અમદાવાદ-

આજનો દિવસ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઓળખાય છે. ત્યારે આ વર્ષે હાર્ટની સમસ્યા વધારે જોવા મળી છે. માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોના વાઈરસને કારણે આપણા શરીરને ઘણું નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને કોરોના સંક્રમિત થતા લોકોમાં હાર્ટ, ફેફસાં સહિતની બીમારીનું પ્રમાણ વધ્યું છે. ડોક્ટરોનું માનવું છે કે કોરોનાના દર્દીને હૃદયની બીમારીમાં કે હાર્ટ-અટેક આવવાની સંભાવનામાં પણ વધારો થઈ શકે છે. એવું મનાય છે કે ગુજરાતમાં દર કલાકે અંદાજે ત્રણ વ્યક્તિને હાર્ટ-અટેકનો સામનો કરવો પડે છે. ત્યારે દેશમાં હૃદયરોગના સૌથી વધુ કેસ નોંધાતા હોય એવાં રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

ઇમર્જન્સી સેવા 108ના આંકડા અનુસાર, ગુજરાતમાં દર કલાકે અંદાજે 6 વ્યક્તિને હૃદયને લગતી સમસ્યા થઈ રહી છે. સામાન્ય રીતે જો કોરોના સંક્રમિત દર્દી પર વાઈરસની ગંભીર અસર જોવા મળે તો તેને હૃદયની બીમારીની સમસ્યા થઈ શકે છે. જો વ્યક્તિ યુવાન છે, પણ તે હાઇ બ્લડપ્રેશર કે ડાયાબિટીસની સમસ્યાથી પીડિત હોય તો તેના માટે પણ કોરોનાથી સ્વસ્થ થયા બાદ હૃદયની બીમારી આવે નહીં એની વધુ કાળજી રાખવી પડે છે. વ્યક્તિને કોરોનાનો ચેપ લાગે એ સમયે તેના શરીરમાં ઓક્સિજન સ્તરમાં કેટલાક ફેરફાર જોવા મળે છે અને એ બાબત હૃદય-ફેફસાંને નબળાં પાડે એની સંભાવના વધી જાય છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે કોરોના અગાઉના સમય કરતાં હાલમાં હૃદયરોગના કેસમાં 15 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.