વડોદરા : વાઘોડિયાના દબંગ ધારાસભ્ય સામે ફોજદારી કાર્યવાહી કરવા માટેની ફરિયાદ પત્રકારોના પ્રતિનિધિમંડળે પોલીસ કમીશ્નર સમક્ષ રૂબરૂ કરી હતી. આ અંગે પો.કર્મી.એ તુર્તજ ઘટનાની તપાસ કરી કાર્યવાહી કરવા જાેઇન્ટ સીપીને જણાવ્યું હતું. બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સુધી ધારાસભ્યની કરતુતોની જાણ કરવા એક આવેદનપત્ર શહેર ભાજપ પ્રમુખને રૂબરૂ મળી આપ્યું હતું.

ગઇકાલે ફોર્મ ચકાસણીના સમયે જિલ્લા પંચાયત ખાતે દબંગ મધુશ્રીવાસ્તવે ખાનગી ચેનલના પત્રકાર અમિત ઠાકોરને જાહેરમાં ધમકી આપી હતી. ઓન કેમેરાએ આપેલી ધમકીમાં ‘સીધી રીતે પુછ નહીં તો અહીંયા બતાવી દઇશ’ અહીંયા મારા માણસને કહીને ઠોકાવી દઇશ એટલું ધ્યાન રાખજે આમ જાનથી મારી નાંખવાની ધમકી પત્રકારને ધારાસભ્યએ આપી ગુનાહીતકાર્ય કર્યું હતું.

આજે સવારે માહિતી ખાતાએ ભેગા થઇ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો કેમેરામેન એક લેખીત ફરિયાદ તૈયાર કરી પોલીસ ભવન જઇ ભોગ બનેલા પત્રકાર અમીત ઠાકોરને સામે રાખી પોલીસ કમીશ્નર ડો.સમશેરસિંગને રૂબરૂ મળી દબંગ મધુશ્રીવાસ્તવ સામે ફોજદારી કાર્યવાહી કરવા લેખીત ફરિયાદ આપી હતી. જેને વાંચી પો.કર્મીએ તુર્તજ જાેઇન્ટ સી.પી. ચિરાગ કોરડીડાને તપાસ સોંપી મધુએ આપેલી ધમકીનો વિડીયો સાયબર ક્રાઇમમાં મોકલી આપવા જણાવ્યું હતું. બીજી તરફ બપોર બાદ સયાજી ગંજ ભાજપ કાર્યાલય ખાતે પહોંચી શહેર પ્રમુખ ડો.વીજય શાહને એક આવેદનપત્ર પત્રકારોએ આપ્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધી પક્ષના ધારાસભ્યએ કરેલા કરતુતોની જાણ કરી પક્ષ તરફથી એમની સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી. આ અંગે વિજય શાહે ઘટનાને વખોડી પત્રકારોની લાગણી પ્રદેશ પ્રમુખ સુધી પહોંચાડવાની ખાત્રી આપી હતી.