દાહોદ સમાચાર

 • ગુજરાત

  ટાયર ફાટતાં ટેન્કર સાઇન બોર્ડ સાથે ભટકાયું ટ્રાફિક જામ થતાં વાહનચાલકો અટવાઇ પડ્યા

  દેવગઢ બારિયાગોધરા તરફથી પૂરપાટ દોડી આવતા ઇન્ડિયન ઓઇલ કંપનીનું ગેસ ભરેલું ટેન્કરનું ટાયર દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા નજીક ફાટતા સર્જાયેલા અકસ્માતમાં ટેન્કર રોડની સાઇડમાં ઉતરી જઇ મોટા સાઇન બોર્ડ સાથે ભટકાતા ટેન્કરમાંથી ગેસ લિકેજ થતાં દાહોદ ગોધરા હાઇવે પરનો બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાતા અનેક વાહનો અટવાયા હતા અને તે રૂટ દેવગઢબારીયા તરફ ડાયવર્ટ કરતા નગરમાં મોડી રાત સુધી વાહનો ધમધમાટ ચાલુ રહ્યો હતો. આવા સમયે જો દેવગઢ બારીયા બાયપાસ રોડ બનાવવામાં આવ્યો હોત તો વાહન ચાલકોને તથા બારીયા નગરની જનતાને મોટી રાહત થઇ હોવાનું લોકોમાં ચર્ચાયું હતું. ગતરોજ સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે ગોધરાથી દાહોદ તરફ આવી રહેલું ઈન્ડિયન ઓઇલ કંપનીનું એમ.પી પાર્સિંગનું ગેસ ભરેલું ટેન્કરનું ટાયર દાહોદ મધ્ય પ્રદેશની હદ સુધીના નેશનલ હાઇવે નંબર ૪૭ ઉપર દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ગામે રોડ પર અચાનક ફાટી જતા ટેન્કરના ચાલકે ટેન્કરનો કાબુ ગુમાવી દેતા ટેન્કર રોડની ડાબી સાઈડમાં ઉતરી મોટા સાઇન બોર્ડ સાથે અથડાતા ટેન્કરનો વાલ્વ લીકેજ થતા ગેસ ગળતર થવાનું શરૂ થતા નજીકમાં આવેલ ભથવાડા ટોલનાકાના કર્મચારીઓએ સાવચેતીના ભાગરૂપે ટોલનાકાના તમામ લાઈટો તેમજ નજીકના ગામોના લાઈટો બંધ કરાવી આ અંગેની જાણ દેવગઢ બારીયા પોલીસ તેમજ દાહોદ અને દેવગઢબારીયા ફાયર બ્રિગેડ અને કરાતા પોલીસ તેમજ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગેસ ગળતર થતો અટકાવવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન નેશનલ હાઇવેનો બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાતા અનેક વાહનો અટવાયા હતા. આ સમયે તે રૂટને બારીયા તરફ ડાયવર્ટ કરાયો હતો.
  વધુ વાંચો
 • ગુજરાત

  ના.મુખ્યમંત્રી નીતિન પટેલ સામે એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ

