અમદાવાદ, વિધાનસભા ની ચુંટણીઓ આવી રહી છે ત્યારે ફરી એકવાર બંધ થઈ ગયેલી સી-પ્લેન સેવા શરૂ કરવા ટેન્ડર મંગાવ્યા છે અને ચુંટણીઓ દરમ્યાન ફરી એકવાર સી-પ્લેન ચાલુ થાય તેવી ગણતરી મંડાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે દેશમાં ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ રિવરફ્રન્ટથી ધરોઈ ડેમ સુધી સી-પ્લેનમાં મુસાફરી કર્યા બાદ તેમણે દેશના અનેક શહેરો વચ્ચે સી-પ્લેન સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી.જેના ભાગરૂપે દેશમાં પહેલીવાર અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ સી-પ્લેન શરૂ કર્યું હતું. જાે કે ગણતરીના ૪ મહિના જેટલો સમય સર્વિસમાં રહ્યા બાદ હાલ આ સેવા બંધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સપના સમાન દેશમાં પહેલીવાર શરૂ કરાયેલી સી-પ્લેન સેવા શરૂ થયાના ગણતરીના મહિનાઓમાં જ બંધ પડી ગઈ છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડિયા સુધી સી-પ્લેન સેવા શરૂ કરનાર સ્પાઈસ જેટ એરલાઈન્સે પોતાનો હાથ પાછોં ખેંચી લેતા હાલ આ સેવા ૮ મહિનાથી બંધ પડી છે. સી-પ્લેન પુન શરૂ કરવા માટે સરકારના આદેશ છતાં સ્પાઈસ જેટે સંચાલન માં ખર્ચ વધુ પડતો હોવાના બહાના હેઠળ સર્વિસ બંધ કરી છે. હવે તેઓ આ સેવા પૂરી કરવા અસમર્થ હોવાનું જણાવતાં છેવટે આખો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સોંપી દીધો છે. જેના પગલે હવે રાજ્ય સરકારે સી-પ્લેન સેવા પુનઃશરૂ થાય તેવા પ્રયાસ શરૂ કર્યા છે અને નવેસરથી સી-પ્લેનના સંચાલન માટે નેશનલ અને ઈન્ટરનેશન કંપનીઓ પાસેથી ટેન્ડર મગાવ્યા છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી મહિનાઓમાં ફરી એકવાર રિવરફ્રન્ટથી કેવડિયાની સી-પ્લેન સેવા શરૂ થવાની શક્યતા છે.રાજ્ય એવિએશન વિભાગના અધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ ઉડે દેશના આમ નાગરિક યોજના ઉડાન હેઠળ રાજ્યના શહેરો વચ્ચે કનેક્ટિવિટી વધે તે ઉદ્દેશ્ય સાથે ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેનના સંચાલન માટે ટેન્ડર મંગાવ્યા છે.