પાટણ સમાચાર

 • અન્ય

  પાટણમાં આજથી બપોરે બે વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો વેપારીઓનો સ્વૈચ્છિક નિર્ણય

  પાટણ,તા.૭ પાટણ શહેરમાં કોરોનાનો કહેર વધતાં વેપારીઓ ચિંતિત બન્યા છે. કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે બુધવારથી બપોરે બે વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો વેપારી સંગઠનો દ્વારા સ્વેચ્છાએ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં કોરોનાના સોમવારે વધુ ૯ કેસ નોંધાતા જિલ્લામાં કુલ આંક ૨૮૦ એ પહોંચ્યો જ્યારે પાટણ શહેરનો આંક ૧૩૨ એ પહોંચ્યો છે. આ રીતે જોઇએ તો જિલ્લાના કુલ કેસના ૪૭ ટકા કેસ પાટણ શહેરમાં જ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાના સૌથી વધુ પાટણ શહેરમાં ૧૩૩ કેસ થયા છે. લોકલ ચેપ પ્રસરતાં સંક્રમણ વધવાની શક્યતાઓ વધી રહી છે. સોમવારે વેપારી મહામંડળ અને પાટણ જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલા કરિયાણા, કાપડ, રેડિમેડ, બુકસ્ટોર વાસણ હાર્ડવેર, અનાજ બજાર, જ્વેલર્સ, કટલરી બુટ ચપ્પલ અને મીઠાઇ ફરસાણ સહિતના વિવિધ વેપારી એસોસિએશનના આગેવાનોની પ્રાંત કચેરી ખાતે બેઠક મળી હતી જેમાં કોરોના સંક્રમણ વધે નહીં તે માટે બુધવારથી પાટણ શહેરમાં બપોરે ૨ઃ૦૦ વાગ્યા બાદ તમામ બજારોની દુકાનો બંધ રાખવાનો વેપારીઓએ સ્વેચ્છાએ નિર્ણય લીધો હતો. જેમાં રહેઠાણ વિસ્તારોમાં આવેલી દુકાનો બંધ રાખવાનું નક્કી કરાયું હતું. જોકે મેડિકલ અને દૂધની દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો છે. તેવું પાટણ જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુરેશભાઈ સી પટેલે જણાવ્યું હતું.આ અંગે પ્રાંત અધિકારીએ જણાવ્યું કે શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તે બાબતે વેપારીઓને સમજાવી રહ્યા હતા તે દરમિયાન વેપારીઓએ ચર્ચા કરીને સ્વેચ્છાએ બુધવારે બપોરે ૨ વાગ્યાથી બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.
  વધુ વાંચો
 • અન્ય

  પાલનપુરમાં સાત દુકાનો તોડવા મુદ્દે વેપારીઓ-પાલિકા ટીમ વચ્ચે ઘર્ષણ

  વડગામ,તા.૭  પાલનપુર નગરપાલિકા ટીમ પોલીસ સુરક્ષા સાથે દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલી અડચણરૂપ સાત દુકાનો તોડી પાડવા પહોંચી હતી. જોકે પાલિકા ટીમ સામે વેપારીઓએ હોબાળો મચાવતા પાલિકા ટીમને પરત ફરવાનો વારો આવ્યો હતો. દિલ્હીગેટ વિસ્તારમાં આવેલી અડચણરૂપ દુકાનો મામલે છેલ્લા ઘણાં વર્ષોથી પાલિકા અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. નગરપાલિકા દ્વારા અગાઉ પણ દુકાનધારકોને જગ્યા ફાળવી અડચણરૂપ દુકાનો ખાલી કરવા જણાવ્યું હતું. જોકે દુકાનધારકોએ ભોંય તળિયે દુકાનો માટે જગ્યા આપવાની માંગ સાથે દુકાનો ખાલી ન કરતાં પાલિકા દ્વારા ગાંધીનગર કમિશ્નર કોર્ટનું શરણું લેવામાં આવ્યું હતું. છેલ્લા ઘણાં વર્ષોથી વિવાદમાં ઘેરાયેલી અડચણરૂપ દુકાનો મામલે કમિશ્નરે વડલીવાળા પરામાં વૈકલ્પિક જગ્યા ફાળવી દુકાનો દૂર કરવા આદેશ કરતાં આજે પાલિકા ટીમ તામજામ સાથે દુકાનો તોડવા પહોંચી હતી. જોકે પાલિકા દુકાનોના દબાણો દૂર કરે એ પહેલા જ પાલિકા અને વેપારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ સર્જાતા મોટો હોબાળો થયો હતો. દુકાનધારકો પાલિકા પાસે કાયમી ધોરણે જગ્યા ફાળવવા માંગ કરી રહ્યા છે. ભરબજારમાં બે કલાક સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પાલિકાની ટીમ ડેલીએ હાથ દઈને પાછા ફરી હતી.
  વધુ વાંચો
 • અન્ય

