સુરત-

છેલ્લા કેટલાક સમયથી સુરતનું નામ રાજ્યમાં ગુનાખોરીમાં મોખરે લેવામાં આવી રહ્યું છે. શહેરમાં ગુનેગારોને મોકળું મેદાન હોય તેમ દિવસે દિવસે લૂંટ, હત્યા, મારા મારી, રેપ અને મહિલા અત્યાચારની ઘટના રોજે-રોજ સામે આવી રહી છે. તેવામાં એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં વહેમના કારણે અંધ બનેલા પતિએ એક યુવકને ઢીબી નાખ્યો હતો. પતિ, પત્ની અને વોના આ કિસ્સામાં પોતાની પત્ની સાથે યુવકને આડાસંબંધ હોવાની શંકાએ તેનું અપહરણ કરી ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પતિ આ યુવકને માર મારતા જબરજસ્તીથી કબૂલાત કરવા દબાણ કરે છે કે મારી પત્ની સાથે તારે આડાસંબંધ છે તે સ્વિકારી લે નહીંતર હજુ પણ વધુ માર પડશે.

અહેવાલો અનુસાર આ ઘટના સુરતના મોટા વરાછામાં રહેતા અને સરથાણા વિસ્તારમાં ઓટો કન્સલ્ટન્ટનો ધંધો કરતા રમેશ(નામ બદલ્યું છે) નામના યુવક સાથે બની છે. રમેશ સીમાડા નાકા પાસે આવેલી પોતાની ઓફિસમાં હતો ત્યારે બપોરના સમયે અચાનક રોહિત પરમાર અને રાહુલ નામનો યુવક જબરદસ્તી ઓફિસમાં ઘુસી આવ્યા અને મારી પત્ની સાથે તારે આડા સંબંધ છે તેમ કહી તેને ઢોર માર મારી અપહરણ કરી લીધુ હતું, અને જબરદસ્તી તેને રોહિતની પત્ની સાથે આડાસંબંધ છે તેવી કબુલાત કરાવી તેનો વીડિયો બનાવ્યો. આ ઘટનામાં રમેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, તેણે બે લોકો વિરુદ્ધ અપહરણ અને માર મારવાની ફરિયાદ નોંધાવી છે.

રમેશ સરથાણા વિસ્તારમાં ઓટો કન્સલ્ટન્ટ અને ઈન્શ્યોરન્સ એજન્ટનું કામ કરે છે. તેની ઓફિસમાં પૂજા(નામ બદલ્યું છે) નામની એક યુવતી કામ કરતી હતી. બુધવારે અચાનક પૂજા નામની યુવતીનો પતિ રોહિત અને રાહુલ નામનો યુવક ઓફિસમાં અચાનક ઘુસી આવ્યા અને તારે મારી પત્ની સાથે આડાસંબંધ છે? તો રમેશે કહ્યું, ના મારે કોઈ સંબંધ નથી. તો તુરંત બંને લોકએ તેને દંડા અને બેલ્ટથી માર માર્યો, તેમણે ધમકી આપી કે, તું આ વાત કબુલ કર નહીં તો બધાની વચ્ચે બહાર લઈ જઈને મારીશુ. તેથી રમેશે કહ્યું કે, બે વર્ષથી આડા સંબંધ હતા પરંતુ હવે નથી. આ રીતે કબુલાત કરાવી તેનો વીડિયો બનાવી લીધો. રમેશે હુમલાખોર રોહિત અને રાહુલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.