વડોદરા

વડોદરા મહાનગર પાલિકામાં સતત ૨૫-૨૫ વર્ષથી મળતી સત્તાને લઈને છકી ગયેલા ભાજપાના શાસકો દ્વારા આપખુદશાહીની તમામ પ્રકારની લક્ષ્મણ રેખાઓ વટાવી દેવામાં આવી છે. તેમજ અધિકારીઓને બાનમાં લઈને ઇજારદારો સાથેની સાઠગાંઠમાં મોટામોટા કૌભાંડો આચરવામાં આવતા હોવાના ખુલ્લે આમ આક્ષેપો થવા છતાં અત્યંત નિષ્ઠુર બની ગયેલા જાડી ચામડીના નેતાઓના પાપે કઈ કેટલાય ગરીબ કામદારોના ઘરોના ચુલાઓ સળગી શકતા નથી. આને કારણે પાલિકાના શાસકોના છુપા આશિર્વાદથી અત્યંત ઉંચા ભાવે નિમેટા પ્લાન્ટનો ઈજારો મેળવી કામદારોને રાતા પાણીએ રડાવતાં ઇજારદાર સામે આક્રોશ વ્યક્ત કરાયો છે. તેમજ આની સામે પગાર-બોનસ ન મળતાં નિમેટા પ્લાન્ટના કામદારો આંદોલનના માર્ગે વળ્યાં છે. આ કારણસર આગામી દિવસોમાં શહેરીજનોના માથે સામી દિવાળીએ પાણીની સમસ્યાની હોળી સર્જાય એવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આ ઇજારદાર પર પાલિકાના ભાજપ શાસકોના ચાર હાથ હોઈ પોતાનો કોઈ વાળ પણ વાંકો કરી શકશે નહિ એવા દ્રઢ વિશ્વાસ સાથે મનમાની કરી રહયાના આક્ષેપો આંદોલન કરી રહેલા કામદારો કરી રહયા છે. આ ઇજારદાર હંમેશા પાલિકાના શાસકોને હાથા બનાવીને ધાક ધમકી અને દબાણ થકી પાલિકા પાસેથી કામદારોના પગારનું પેમેન્ટ મેળવ્યા પછીથી પણ કામદારોને ચૂકવણીમાં અક્ષમ્ય વિલંબ કરતા ઇજારદાર સામે પગલાં લેવામાં શાસકો નપાણીયા સાબિત થયા છે. ગુજરાતના ઇજારદારોને આર્ત્મનિભર બનાવવાનું છોડીને પાલિકાના શાસકો દ્વારા રાજકીય દબાણ સામે દૂરના રાજ્ય બહારના ઇજારદારને કામગીરી સોંપતા આવી સમસ્યા સર્જાયાના આક્ષેપો પણ થઇ રહયા છે. અગાઉના ઇજારદાર કરતા અત્યંત ઉંચા ભાવે અને લાંબા ગળાને માટે ઈજારો આપીને વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યાના આક્ષેપો શાસકો સામે થઇ રહયા છે. ત્યારે પ્રતિ માસ અને વારંવાર નિમેટા પ્લાન્ટના કામદારો દ્વારા તેઓને ઇજારદાર દ્વારા નિયમિત સમયસર પગાર કરવામાં આવતો નથી. એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમ છતાં પાલિકા દ્વારા આ કામદારોનો પગાર સીધો જમા કરાવવાને માટેની કોઈ પદ્ધતિ હાથ ધરવામાં આવતી નથી એવા પણ આક્ષેપો કરાઈ રહયા છે. પગારની અનિયમિતતા અને બોનસના પ્રશ્નોને લઈને નિમેટા પ્લાન્ટના ૬૪ જેટલા કામદારો વધુ એકવાર હડતાળ પર ઉતરી ગયા છે. તેઓએ નિમેટા પ્લાન્ટ ખાતે દેખાવો યોજીને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ પ્લાન્ટની કામગીરી થંભાવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. જો આ હડતાળ લાંબી ચાલી તો આગામી દિવસોમાં શહેરનો પાણી પુરવઠો ઠપ્પ કરી દઈને શાસકો અને તંત્રને માટે સામી દિવાળીએ હોળી સર્જવાની ચીમકી ઉચ્ચારી છે. આ હડતાળને લઈને એને સમેટી લેવાને માટે રજાના દિવસેય અધિકારીઓ દોડી ગયા હતા. તેમજ કોઈપણ હિસાબે કામદારોના પગાર અને બોનસની ચુકવણી કરાવવાને માટે સક્રિય બન્યા હતા. સોમવારે સવારે પાલિકાની ઓફિસ ખુલ્યાબાદ સર્વ પ્રથમ આ કામગીરી હાથ ધરાશે એમ આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું.