દિલ્હી-

રાષ્ટ્રીય મતદાતા દિવસથી ચૂંટણીપંચે દેશના નાગરીકોને એક નવી સુવિધાની ગિફ્ટ આપી છે. હવે ભારતીયો પોતાના ફોટો-મતદાર કાર્ડ્ઝની પીડીએફ કોપીને સીધી ડાઉનલોડ કરી શકશે. 

ઈલેક્ટોરલ ફોટો આઈડેન્ટીટી કાર્ડ યાને એપિકને મતદારો પોતાના મોબાઈલ ફોન પર કે પછી કોપી કાઢી શકાય એવા કમ્પ્યુટર પર પણ ડાઉનલોડ કરી શકશે. ચૂંટણીપંચના વર્ષ 2021ના વોટર્સ ડેના દિવસે કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદ દ્વારા જે સુવિધા ઉપલબ્ધ કરાવાશે તેના પગલે હવે એકવાર પંચ દ્વારા નાગરીકને ચૂંટણી મતદાર કાર્ડ ફાળવી દેવાયા પછી તે તેને મળી જાય ત્યાં સુધી રાહ જોવી નહીં પડે. પંચ દ્વારા માન્યતા મળ્યા બાદ તરત જ તેને પ્રિન્ટ કરી શકાશે. મતદારો તેને પોતાની રીતે ડિજીટલ સ્ટોર કરી શકે, પ્રિન્ટ કઢાવી શકે કે પછી જાતે લેમિનેટ પણ કરાવી શકે છે. મતદાર નોંધણી બાદ જે પ્લાસ્ટીક કવરમાં ચૂંટણીકાર્ડ અપાતા હતા તેની સાથે સાથે આ સુવિધા પણ હવેથી મતદારોને ઉપલબ્ધ કરાવાશે. આ ઈ-એપીકને મતદારો ડીજીલોકરમાં અપલોડ કરી શકશે અને બીજા મહત્વના દાસ્તાવેજોની સાથે સ્ટોર પણ કરી શકશે. નવેમ્બર-ડિસેમ્બર 2020માં નોંધણી કરાવનારા મતદારોને જાણકારી આપવામાં આવશે ત્યારે તેઓ આ કાર્ડ મેળવી શકશે. સરનામું બદલાયાની દરેક વખતે હવે મતદારે નવા કાર્ડ કઢાવવાના નહીં રહે પણ તેને નવો ક્યુઆર કોડ મળશે જેથી તેને બાકીની પ્રક્રિયામાં ઉતરવું નહીં પડે.