દિલ્હી-

પંજાબમાં આવતાં વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. તે અગાઉ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજાેત સિંહ સિદ્ધૂ વચ્ચે ખટરાગ જાેવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે સિદ્ધૂના નિવેદને પંજાબમાં રાજકીય ગરમાવો વધાર્યો છે.નવજાેત સિંહ સિદ્ધૂએ મંગળવારે કહ્યું કે, વિપક્ષી 'આપ'એ હંમેશા પંજાબ માટે મારા વિઝન અને કામને ઓળખ્યા છે. ૨૦૧૭ પહેલાની વાત હોય કે આજે જેમ હું પંજાબ મોડલ રજૂ કરું છું. લોકો જાણે છે કે હકીકતમાં પંજાબ માટે કોણ લડી રહ્યું છે.

બધા જાણે છે કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજાેત સિંહ સિદ્ધૂ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. સિદ્ધૂ કોંગ્રેસ પાર્ટી અને પંજાબ સરકારમાં મહત્વનું પદ ઇચ્છે છે, જ્યારે અમરિંદર સિંહ સિદ્ધૂને કેબિનેટમાં સામેલ કરવા માગતા નથી અને પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનવા દેવા પણ માગતા નથી.કેપ્ટન અમરિંદર સિંહ અને નવજાેત સિંહ સિદ્ધૂની લડાઇ દિલ્હી સુધી પહોંચી હતી. અહીં કોંગ્રેસ હાઇકમાન્ડે ત્રણ સભ્યની કમેટી રચી વિવાદનો હલ કાઢવાનો પ્રયાસ કર્યો. જાે કે, અત્યાર સુધી એવું સામે આવી રહ્યું છે કે સિદ્ધૂ અને અમરિંદર સિંહમાંથી કોઇપણ નમવા માટે તૈયાર નથી. બીજી બાજુ, કોંગ્રેસ મહાસચિવ અને પંજાબના પ્રભારી હરીશ રાવતે કહ્યું કે, પાર્ટી ટૂંક સમયમાં જ સુનીલ જાખડની જગ્યાએ અન્ય કોઇને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નિમશે. રાવતે કહ્યું કે, પંજાબને ટૂંક સમયમાં જ નવા પીસીસી ચીફ મળશે. સીએમ સ્તરે કોઇ ફેરફાર નહીં થાય.