વડોદરા

પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે રમાયેલી ટી-૨૦ ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન મારફત મધ્યપ્રદેશના બુકી પાસે સટ્ટો કપાવી રહેલા યુવકની નવાપુરા પોલીસે અટકાયત કરી તેની પાસેથી રોકડ અને મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો.

પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે રમાયેલી ટી-૨૦ મેચ પર જયરત્ન ચાર રસ્તા પાસેના રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ઉભેલો એક યુવક તેના મોબાઈલ ફોનમાં સટ્ટો કપાવી રહ્યો હોવાની નવાપુરા પોલીસને જાણ થતાં પીએસઆઈ પટેલ તેમજ હેકો વિજયકુમાર સહિતના સ્ટાફે તુરંત ઉક્ત સ્થળે તપાસ કરી હતી. તપાસ દરમિયાન ઉક્ત સ્થળેથી મનોહર રામચંદ ફુલમાળી (વિઠ્ઠલ સોસાયટી, આરવી દેસાઈરોડ) ક્રિકેટ મેચનો સટ્ટો કપાવતા રંગે હાથ ઝડપાયો હતો. પોલીસે મનોહરની અટકાયત કરી તેની પાસેથી રોકડ તેમજ એક મોબાઈલ ફોન સહિત કુલ ૧૨,૬૭૦ની મત્તા કબજે કરી હતી. પોલીસે તેની પુછપરછ કરતા તેણે મધ્યપ્રદેશના નિમચ જિલ્લામાં આવેલી રેલવે કોલોની પાસે શક્તિ નગરમાં રહેતા ટોની નામના યુવક મેચ પર સટ્ટો કપાવતો હોવાની વિગતો જણાવી હતી. આ વિગતોના પગલે નવાપુરા પોલીસે ટોનીને વોન્ટેડ જાહેર કર્યો હતો.