ચાંદીમાં રૂા.૬૫,૦૦૦ : સોનામાં રૂા.૨૩,૦૦૦નો ઘટાડો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જાન્યુઆરી 2026  |   4752


મુંબઈ, આજના સેશનમાં સોનાં-ચાંદી બજારમાં ભારે અસ્થિરતા જાેવા મળી હતી. ચાંદી બજારમાં માત્ર ૨૦ મિનિટના ટૂંકા સમયગાળામાં ટ્રેડની કિંમત રૂા.૪,૨૦,૦૦૦ થી ઘટીને રૂા.૩,૫૫,૦૦૦ સુધી આવી ગઈ હતી. એટલે કે લગભગ રૂા.૬૫,૦૦૦નો ઝડપી સ્વિંગ જાેવા મળ્યો હતો. બીજી તરફ, આજના ટ્રેડિંગ સેશનમાં સોનાં બજારમાં અચાનક અને તીવ્ર અસ્થિરતા જાેવા મળી હતી. માત્ર ૨૦ મિનિટના સમયગાળામાં ટ્રેડની કિંમત રૂા.૧,૮૦,૦૦૦થી સીધી રૂા.૧,૫૭,૦૦૦ સુધી સરકી ગઈ હતી, એટલે કે લગભગ રૂા.૨૩,૦૦૦નો ઝડપી ઘટાડો જાેવા મળ્યો હતો.

વૈશ્વિક બજારમાં પ્રવર્તી રહેલી ભૌગોલિક-રાજકીય અસ્થિરતા અને આર્થિક તણાવને કારણે સોના અને ચાંદીના ભાવમાં આજે અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો જાેવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવે રૂ. ૧.૮૦ લાખ અને ચાંદીએ રૂ. ૪ લાખની ઐતિહાસિક સપાટી વટાવીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ તેજી પાછળ મુખ્યત્વે અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલો સૈન્ય તણાવ અને યુએસ ફેડરલ રિઝર્વની નીતિઓ જવાબદાર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

આજના કારોબારમાં એમસીએક્સ પર સોનાના ફેબ્રુઆરી વાયદામાં ૯ ટકા અથવા રૂ. ૧૫,૦૦૦નો જંગી ઉછાળો નોંધાયો હતો, જેના કારણે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૧,૮૦,૭૯૯ની ટોચે પહોંચ્યો હતો. તેવી જ રીતે, ચાંદીના માર્ચ વાયદામાં રૂ. ૩૪,૬૦૦થી વધુનો ઉછાળો આવતા તે પ્રતિ કિલો રૂ. ૪,૨૦,૦૪૮ના સ્તરે પહોંચી હતી. ઉલ્લેખનીય છેકે, જાન્યુઆરી મહિનામાં જ ચાંદીના ભાવમાં અંદાજે ૭૮ ટકા અને સોનામાં ૩૧ ટકા જેટલો વધારો જાેવા મળ્યો છે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ કરાર માટે વાટાઘાટો ફરી શરૂ કરવા ચેતવણી આપી છે અને નકારાત્મક વલણની સ્થિતિમાં કડક સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી છે. આ નિવેદનને પગલે ખાડી દેશોમાં અનિશ્ચિતતા વધી છે, જેને કારણે રોકાણકારોમાં સેફ હેવન ગણાતા સોના અને ચાંદીમાં ખરીદીનું જાેર વધ્યું છે. આ ઉપરાંત, ટ્રમ્પ દ્વારા કેનેડા અને દક્ષિણ કોરિયા જેવા દેશો પર વધારાના ટેરિફ લાદવાની ધમકીથી પણ વૈશ્વિક વ્યાપાર જગતમાં ફાળ પડી છે.

યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરો સ્થિર રાખ્યા હોવા છતાં, ડૉલર ઇન્ડેક્સ ૪ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો છે. ડૉલર નબળો પડતા આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૫,૬૦૦ ડોલર અને ચાંદી ૧૨૦ ડોલર પ્રતિ ઔંસની નજીક પહોંચી ગયા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution