લોકસત્તા વિશેષ તા. ૪ 

બીસીએ જેવી ચેરીટી સંસ્થામાં ખાનગી પેઢી જેવો વહીવટ ચલાવતા સત્તાધીશો સંસ્થા અને તેના સભ્યોને વફાદાર રહેવાના બદલે એક વ્યક્તિને વફાદાર રહેવામાં રસ દાખવતા હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. બીસીએના વહીવટમાં સર્વોચ્ચ સત્તા ધરાવતી એપેક્ષ કાઉન્સિલને પણ આવા જ વાતાવરણમાં શિર્ષ સત્તાધીશની ઓશિયાળી બનાવી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બીસીએ સત્તાધીશોએ ટ્રસ્ટ એક્ટના કાયદાનો ભંગ કરી રૂપિયા ૩૫ કરોડ ખાનગી કોન્ટ્રાકટરને બારોબાર પધરાવી દીધા હતા તે વિવાદમાં હવે નવો ફણગો ફૂટ્યો છે. આ રૂપિયા આપવા માટે ખોલાવવામાં આવેલ નવા ે એસ્ક્રો એકાઉન્ટ ખોલવા માટે પણ એપેક્ષ કાઉન્સિલની પરવાનગી નહીં લેવાઈ હોવાનું સામે આવ્યું છે.

ખાનગી પેઢી સિવાયની કંપની એક્ટ કે ચેરીટી એક્ટના દાયરામાં આવતી કંપનીઓ કે સંસ્થાઓએ તેના કોઈ પણ આર્થિક નિર્ણય માટે મેનેજમેન્ટ બોર્ડ કે સંચાલક મંડળની મંજુરી લેવી પડતી હોય છે. તેવી જ રીતે નવું બેંક એકાઉન્ટ ખોલવા માટે કે તેમાં સહીઓ કોની ચાલશે તે અંગે નિર્ણય કરવા માટે પણ સંચાલક મંડળની પૂર્વ મંજુરી લેવાની રહેતી હોય છે. બીસીએના નવા બંધારણમાં કોઈ પણ આર્થિક બાબતોનો નિર્ણય કરવા તથા બેંક એકાઉન્ટ ખોલવા, તેને ઓપરેટ કરવા તથા તેમાં કોની સહી ચાલશે તે બાબતે નિર્ણય કરવાની સત્તા એપેક્ષ કાઉન્સિલને આપવામાં આવેલી છે. બીસીએ દ્વારા ખાનગી કોન્ટ્રાકટર પટેલ કન્સ્ટ્રકશન સાથે એસક્રો એકાઉન્ટ ખોલાવી આપવામાં આવેલા રૂપિયા ૩૫ કરોડના વિવાદમાં એપેક્ષ કાઉન્સિલને માત્ર રૂપિયા બાબતે નહીં પરંતુ બેંક એકાઉન્ટ બાબતે પણ અંધારામાં રાખવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.

જાે કોન્ટ્રાકટરને રૂપિયા આપ્યા તો એફ.ડી. કેમ કરી?

રૂપિયા ૩૫ કરોડ એસક્રો એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના બીસીએ સત્તાધીશોના ખેલમાં તેઓની મંથરાવટી જ મેલી હોવાની વધુ એક વિગત સામે આવી છે. બીસીએના સૂત્રોના જણાવ્યા મુજબ ૩૧ માર્ચે એસક્રો એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલી રકમ માત્ર ૪ દિવસ સંયુક્ત ખાતામાં રહી હતી. તે બાદ બીસીએ દ્વારા તેમના એકલાના નામે આ રૂપિયા ૩૫ કરોડની એફ.ડી. કરી દેવામાં આવી હતી. જે ૬૦ દિવસ બાદ બીસીએમાં પરત લાવવામાં આવી તો તેમાં રૂપિયા ૩૦ લાખની આસપાસનું વ્યાજ પણ માત્ર બીસીએના એકાઉન્ટમાં જમા લેવામાં આવ્યું છે. આમ, એસક્રો એકાઉન્ટમાં સંયુક્ત રીતે આ રકમ માત્ર ૪ દિવસ જ રહી હતી.

એપેક્ષ કાઉન્સિલના એક સભ્યએ વિરોધ નોંધાવ્યો

ખાનગી કોન્ટ્રાકટરને રૂપિયા ૩૫ કરોડની જંગી રકમ પધરાવી દેવાના ખેલમાં ૪ મહિના સુધી બીસીએની સર્વોચ્ચ સત્તા ધરાવતી એપેક્ષ કાઉન્સિલને અંધારામાં રાખવામાં આવી હતી. આ ૪ મહિના પછી એટલેકે એસક્રો એકાઉન્ટમાંથી રૂપિયા ૩૫ કરોડ અને તેનું ૬૦ દિવસનું વ્યાજ બીસીએમાં પરત આવ્યાના ૨ મહિના પછી અચાનક એપેક્ષ કાઉન્સિલ સમક્ષ આ મુદ્દો મંજુરી માટે રજુ કરવામાં આવે છે. આ એજન્ડાની બેઠક ૨૩ જુલાઈના રોજ મળી હતી. જેમાં ગેરહાજર રહેલા સભ્ય જય બક્ષીએ ઈ-મેઈલ દ્વારા આ મુદ્દામાં પોતાનો વિરોધ નોંધાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

તો કોઈ પણ બીસીએના નામે એકાઉન્ટ ખોલાવી શકે

કંપની એક્ટ હેઠળ આવતી કંપનીઓ તથા ચેરીટી એક્ટ હેઠળ આવતી સેવાભાવી સંસ્થાઓમાં આર્થિક બાબતો માટે નિર્ણય કરવાની સત્તાને નિયંત્રિત કરવામાં આવી છે. જાે આ નિયંત્રણોને અવગણીને આર્થિક વ્યવહારો કરવામાં આવે તો તેની સીધી જવાબદારી જે તે વ્યક્તિની વ્યક્તિગત બની રહેતી હોય છે. બીસીએના કિસ્સામાં પણ એપેક્ષ કાઉન્સિલની પૂર્વ મંજુરી વગર ખોલવામાં આવેલા એસક્રો એકાઉન્ટમાં જાે આવી બેદરકારી દાખવવામાં આવી હોય તો આગામી દિવસોમાં કોઈ પણ વ્યક્તિ કે બીસીએનો સભ્ય પણ બીસીએના નામનું એકાઉન્ટ ખોલાવી દે તો તેમાં પણ શક્ય છે બીસીએ સત્તાધીશો વિરોધ નહીં કરે તેવી ચર્ચાએ બીસીએના સભ્યોમાં જ જાેર પકડ્યું છે. ઉલ્લેખનીય છેકે હાલમાં જ અન્યોન્ય બેંકનું બોગસ એકાઉન્ટ ખોલાવી તેની એફ.ડી. બારોબાર વટાવી લેવાના કિસ્સામાં પોલીસની ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. ત્યારે બીસીએ સત્તાધીશોની આવી બેદરકારીએ આવી ગંભીર ગુનાને નોંતરૂ આપે તો નવાઈ નહીં તેમ જાણકારોનું માનવું છે.