  છાપી દૂધમંડળીના ચેરમેન અને મંત્રી સહિત ૫ સભ્યો રેર્કડ લઇને રફુચક્કર

  વડગામ,તા.૬ વડગામ તાલુકાના છાપી દૂધમંડળીમાં ચેરમેન, મંત્રી સહિત ૫ સભ્યો રેકર્ડ લઇને ફરાર થઈગયાં છે.વડગામ તાલુકાના છાપી ગામમાં આવેલી દૂધમંડળીમા સોમવારના સવારે ડેરીના સભાખંડમાં બનાસડેરીની ચૂંટણી પહેલા દૂધ મંડળીના પ્રતિનિધિના ઠરાવ કરવા માટે મંડળીના ૧૧ સભ્યોની એક મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં દૂધમંડળીના એક જુથના ૬ સભ્યો સવારના દસ વાગ્યાથી દૂધમંડળી ખાતે હાજર થતાં સામે છાપી દૂધમંડળીના ચેરમેન, મંત્રી સાથે ૫ સભ્યો થતાં ચેરમેન અને મંત્રી સાથે ૫ સભ્યોને લઈને તેમની ધારણા પ્રમાણે ઠરાવ થઇ શકે તેમ ન હોય તેવા ભયથી તેઓ ડેરીના રેકર્ડ સાથે ફરાર થઈ જતાં ચકચાર મચી ગઇ હતી.વડગામ તાલુકા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામા આવેલ દૂધમંડળીઓમા મંડળીના પ્રતિનિધિના ઠરાવોને લઇને ભારે ડખા ઉભા થઇ રહ્યા છે.બનાસડેરીની ચૂંટણીમાં પોતાના પક્ષના દૂધ મંડળીના પ્રતિનિધિનો ઠરાવ થાય તે માટે કાવાદાવા દૂધ મંડળીઓમાં શરૂ થયા છે.છાપી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં આજે પ્રતિનિધિનો ઠરાવ થાય તે પહેલાં ચેરમેન,મંત્રી ૫ સભ્યો મંડળીનું રેકડ લઈને ફરાર થઈ ગયા હતા..હાજર ૬ સભ્યોએ બહૂમતિથી પ્રતિનિધિનો ઠરાવ કરીને દૂધમંડળીના રેકર્ડ લઇને નાસી ગયેલા ચેરમેન મંત્રી સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી હોવાની ચર્ચાઓ છાપીના લોકોમાં થઇ રહી છે. 
  વધુ વાંચો
 • અન્ય

  મેમેદપુર અને વડગામ જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા પડતર પ્રશ્નોની રજૂઆતો

  વડગામ,તા.૬ વડગામ મામલતદાર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સથી બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભા યોજાઈ હતી. .જેમાં વડગામના નાયબ ટી.ડી.ઓ. જેઠાભાઇ,મફાજી રાજપૂત, સહિત તાલુકાના કર્મચારીઓ, મેમદપુર જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય અશ્વિન સક્સેના,વડગામ જિ‌.પં.ના સદસ્ય ફલજીભાઇ પટેલ,(વરસડા)બસુ જિ.પં.બેઠકના સદસ્ય હાજર રહ્યા હતા.જયારે કાલેડા અને છાપી બેઠકના સદસ્યની ગેરહાજરી રહી હતી. વિડીયો કોન્ફરન્સથી યોજાયેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સદસ્ય અશ્વિન સક્સેના અને ફલજીભાઇ પટેલ દ્વારા તાલુકાના લોકોને મૂંઝવતા પ્રશ્નોની ધારદાર રજૂઆત કરી હતી. અશ્વિન સક્સેના દ્વારા જિલ્લા પંચાયત કચેરીના પાછળના ભાગે પડેલા કાટમાળ માળને હટાવીને પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવા માટે પણ રજૂઆતો કરી હતી. વધુમાં તેઓ દ્વારા તાલુકાના ગામોમાં પ્લોટોની તાત્કાલિક હરાજી શરૂ કરવામાં આવે, તાલુકાના ૧૭ ગામોમાં ગામતળ નથી તેવા ગામોમાં ગામતળ મંજુર કરવામાં આવે તેમજ તાલુકાના વિવિધ ગામડામાં ૫૬૩ લાભાર્થીઓ દ્વારા કરવામાં આવેલી પ્લોટોની માગણી સંતોષવામાં આવે અને તાલુકામાં દર મહિને લેન્ડ કમિટી યોજાય તેમજ લોકોને મનરેગા યોજના હેઠળ તાલુકાના લોકોને રોજગારી આપવા જેવા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. 
  વધુ વાંચો