અમદાવાદ-

ગુજરાતમાં કોરોનાના કેસ હવે શહેરોમાં જ નહીં પણ ગામડામાં પણ વધી રહ્યા છે. રાજ્યનો એક પણ જિલ્લો એવો બાકી રહ્યો નથી જ્યાં કોરોનાના કેસ નોંધાયા ન હોય પરિણામે રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. અત્યાર સુધી અમદાવાદ કોરોનાનું એપીસેન્ટર રહ્યું છે પણ હવે સુરતમાં કોરોના એ કાળો કેર મચાવ્યો છે. અમદાવાદ કરતાં સુરતમાં કોરોનાના કેસો વધ્યા છે. સુરતમાં કોરોનાના કેસો વધતાં ગુજરાત એસ.ટી.નિગમએ નિર્ણય કર્યો છે કે સુરતથી અમદાવાદ વચ્ચેની એસટી બસ સેવા હાલ પુરતી બંધ કરવામાં આવી છે.

અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આરોગ્ય વિભાગની ટીમો ખાનગી વાહનો માં આવતા મુસાફરોને પણ ચેકિંગ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ ચેકિંગ દરમિયાન ગઈકાલ સુધી ૫૦૦થી વધુ મુસાફરોમાં કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડયું છે. આરોગ્ય વિભાગની ટીમો એક્સપ્રેસ હાઈવે પર એન્ટીજન રેપિડ કીટના માધ્યમથી મુસાફરોનું ચેકિંગ કરી રહી છે. આ કિટ થી માત્ર પંદર જ મિનિટમાં વ્યક્તિને કોરોના છે કે નહીં તેની જાણ થઈ જાય છે.

મહત્વનું છે કે, 1 જુલાઇનાં રોજથી ગુજરાતમાં એસટી બસ શરૂ કરવામાં આવી હતી. હવે અમદાવાદમાં કોરોના સંક્રમણનાં આંકડા પહેલા કરતા ધીરે ધીરે અંકુશમાં આવી રહ્યાં છે. જ્યારે સુરતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેના કારણે જો સુરતનાં લોકો અમદાવાદમાં આવે તો કોરોનાનાં આંકડા ફરીથી વધી શકે છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત તરફથી આવતી કાર, એસટી, અન્ય વાહનોમાં આવી રહેલાં લોકોની હેલ્થની ચકાસણી ટોલનાકાની નજીક શરૂ કરાઇ છે. આ પૈકી જે પણ કોરોના પોઝિટિવ હોવાનું જણાય તેમને જો અમદાવાદનાં હોય તો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અથવા તો તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે. જો પ્રવાસી સુરત તરફનાં હોય તો તેમને પરત મોકલવામાં આવે છે.

નોંધનીય છે કે, સુરત કે વલસાડથી આવતા લોકોનાં એક્સપ્રેસ વે પર જ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે. ગઇકાલે 574 લોકોને તપાસવામાં આવ્યાં જેમાંથી 23 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો.