દિલ્હી-

ભારતીય રેલ્વેએ વેઇટિંગ લિસ્ટની સમસ્યાનો નિવારણ લાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી લોકોને એકથી બે મહિનાની વેઇટિંગ લિસ્ટમાંથી રાહત મળશે અને મુસાફરો રિઝર્વ સિટ પર આરામથી મુસાફરી કરી શકશે. આ માટે ભારતીય રેલ્વેએ ક્લોન ટ્રેન ચાલું કરવાનો નિર્ણય કર્યો છે.   રેલવે બોર્ડના અધ્યક્ષ વી.કે. યાદવે 12 સપ્ટેમ્બરથી દોડતી 80 નવી વિશેષ ટ્રેનોની જાહેરાત સાથે ક્લોન ટ્રેનો શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. યાદવે કહ્યું કે, રેલ્વે હાલમાં દોડનારી તમામ ટ્રેનોનું નિરીક્ષણ કરશે અને શોધી કાઢશે કે કઈ ટ્રેનોમાં સૈથી લાંબુ વેઇટિંગ લિસ્ટ છે. 

રેલ્વે બોર્ડના અધ્યક્ષ યાદવે કહ્યું કે, જ્યારે પણ કોઈ વિશેષ ટ્રેનની જરૂર પડે, ત્યાં વેઇટિંગ લિસ્ટ ખુબ લાંબુ હોય છે. આવા કિસ્સાઓમાં મૂળ ટ્રેન તુરંત બાદ બીજી (ક્લોન) ટ્રેન ચલાવવામા આવશે. જેથી મુસાફરોને અંતિમ ક્ષણે કોઈ તકલીફ ના પડે. આવી સ્થિતિમાં, વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરો માટે મુસાફરી સરળ બનશે. 

હાલમાં, યુપી અને બિહારથી આવતી કુલ ત્રણ-ત્રણ ટ્રેનોમાં એકથી દોઢ મહિનાનું વેઇટિંગ લિસ્ટ હોય છે. હવે રેલ્વે બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવેથી આ માર્ગો પર ક્લોન ટ્રેનો દોડાવવામાં આવશે. હાલની ટ્રેન કે જેમાં વેઇટિંગ લિસ્ટ હશે તેના માટે એક બીજી ટ્રેન ગોઠવવામાં આવશે. આ ટ્રેનની સંખ્યા પણ સમાન હશે અને તે મુખ્ય ટ્રેનના પ્રસ્થાનના એક કલાક પછી રવાના થશે. ક્લોન ટ્રેનો પણ તે જ રૂટ પર અને તે જ પ્લેટફોર્મ પરથી જશે, જે વેઇટિંગ લિસ્ટ વાળા તમામ મુસાફરોને સાથે લઇ જશે. આ સાથે, વેઇટિંગ લિસ્ટ મુસાફરો લગભગ નિર્ધારીત સમય પર તેમના લક્ષ્ય પર પહોંચશે.