વડોદરા : ન્યુવીઆઈપી રોડ પર આવેલા બ્રહ્મા નગર વિભાગ ૨ ની પાછળ આવેલા મેદાનમાં આજે સવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની હરણી પોલીસે તપાસ કરતા યુવકની કાનના ઉપરના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા મારીને હત્યા કરાઈ હોવાની વિગતો મળતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી મૃતક યુવકની ઓળખ છતી કરી તેના હત્યારાઓને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરી છે.  

ન્યુવીઆઈપીરોડ પર બ્રહ્માનગર-૨ની પાછળ વિશાળ મેદાન આવેલું છે જે મેદાનની આસપાસ છૂટક કામ કરતા શ્રમિકો કાચા-પાકા મકાનો બાંધીને રહે છે. આ મેદાનની એકતરફ આવેલી ઝાડીઓવાળી જગ્યામાં એક યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં હરણી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં અજાણ્યા યુવકના જમણા કાનની ઉપરના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકીને હત્યા કરાઈ હોવાની જાણ થતાં પોલીસે ચોંકી ઉઠી હતી. અજાણ્યા યુવકની ઓળખ છતી નહી થતાં પોલીસે તેના પેન્ટના ખિસ્સામાં તપાસ કરી હતી જેમાં ખિસ્સામાંથી માત્ર રોકડા ૬૦ રૂપિયા મળ્યા હતા પરંતું તેની ઓળખ છતી થાય તેવા કોઈ કાગળો કે મોબાઈલ ફોન મળ્યો નહોંતો. પોલીસે ઘટનાસ્થળે ભેગા થયેલા ટોળાની પુછપરછ કરી હતી જેમાં આ યુવક ન્યુવીઆઈપીરોડ પર આવેલા સીતારામનગરમાં રહેતો અને કલરકામની મજુરી કરતો અનિલ યાદવ હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. જાેકે તેના અત્રે કોઈ સગાસ્વજન ન હોઈ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં એવી વિગતો સપાટી પર આવી હતી કે યુવકની કાનના ઉપરનાં ભાગે એટલા ઝનુનપુર્વક તીક્ષ્ણ હથિયારનો ઘાં ઝીંકવામાં આવ્યો હતો કે મૃતકના માથામાં દોઢ ઈંચ જેટલો ઘા પડ્યો હતો અને ખોપડીનો ભાગ પણ તુટી ગયો હતો જેના કારણે યુવકનું મોત થયું છે.

આ બનાવની તપાસ કરતા હરણી પોલીસ મથકના પી.આઈ આર એસ બારિયાએ જણાવ્યું હતું કે હાલમાં બ્રહ્માણીનગરમાં રહેતા મહેશસિંહ રાઠોડની ફરિયાદના આધારે અમે અનિલની હત્યા કરી ફરાર થયેલા અજાણ્યા હત્યારા વિરુધ્ધ ગુનો નોંધી મૃતકની ઓળખ છતી કરવા તેના સગાવ્હાલાઓ ની શોધખોળ શરૂ કરી છે.