દિલ્હી-

દેશની રાજધાની દિલ્હીમાં ચાલેલી કોરોનાની લહેરે હવે આંધીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. છેલ્લા કેટલાક દિવસમાં વાયરસે અનેક દિલ્હીવાસીઓનો જીવ લીધો છે. ત્યારે સામે આવેલા નવા ડેટા વધારે ચિંતાજનક છે. કોરોનાના યુકે વેરિએન્ટે દિલ્હીમાં પગપેસારો કરી લીધો છે.

નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ (એનડીસી)ના ચીફ ડૉ. સુજીત સિંહના કહેવા પ્રમાણે માર્ચના અંતિમ સપ્તાહમાં દિલ્હીમાં જે કોરોના સેમ્પલ લેવાયા તે પૈકીના ૫૦ ટકામાં કોરોનાનો યુકે વેરિએન્ટ હતો. હાલ દિલ્હીમાં કોરોનાનો યુકે વેરિએન્ટ અને ડબલ મ્યુટેન્ટ વેરિએન્ટ પ્રસરી રહ્યો છે. સુજીત સિંહના કહેવા પ્રમાણે દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ૫૦ ટકાથી વધારે સેમ્પલ ડબલ મ્યુટેન્ટ (મ્૧.૬૧૭) સાથે સંકળાયેલા છે. ભારતમાં કોરોના વાયરસના સંકટે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. કોરોનાના સૌથી પહેલા વેરિએન્ટ સિવાય દેશમાં હાલ યુકે, આફ્રિકી અને બ્રાઝિલ વેરિએન્ટ એક્ટિવ છે. એટલું જ નહીં, ભારતમાંથી એક નવો વેરિએન્ટ પણ મળી આવ્યો છે જેના સૌથી વધારે કેસ બંગાળમાંથી સામે આવ્યા હતા.