  દેવગઢ બારિયા : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલએ તાજેતરમાં મોરબી તાલુકાના વાઘપર ગામે ચૂંટણીના પ્રચાર માટેની જાહેર સભામંચ પરથી સ્વર્ગીય મહેશભાઈ કનોડીયા તથા સ્વર્ગીય નરેશભાઈ કનોડીયાને શ્રદ્ધાંજલિ આપતી વેળાએ બન્ને ભાઈઓની જ્ઞાતિ અને તેમના સમાજના સ્તર અંગે અપમાનજનક લાગે એવા શબ્દોનો પ્રયોગ કરી અનુસૂચિત જાતિના સમાજને ઇરાદાપૂર્વક અપમાનિત કરી હડધૂત કરેલ હોવાથી તેઓની સામે દાહોદના સુખદેવકાકા કોલોનીમાં રહેતા અજયભાઈ કનુભાઈ વાઘેલાએ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તેઓની ધરપકડની માંગણી કરતા દાહોદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.  ગુજરાત રાજ્યની વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ રતિભાઈ પટેલ એ ગત તારીખ ૩૦/૧૦/૨૦૨૦ના રોજ મોરબી તાલુકાના વાઘપર ગામે ચૂંટણી પ્રચારની જાહેર સભામાં સભામંચ ઉપરથી ભાષણ આપ્યું હતું. જેમાં સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સ્વર્ગીય મહેશભાઈ કનોડિયા તથા સ્વર્ગીય નરેશભાઈ કનોડીયાને શ્રદ્ધાંજલિ આપતી વેળાએ બંને સ્વર્ગસ્થ બંધુઓની જ્ઞાતિ અને સમાજ અંગે અપમાન લાગે એવી ભાષા કે શબ્દ વાપરી પ્રથમ માજી મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાની વાત કર્યા પછી પટેલ જ્ઞાતિની સરખામણીએ મહેશ અને નરેશ કનોડિયા નીચી અને હલકી જ્ઞાતિના છેે તેવો અર્થ નિકળે એ રીતે રીતે જણાવી સાંસદ અને ધારાસભ્ય રહી ચૂકેલા બંને સ્વર્ગસ્થ મહાન કલાકારાનીે અનુસૂચિત જાતિ માટે સન્માનિત સદગત વ્યક્તિઓનું જાહેરમાં અપમાનિત કરેલ છે. નરેશ કનોડીયા પોતાના સમાજ માટે એટલે સન્માનિત છે કે તેઓ જગ પ્રખ્યાત એક્ટર ગાયક કલાકાર અને સંગીતકાર હતા. બે ટર્મ સુધી ગુજરાતના ધારાસભ્ય રહેલા અને વર્ષ ૨૦૧૨માં તેઓને દાદાસાહેબ ફાળકે એકેડેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેઓ ચાર દાયકા સુધી ૧૨૫ જેટલા ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય કલાકાર તરીકે કામ કરી નામાંકિત બન્યા હતા. જ્યારે મહેશભાઈ કનોડિયા ૧૯૯૧ થી ૧૯૯૯ તથા ૨૦૦૪ થી ૨૦૦૯ સુધી સાંસદ રહી તેઓએ ઉમદા નેતાગીરી પૂરી પાડી હતી. તેઓ પણ ગાયક કલાકાર અને સંગીતકાર હતા અને તેઓ જુદા જુદા છ એવોર્ડ આ ક્ષેત્રે મેળવ્યા હતા. આવા સન્માનિત મહાપુરુષોને જાહેરમાં અપમાનિત કરી હલકી કક્ષાના ગણી તેઓને કાયદાથી પ્રતિબંધિત જ્ઞાતિના બતાવી નીતિનભાઈ પટેલે ઈપીકો કલમ ૨૯૪ખ તથા એટ્રોસિટી એક્ટની કલમ ૩(૧)(આર), ૩(૧)(એસ), ૩(૧)(યુ), તથા ૩(૧)(વી) મુજબ શિક્ષાને પાત્ર ગુનો કરેલ છે. ઉપરોક્ત બંને મહાપુરુષો અનુસૂચિત જ્ઞાતિના છે તેવું આડકતરી રીતે જાહેરમાં બોલી અપમાનજનક શબ્દનો પ્રયોગ કરી આખા અનુસૂચિત જ્ઞાતિના સમાજને ઇરાદાપૂર્વક અપમાનિત કરી હડધૂત કરેલ છે. જે ખરેખર ગુનો બને છે તેમ જણાવી દાહોદ સુખદેવકાકા કોલોનીમાં રહેતા અજયભાઈ કનુભાઈ વાઘેલાએ કેટલીક કોર્ટના જજમેન્ટ અને ટાંકી તેમજ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નોટિફિકેશનને ટાંકી દાહોદ શહેર પોલીસ સ્ટેશનમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ રતિભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરી છે. પોલીસે ફરિયાદીની અરજી સ્વિકારી છે પરંતુ શાસક પક્ષના અગ્રણી અને નાયબ મુખ્યમંત્રી જેવા હોદ્દા પર બિરાજેલા નિતીન પટેલ સામે અરજીના આધારે હજી સુધી કોઈ કાર્યવાહી નહીં કરતા પોલીસની તટસ્થતા સામે સવાલો ઉભા થયા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  દાહોદ: BSF જવાન બિહારના રોડ અકસ્માતમાં શહીદ, ગાર્ડ ઑફ ઓનર આપી કરાશે અંતિમ સંસ્કાર

