વડોદરા-

યોગ થી નિરોગી ગુજરાત માટે અને ઘેર ઘેર યોગથી યોગમય ગુજરાતના સંકલ્પ સાથે અને યોગ માં રાજ્યવ્યાપી અભિરુચિ જગાવવા રાજ્ય યોગ બોર્ડ સતત અનેકવિધ પ્રવૃત્તિઓ યોજી રહ્યું છે.તેના ભાગ રૂપે અને બોર્ડ અધ્યક્ષ યોગસેવક શિશપાલજી ના માર્ગદર્શન હેઠળ વડોદરા તાલુકાના સોખડા ખાતે વડોદરા સહિત મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓના યોગ કોચની તાલીમ શિબિર નો પ્રારંભ થયો છે.

મધ્ય ઝોનના કુલ 7 જિલ્લાઓ આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ તથા વડોદરાના યોગ કોચ તેમાં ભાગ લઈ રહ્યા છે જેમને યોગિક ક્રિયાઓનું સઘન પ્રશિક્ષણ આપીને યોગ પ્રચારક તરીકે યોગના વ્યાપને વિસ્તારવાનો અનુરોધ કરવામાં આવશે.ઉદઘાટન કાર્યક્રમમાં યોગ સેવક શિશપાલજી,બોર્ડ સદસ્ય ભાનુકુમાર ચૌહાણ,પ્રકાશભાઈ ટિપ્રે, ડો.ચંદ્રસિંહ ઝાલા, હિમાબહેન પરીખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ યોગ શિબિર સોખડા, વેલીયા કોતર સ્થિત જગાજી મહારાજ કેમ્પસમાં સંસ્થા ના સહયોગ થી શરૂ કરવામાં આવી છે.તેના આયોજનમાં બોર્ડના યોગ કોચ અને યોગ પ્રચારક સંસ્થાઓનો સહયોગ મળ્યો છે.