દેવગઢબારિયા : દાહોદ શહેરના નાના ડબગરવાડમાં રહેતા ૧૯ વર્ષીય આશાસ્પદ છોકરાની નાણાની લેવડ દેવડના મામલે તેના જ બે બાળ કિશોર મિત્રો સહિત ત્રણ સગીરો દ્વારા કરવામાં આવેલ ર્નિમમ હત્યાનો ગુનો નોંધાયાના એક સપ્તાહ બાદ મૃતકના સ્વજનો સહિત ડબગર સમાજની મહિલાઓએ આ કેસમાં યોગ્ય ન્યાય મેળવવા માટે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશને પોલીસ સામે ભારે સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવતા પોતાના સ્ટાફના પોલીસ જવાનો સાથે દોડી આવેલ દાહોદ ટાઉન પી.આઇ તથા દાહોદ એલ.સી.બી પી.આઇએ સમજાવટ કરી મામલો થાળે પાડયો હતો.  

દાહોદ શહેરના નાના ડબગરવાડમાં રહેતા ૧૯ વર્ષીય જગદીશભાઈ રાજેશભાઈ દેવડાને એક સપ્તાહ અગાઉ રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ કોઈ કારણસર માથામાં પાછળના ભાગે કોઈ બોથડ પદાર્થ મારી તથા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા કરી મોતને ઘાટ ઉતારી દઇ પુરાવાનો નાશ કરવા પેટ્રોલ છાંટી લાશને વાળવાનો પ્રયત્ન કરી અર્ધ બળેલી હાલતમાં દાહોદ તાલુકાના નાની સારસી ગામે હાઈવે રોડ પર ડિવાઈડરની વચ્ચે ફેંકીને નાસી જતા આ સંબંધી દાહોદ તાલુકા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દાહોદ એલ.સી.બી પોલીસે હાથમાં લીધી હતી અને સી.સી.ટીવી ફૂટેજ મોબાઈલ કોલ તેમજ લોકેશનના આધારે સદર હત્યાનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલી હત્યાનો પર્દાફાશ કરી સદર હત્યાના ગુનામાં સંડોવાયેલા બે કિશોરો સહિત ત્રણ સગીર વયના બાળકોની અટકાયત કરી હતી.

આ વાતને ચાર દિવસ વીત્યા ત્યાંતો મૃતક જગદીશ દેવડાના પરિવારજનો તેમજ તેમના સમાજને આ કેસમાં પૂરતો ન્યાય મળ્યો નથી. તેવું લાગતા આ મામલે મૃતકના પરિવારજનો તેમજ ડબગર સમાજની મહિલાઓએ ગ્રામ્ય પોલીસ મથકે પહોંચી રજૂઆત કરી ન્યાયની માગણી કરી ભારે હોબાળો મચાવ્યો હતો. તેઓનું કહેવું છે કે સગીર છોકરાઓમાં ગળું કાપીને લાશને બાળી નાખવાની હિંમત ના હોઈ શકે કોઈ મોટી ઉંમરના વ્યક્તિઓ પણ આ યુવાનની હત્યામાં સંડોવાયેલા છે. તેની તપાસ કરવાની માંગણી કરી મહિલાઓએ હાય હાયના સૂત્રોચ્ચાર કરી ભારે હોબાળો મચાવ્યો હતો. આ મામલો આજે સમગ્ર શહેરમાં ટોક ઓફધ ટાઉન બન્યો હતો.