વડોદરા : સ્પાના ધંધામાં મોનોપોલી ધરાવનાર અને રશિયન યુવતી સાથે લગ્નેતર સંબંધોથી પુત્ર અવતર્યા બાદ પત્ની ઉપર શારીરિક-માનસિક ત્રાસ ગુજારનાર પરેશ પટેલ ઝડપાય તો શહેરના અનેક મોટા માથાઓના ચહેરા ઉપરની નકાબ ઉતરી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જેમાં બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો, તબીબો અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્પામાં રશિયન યુવતીઓ સાથે અંગત પળો માણવા જતા હોવાની સનસનાટીભરી વિગતો બહાર આવી છે. 

મહત્ત્વની વાત તો એ છેકે એક સમયના પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન ભાગેડુ પરેશ પટેલના અંગત મિત્ર હોવાનું કહેવાય છે ત્યારે પાલિકામાં હલકી ગુણવત્તાનો સામાન વાપરી કરોડોપતિ થયેલા અનેક મોટા કોન્ટ્રાક્ટરો ખુદ હન્ના ચુકોના મિત્રવર્તુળમાં સ્થાન ધરાવે છે જે ઘણું સૂચક છે. એનાથી જ રશિયન યુવતીઓ સાથે રંગરેલિયા મનાવવાના શોખીનોની આખી ચેઈન બહાર આવી છે.

ખાસ વાત એ છે કે, યેપ સ્પાના નિયમિત ગ્રાહકોમાં શરીરના અનેક જાણીતા તબીબોનો સમાવેશ થાય છે કે એ પૈકી કેટલાક પરેશ અને કેટલાક એની રશિયન ગર્લફ્રેન્ડ હન્ના ચુકો સાથે લાંબા સમયથી મિત્રતા ધરાવે છે. જેમાં એક સરકારી તબીબ હન્ના સાથેની મિત્રતા તો જગજાહેર છે જે હવે તબીબીઆલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

પાલિકાના રોડ પ્રકરણમાં ખાસ્સા ગાજેલા એક અગ્રવાલ અટકધારી ડામરના ટ્રાન્સપોર્ટરનો આ રશિયન યુવતી સાથે એટલો નિકટનો સંબંધ છે કે રશિયન યુવતીના અનૌરસ સંતાનના બર્થ સર્ટિફિકેટમાં જે ૧૦૧, ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્સ, ઈલોરા પાર્કનું સરનામું છે એની માલિકીએ ટ્રાન્સપોર્ટરની હોવાનું માનવામાં આવે છે. ત્યારે રાજકારણીઓ, બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને ઉચ્ચ અધિકારીઓ જ અત્યાર સુધી પરેશ સામે એની પત્નીએ કરેલી ત્રણ ત્રણવારની ફરિયાદ છતાં પોલીસે આ વગદારોના ઈશારે જ કોઈ કડક કાર્યવાહી કરી નહીં હોવાનું કહેવાય છે. જાે પરેશ અને રશિયન યુવતી ઝડપાય અને એમની કડક પૂછપરછ થાય તો ભલભલા મોટા માથાઓની પોલ બહાર પડે એમ છે. એટલે જ આ લોકોએ પોલીસને દબાણ કરી પરેશને ઝડપવા માટે કોઈ કાર્યવાહી નહીં કરવાનું જણાવી એને આગોતરા મળી જાય એવી ગોઠવણ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.