વડોદરા-

ફાસ્ટેગ માટે તમે નોંધણી ન કરાવી હોય તો, આજે મધરાત બાદ તમારે બેવડો ટોલ ટેક્સ ચૂકવવો પડશે.  કેન્દ્ર સરકારે અગાઉ દેશભરમાં નેશનલ હાઇવે પર પસાર થતાં વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત કરવાની મુદ્દત આજ સુધી એટલે કે, 15મી ફેબ્રુઆરી સુધી લંબાવી હતી. સોમવારે મધરાતે આ મુદ્દત પૂરી થાય છે. કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ આ મુદ્દતમાં હવે કોઇ વધારો નહીં કરવાની જાહેરાત કરતાં સોમવારની મધરાતથી દેશભરમાં ટોલનાકાં પર ફાસ્ટેગ ફરજિયાત થઇ જશે.

કેન્દ્રીય પરિવહન મંત્રાલયે પોતાના એક આદેશમાં જણાવ્યું હતું કે, 15મીની મધરાતના બાર વાગ્યાથી દેશભરના નેશનલ હાઇવે પરના તમામ ટોલ પ્લાઝાની તમામ લેન ફાસ્ટેગ લેન બની જશે.  નાગપુર એરપોર્ટ ખાતે ફાસ્ટેગ્સ અંગેના સવાલના જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે સરકારે અગાઉ પણ બેથી ત્રણ વખત ફાસ્ટેગ રજિસ્ટ્રેશન તારીખની મર્યાદા લંબા‌વી હતી. હવે દરેક વાહનચાલકે તત્કાળ ફાસ્ટેગ ખરીદી લેવા પડશે.

ગડકરીએ વધુમાં કહ્યું હતું કે, કેટલાક માર્ગો પર ફાસ્ટેગ રજિસ્ટ્રેશનનું પ્રમાણ ૯૦ ટકાને પાર કરી ગયું છે. આ માર્ગો પર માત્ર ૧૦ ટકા જ બાકી છે. ટોલ નાકાઓ પર પણ ફાસ્ટેગ ઉપલબ્ધ છે, અને લોકોએ સરળતાથી અ‌વરોધ વગર મુસાફરી કરવા માટે તેની ખરીદી કરી લેવી જોઇએ. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે અગાઉ વાહનો માટે ફાસ્ટેગ પહેલા 1 જાન્યુઆરી, 2021થી લાગુ થવાનો હતો તેને બદલે હવે તે સોમવારને 15મી ફેબ્રુઆરીથી ફરજીયાત કરી દેવાયો છે. જે ન હોવાના દંડ પેટે બેવડો ટોલ ભરવાનો રહેશે.