દેવગઢબારિયા,તા.૧ 

તંત્રની બેદરકારીના કારણે ઠુઠી કંકાસિયા ગામે નદીમાં સ્વજનની અસ્થિ પધરાવવા ગયેલા છ વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા. તે માટે પરિવારને ન્યાય મળે તે માટે જવાબદાર તંત્ર સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે ઝાલોદ ના બંધના એલાનને ઝાલોદ નગરના લોકોએ સજ્જડ બંધ પાળી ટેકો જાહેર કર્યો છે. જ્યારે લીમડી નગરમાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો.

 ગત તા.૨૨/૮/૨૦૨૦ ના રોજ ઝાલોદ તાલુકાના ઠુઠી કંકાસિયા ગામે મરણ પામેલ એક આદિવાસી ભાઈના અસ્થિ પધરાવવા કેટલાક જણા ગામની અનાસ નદી પર ગયા હતા. અને અસ્થિ વિસર્જન સમયે અનાસ નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઓચિંતું પુર આવી જતા અસ્થિ પધરાવવા ગયેલાઓ પૈકી છ આદિવાસી ભાઈઓ છ-છ કલાક સુધી નદીના ઘસમસ્તા પૂરમાં ફસાઈને જીવન મરણના જંગ સામે ઝઝુમી રહ્યા હતા. તેમ છતાં તંત્ર દ્વારા મદદના ઠાલા આશ્વાસનો આપી મદદ ન મોકલતા તંત્રની ઘોર બેદરકારીના કારણે છ આદિવાસી ભાઈઓ પૂરમાં તણાઈ જવાથી મોતને ભેટ્યા હતા. જેમાંથી પાંચની લાશ મળી આવી હતી. જ્યારે એકની લાશનો હજી પત્તો લાગ્યો નથી. છ મૃતક આદિવાસી ભાઈઓના પરિવારને ન્યાય મળે અને બેદરકાર દાખવનાર અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી. જ્યારે ઝાલોદ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ ડાંગીએ દાહોદ કલેક્ટરને આવેદન પત્ર આપી દિન ૧૦ માં ન્યાય નહિ મળે તો ઝાલોદ તાલુકો સજ્જડ બંધ પાળશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આ ઘટનાને દસ દસ દિવસ વીતી ગયા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા તથા મૃતકોના પરિવારને ન્યાય ન મળતા આજે ઝાલોદ તાલુકો બંધના એલાનને પગલે આજે ઝાલોદ બંધ રહ્યું હતું.