ગાંધીનગર-

ગુજરાતમાં સરકારી કચેરીઓ આગામી સપ્તાહના સોમવારથી ૧૦૦ ટકા કર્મચારી સાથે ફરીથી ધમધમતી થઈ જશે. રાજ્યમાં કોરોના કેસ ઘટતા જીએડીએ દોઢ મહિનાથી ચાલી આવતી ૫૦ ટકા કર્મચારીઓની હાજરીની છુટછાટ શુક્રવાર સુધી જ લંબાવી છે.

જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણીની સહીથી ૨૪ મેના રોજ પ્રસિદ્ધ પરિપત્રમાં ૫૦ ટકા કર્મચારીઓની હાજરીની મુદ્દત ૨૮મેને શુક્રવાર સુધી લંબાવવાનું જાહેર કરાયું છે. ત્યારબાદ ૨૯ મેના રોજ શનિવારે આવશ્યક અને તાત્કાલિક સેવાઓ સિવાયની કચેરીઓ સિવાયની કચેરીઓ બંધ રહેશે. ૩૦ મેના રોજ રવિવારની જાહેર રજા છે. આથી ૩૧મેને સોમવારથી ૫૦ ટકા કર્મચારીનું વર્ક ફોર્મ હોમ બંધ થશે અને સચિવાલય સહિત રાજ્યભરની સરકારી કચેરીઓ ૧૦૦ ટકા કર્મચારીઓની હાજરી સાથે પૂર્વવત થઈ જશે. એપ્રિલ મહિનામાં સચિવાલય સહિત ગાંધીનગરના બોર્ડ કોર્પોરેશનમાં કોરોનાના કેસ વધતા સરકારે કચેરીઓનું સંચાલન ૫૦ ટકા કર્મચારીઓની હાજરી સાથે કરવા તેમજ તમામ શનિવારે રજા જાહેર કરવાનો ર્નિણય કર્યો હતો.