  અમદાવાદ-દાહોદનાં બીએસએફ જવાનનું બિહારમાં એક રોડ અકસ્માતમાં મોત નીપજ્યું છે. બિહારમાં ચૂંટણીની કામગીરીમાં ફરજ બજાવવા ગયેલા દાહોદનાં જવાન રમેશભાઇ કિશોરની ત્યાં પોસ્ટિંગ કરવામાં આવી હતી. આ જવાનનાં આક્સમિત મૃત્યુનાં કારણે પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. બિહાર ચૂંટણી દરમિયાન થયેલા એક રોડ અકસ્માતમાં ગુજરાતના BSF જવાન રમેશભાઈ કિશોરીનું નિધન થયું છે. હવે તેમના નશ્વરદેહને ઝાલોદના નાની સીમળખેડી લવાયો છે. આ જવાનને પુરા સન્માન સાથે ગાર્ડ ઑફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત દાહોદના ઝાલોદમાં નાની સીમળખેડી ગામના BSF જવાન રમેશભાઈ કિશોરીનુ અકસ્માતમાં મોત થયું છે. આ ગમખ્વાર અકસ્માતમા બી.એસ.એફ જવાનનુ મોત થતા તેમની અંતિમ ક્રિયા માટે તેમના વતન લવાયા છે. ઝાલોદ તાલુકાના નાની સીમળખેડી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  દાહોદ જિ.માં ડી.જે.નો વ્યવસાય પુનઃ શરૂ કરવાની મંજૂરી આપવા આવેદન

  દેવગઢ બારિયા : કોરોનાની મહામારીને કારણે લાદવામાં આવે લોકડાઉનમાં લોકોના ધંધા રોજગાર બંધ થતાં હાલત કફોડી બની હતી. લોકડાઉન બાદ શરૂ થયેલા અનલોકમાં ધીરે ધીરે તમામ ધંધા રોજગાર પુનઃ ધમધમતા થતાં લોકોની આર્થિક ગાડી પાટે ચઢી છે. પરંતુ ડી.જે પર પ્રતિબંધ યથાવત રાખતા ધંધા-રોજગાર વગર બેકાર બનેલા દાહોદ જિલ્લાના તમામ ડી.જે વાળાઓએ જિલ્લા કલેકટરને આજે આવેદનપત્ર આપી ડી.જેનો ધંધો પુનઃ ચાલુ કરવાની મંજૂરી આપવાની માંગણી કરી છે અને દિન પાંચમાં ર્નિણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દાહોદ જિલ્લામાં કોરોના મહામારીને કારણે ડી.જે પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હવે આવનાર દિવાળીની સિઝન લગ્ન પ્રસંગ ઘર વાસ્તુ પ્રસંગોમાં લાઉડ સ્પીકર મુકવાની પરવાનગી આપવાની માગણી કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના તથા તાલુકાના તમામ ડી.જે માલિકો પાંચ દિવસમાં ન્યાય અને ઊંચી જવાબ નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. સરકારી ગાઇડલાઇન મુજબ લગ્ન પ્રસંગમાં સો માણસો ની જગ્યાએ હવે ૨૦૦ જણાને હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે આ ૨૦૦ જણામાં લાઉડ સ્પીકર વગાડવાની અમોને પરવાનગી આપવામાં આવે તેવી નમ્ર અપીલ પણ કરવામાં આવી છે.
  વધુ વાંચો