વડગામ-

કોરોના વાયારસ કારણે સમગ્ર દુનિયા પરેશાન છે. જેમાંથી આપણું શિક્ષણ જગત પણ બાકાત રહ્યું નથી. કોરોનાની બીજી લહેરમાં આ વાયરસનુ સંક્રમણ ફેલાતું અટકાવવા અને ખાસ કરીને બાળકોના આરોગ્યની કાળજી લેવા માટે કોવિડની ગાઇડલાઇન અનુસાર શાળાઓ બંધ છે, પરંતું ઓનલાઇન શિક્ષણ તો ચાલુ જ છે. આપણા સૌના આરોગ્યની ચિંતા કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ હવે હળવું થતાં તબક્કાવાર નિર્ણયો લઇ ઓનલાઈન શિક્ષણમાંથી હાઇસ્કુલ અને કોલેજકક્ષાએ ઓફલાઈન શિક્ષણ કાર્ય શાળા, કોલેજોમાં શરૂ કરવામાં આવ્યું છે.

પરંતુ શિક્ષણના પાયા સમાન ગણાતા પ્રાથમિક શિક્ષણની શાળાઓ હજુ બંધ છે ત્યારે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શેરી શિક્ષણ અને વરર્ચ્યુઅલ માધ્યમથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.  બનાસકાંઠા જિલ્લાના બે યુવા શિક્ષણ સારથીઓ ધાનેરા તાલુકાના ધાખા સી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રી પ્રકાશભાઈ પટેલ અને થાવર સી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રી વશરામભાઇ પટેલ શિક્ષણનો જ્ઞાનરથ બનાવી ગામડાઓ ખુંદી રહ્યાં છે. શાળાઓ બંધ છે તેની અસર બાળકોના શિક્ષણ કાર્ય પર પડે નહીં તે માટે આ બે સી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રીઓએ સરસ મજાનો જ્ઞાનરથ તૈયાર કર્યો છે. જે બાળકોને ઓનલાઇન શિક્ષણ અંગે માહિતગાર કરી રહ્યો છે.

કોરોનાના કારણે પ્રત્યક્ષ પ્રાથમિક શિક્ષણ કાર્ય હજુ સુધી બંધ છે. શાળાઓ બંધ છે એટલે બાળકો શાળાએ આવતા નથી ત્યારે સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના શિક્ષણ માટે વિવિધ પ્રકારના ઓનલાઇન કાર્યક્રમો અને ઓનલાઇન માધ્યમ થકી શિક્ષણ આપવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. બાળકો પોતાના ઘરે રહીને પણ શિક્ષણ મેળવતાં રહે તેના માટે આ સંવેદનશીલ સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. બાળકો અને વાલીઓ શિક્ષણના વિવિધ પ્રકલ્પોની સમજ મેળવે અને નિયમિત રીતે અભ્યાસ સાથે જોડાયેલા રહે એ ઉંડા અને ઉમદા હેતુથી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ધાખા સી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રી પ્રકાશભાઈ પટેલ અને થાવર સી.આર.સી.કો-ઓર્ડીનેટરશ્રી વશરામભાઇ પટેલ દ્વારા ટ્રેકટર ટ્રોલીને જ્ઞાનરથ નામનું મોબાઈલ વાહન બનાવી સરકારના ઓનલાઈન શિક્ષણની વિવિધ પ્રકલ્પોની સમજ આપી શકાય તેવા બેનરો સાથે ગામડાઓ, શેરીઓમાં ખુંદીને વાલીઓ અને બાળકોને ઓનલાઈન શિક્ષણ કાર્ય વિશે સમજ આપી વિધાર્થીઓ અને વાલીઓમાં ઉદભવતા પ્રશ્નોની વિગતે સમજ આપી રહ્યાં છે.

 બે યુવા શિક્ષણ સારથી સી.આર.સી.કો-ઓર્ડીનેટરઓએ જણાવ્યું કે, અમે જ્ઞાનરથ દ્વારા દરરોજ એક ગામની મુલાકાત લઈએ છે. ગામમાં જાહેર સ્થળો અને શેરીઓમાં જ્ઞાનરથ લઈ જઈને બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ-રૂચિ કેળવાય તેનો પ્રચાર-પ્રસાર કરીએ છીએ. ઓનલાઈન શિક્ષણ કઈ એપથી મેળવવું, ડી. ડી. ગીરનાર ચેનલ પર ક્યારે અને કેટલાં સમયે કયા વિષયનો પિરીયડ આવે છે, જેવી વિવિધ બાબતો વિધાર્થીઓને સમજાવીએ છીએ. અમારા જ્ઞાનરથ દ્વારા ધાનેરા તાલુકાના માલોત્રા, ધાખા, જોરાપુરા, થાવર, જાડી, મોટામેડા, રામસિંહપુરા, રમુણા અને સાંકડ ગામની મુલાકાત લઈ વિધાર્થીઓ અને વાલીઓને ઓનલાઈન શિક્ષણ વિશે સંપૂર્ણ માહિતગાર કરવામાં આવ્યાં છે. ઓનલાઈન શિક્ષણના બેનર પ્રકલ્પોમાં ઓનલાઇન શિક્ષણ, જી-શાળા, દિક્ષા એપ્લિકેશન, માઈક્રોસોફ્ટ ટીમ, શેરી શિક્ષણ, વોટસપ સ્વ-મૂલ્યાંકન તથા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા અને શિક્ષણની યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, બાળકો ઘરે રહીને પણ સતત અભ્યાસ કરતાં રહે તથા શિક્ષણ સાથે સંકળાયેલા રહે એ માટે શિક્ષણના વિવિધ માધ્યમોનો ઉપયોગ વિધાર્થીઓ નિયમિત કરતાં રહે એ માટેની યોગ્ય સમજ માટે જ્ઞાનરથનું અમે આયોજન કર્યુ છે. જે છેલ્લા એક સપ્તાહથી વિવિધ ગામડાઓમાં ફરે છે અને અત્યારે પણ ચાલુ છે. આ જ્ઞાનરથ ગામમાં જાય ત્યારે બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાય છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં ૯ ગામના ૨,૫૦૦થી વધુ બાળકો અને વાલીઓમાં અમે ઓનલાઈન શિક્ષણની સમજણ આપવામાં અમે સફળ રહ્યાં છીએ, જેના પરથી અમને લાગે છે કે, જે ઉદેશ્યથી અમે આ કાર્ય શરૂ કર્યુ હતું તે હેતુ સિધ્ધ થઇ રહ્યો છે.