આધ્યાત્મિક ગુરુ શ્રી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે આજે તેમની પ્રતિમા પર ફૂલહાર ચઢાવવા પડાપડી કરનાર તકસાધુઓ અને સગવડિયા સેવકોને એ ખબર સુધ્ધાં છે કે આ જ શહેરના એક ખૂણા પર રોજ અનેક ઢોરોના મૃતદેહો ખૂલ્લેઆમ સડી રહ્યા છે ? માથું ફાડી નાખે એવી દુર્ગંધ અને રોગચાળો ફાટી નીકળે એવા આ જીવલેણ સંજાેગો પરત્વે ગુનાહિત દુર્લક્ષ સેવનાર કહેવાતા પ્રજાસેવકો એમના ‘આકા’ઓના આદેશને ઈશ્વરની આકાશવાણી માની આ સ્થળે સ્વચ્છતા અભિયાન કેમ હાથ નથી ધરતા? એવો પ્રશ્ન એમના સિવાય તમામને થાય છે. શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા પાલિકાના ‘સ્લોટર હાઉસ’ના વહીવટની ગંભીર બેદરકારી અને મૃત પશુઓના શબોની સમયસર અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની બાબતમાં ગુનાહિત ઉદાસીનતા અંગે તાજેતરમાં જ વડોદરાની સ્વૈચ્છિક સામાજિક સંસ્થા ધ ફોર લેગ્સ ચેરિટેબલ ટ્રસ્ટના જાગૃત સ્વયંસેવકોએ જીપીસીબીના અધિકારીઓને જાતતપાસ માટે આ સ્થળે આવવા ફરજ પાડી હતી. અલબત્ત, જીપીસીબીના અધિકારીઓએ પણ પાલિકાના સંબંધિતો સાથે ‘મિલીભગત’ હોય એમ ગંભીર સમસ્યા હોવા છતાં ‘નરોવા કુંજરોવા’ જેવો રિપોર્ટ આપ્યો! ચોંકાવનારી બાબત તો એ છે કે ગાજરાવાડીના આ વિસ્તારના પ્રજાપ્રતિનિધિઓ પણ આ ‘સ્લોટર હાઉસ’ની ગંભીર સમસ્યા પરત્વે લગભગ મૌન ધરી બેઠા છે!

તસવીરો : કેયુર ભાટીયા