નવી દિલ્હી

કોરોનાના રોગચાળાના માહોલમાં અનેક અવનવી ઘટનાઓ જોવા, જાણવા અને સાંભળવા મળે છે. જેમ અન્ય પ્રાંતોમાં મર્યાદિત સંખ્યામાં મહેમાનોની હાજરી વચ્ચે લગ્ન જેવા સમારંભો શરૂ થયા છે એ રીતે તામિલનાડુમાં પણ શરૂઆત થઈ છે. ત્યાં કેટરર્સ અને મંડપ ડેકોરેટર્સની કામગીરી ધીમે-ધીમે વેગમાં આવી રહી છે. જોકે રોગચાળાનો ઓછાયો હજી દૂર થયો નથી.

આ સ્થિતિમાં મદુરાઈમાં એક લગ્નમાં નવી બાબત જોવા મળી. એક કન્યાપક્ષે ચાંલ્લાનાં પરબીડિયાં હાથમાં લેવા તેમ જ રોકડ રકમ ગણવા અને વહેવારની નોંધ નોટબુકમાં લખવાની પળોજણમાંથી છુટકારો મેળવવાના ઇરાદાથી ડિજિટલ વૉલેટનો ઉપયોગ કર્યો હતો. રોગચાળામાં શારીરિક સંપર્કથી બચવા માટે કન્યાપક્ષે કંકોતરીમાં ફોનપે અને ગૂગલપેના તેમના અકાઉન્ટના ક્યુઆર કોડ છાપ્યા હતા. જોકે ક્યુઆર કોડના માધ્યમનો ઉપયોગ ફક્ત ૩૦ સગાંઓએ કર્યો હોવાનું કન્યાની માતા ટી. જે. જયંતીએ જણાવ્યું હતું. ક્યુઆર કોડ ધરાવતી એ કંકોતરીની તસવીર સાથે સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચા ચાલી હતી. એ કંકોતરી વિશે કેટલાકે કુતૂહલ વ્યક્ત કર્યું અને કેટલાક લોકોએ નવા પ્રયોગને આવકાર્યો હતો.