછતના અહેવાલ સામે આવી રહ્યા છે. ભારતમાં કોરોના રસીની અછતના અહેવાલ વચ્ચે, યુએસ ફાર્મા કંપની ફાઇઝર આ વર્ષે ભારતને 5 કરોડ વેક્સિનના ડોઝ આપવા સંમત થઈ છે, પરંતુ કંપનીએ કેન્દ્ર સરકાર પાસેથી નિયમોમાં છૂટછાટ માંગી છે.

ખાનગી સમાચારના અહેવાલ અનુસાર ભારત સરકાર અને ફાઈઝર વચ્ચે વેક્સિનના સોદાને લઇને અનેક બેઠક યોજાઇ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું પણ હતું કે, “રસી અંગે ભારત સાથે વાટાઘાટો ચાલી રહી છે અને તેના પરિણામો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.”

સૂત્રોના જણાવ્યા અનુસાર આ વેક્સિનના સોદાને લગતો મામલો એક જગ્યાએ જ અટવાયો છે. વાત જાણે એમ છે કે ફાઈઝર કંપનીએ અમેરિકા, બ્રિટેન સહિતની અનેક સરકારો પાસેથી કાનૂની રક્ષણનો વિશ્વાસ માંગ્યો છે, હવે ફાઈઝર ભારતમાં આ માંગ કરી રહ્યું છે. કંપનીની ઇચ્છા છે કે ફાઇઝરની વેક્સિન લાગ્યા પછી જો કોઈ પણ પ્રકારના કાયદાકીય કેસમાં ફસાય છે તો કંપની તેના માટે જવાબદાર રહેશે નહીં. કેન્દ્ર સરકારે આ માટે આગળ આવવું પડશે.

દેશભરમાં 18+ ના વ્યક્તિઓને વેક્સિનની પરમિશન આપ્યા બાદ ઠેર ઠેર અછતના સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહીત ઘણા મોટા અને નાના રાજ્યોમાં પણ વેક્સિન આપવાની ગતિ ધીમી થઇ રહી છે. રાજ્યોને જેટલા ડોઝની જરૂર છે તેટલા નથી મળી રહ્યા. આવામાં ઘણા વેક્સિનેશન સેન્ટર બંધ હાલતમાં છે.

ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સરકારે વૈશ્વિક ટેન્ડર પણ બહાર પાડ્યું છે. તેમ છતાં તેમને કોઈ કંપની પાસેથી વેક્સિન મળી નથી. તે જ સમયે દિલ્હી અને પંજાબ જેવા રાજ્યો કહે છે કે તેઓએ પોતે વિદેશી રસી કંપનીઓ સાથે વાત કરી છે, પરંતુ આ કંપનીઓએ તેમને સીધો સપ્લાય કરવાનો ઇનકાર કરી દીધો છે. કંપનીઓ કેન્દ્ર સરકાર સાથે ડીલ કરવા માંગે છે.

કોવેક્સિન અને કોવિશિલ્ડ અત્યાર સુધી આપવામાં આવતી હતી. આ બંને વેક્સિનનું ઉત્પાદન આપણા દેશમાં થાય છે. આ વચ્ચે રશિયન કંપનીની સ્પુટનિક-વી વેક્સિનને મંજુરી મળ્યા બાદ તેનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. કોવેક્સિન અને કોવિશિલ્ડનું તે સ્તર પર ઉત્પાદન થતું નથી કે જેથી વધુ લોકોને રોજ વેક્સિન આપી શકાય.

તેમજ રશિયન કંપનીએ હાલમાં જ સપ્લાય શરૂ કર્યો છે. તેનું ઉત્પાદન ટૂંક સમયમાં તેલંગાણામાં શરૂ થવા જઈ રહ્યું છે. તે જ સમયે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે આ વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે, આ વેક્સિન સમગ્ર દેશ માટે ઉપલબ્ધ થશે.