ગુજરાત સમાચાર બધુજ જુઓ
કચ્છ-સૌરાષ્ટ્ર વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જાન્યુઆરી 2026 1485   |  
સરકારી નોકરીના નામે ઠગાઈ, ૬ રાજ્યોમાં ઈડીના દરોડા

રાજકોટ, સરકારી નોકરી અપાવવાના નામે ઠગાઈના મોટા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ઈડીની ટીમોએ દેશના ૬ રાજ્યોમાં કુલ ૧૫ સ્થળોએ દરોડા પાડીને મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન રાજકોટમાં પણ ઈડ્ઢ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાંથી અનેક શંકાસ્પદ દસ્તાવેજાે મળ્યા છે. મામલાની તપાસ બિહારના સોનપુર રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે શરૂ કરવામાં આવી છે. ફરિયાદના આધારે દીપક તિવારી અને સક્ષમ શ્રીવાસ્તવ સામે ઈડીએ મની લોન્ડરિંગ સહિતના મુદ્દાઓ પર તપાસ શરૂ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓની ગેંગ રેલ્વે સ્ટેશનો પર આવતાં સરકારી નોકરીની આશા રાખતા યુવકોને શિકાર બનાવતી હતી. નોકરી અપાવવાના લાલચમાં મોટા પ્રમાણમાં રૂપિયા વસૂલવામાં આવતા હતા. ગેંગના મુખ્ય સૂત્રધારો અંગેની તપાસ હજી પણ ચાલુ હોવાનું   અધિકારીઓએ જણાવ્યું છે. દરોડા દરમિયાન   અનેક વેચાણ દસ્તાવેજાે, ઋણ એગ્રીમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત દસ્તાવેજાે મળી આવ્યા છે. આ ઉપરાંત ડિજિટલ ઉપકરણો, મોબાઇલ ફોન, લેપટોપ સહિતની સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે.તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ દ્વારા નોકરીના નકલી જાહેરાત પત્રો, નકલી નિયુક્તિ પત્રો તેમજ ખોટા ઇ-મેઇલ આઇડી બનાવી લોકોમાં વિશ્વાસ ઊભો કરવામાં આવતો હતો. ગેંગ દ્વારા તૈયાર કરાયેલા આ તમામ નકલી પુરાવાઓ હવે ઈડીને હાથ લાગ્યા છે. ઈડી દ્વારા સમગ્ર નેટવર્ક, નાણાકીય વ્યવહારો અને ગેંગના અન્ય સભ્યો અંગે તપાસનો દોર વધુ તેજ બનાવવામાં આવ્યો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જાન્યુઆરી 2026 2079   |  
સુરેન્દ્રનગરના શખસે મહિલાનું અપહરણ કર્યું હતું : કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

અમદાવાદ, વર્ષ ૨૦૨૦માં ઇસનપુર પોલીસ મથકે મૂળ સુરેન્દ્રનગરના પ્રકાશ દેસાણી સામે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય, અપહરણ, સરકારી અધિકારીની ખોટી ઓળખ જેવી કલમો અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ૩૨ સાહેદ અને ૩૩ પુરાવાને આધારે આરોપીને આજીવન કારાવાસની સજા અને આશરે કુલ ૪ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપી કોલકાતાથી ઝડપાયો હતો. કેસને વિગતે જાેતા એક વ્યક્તિ અને ભોગ બનનાર મહિલાને પ્રેમ સંબંધ હતો. ભોગ બનનાર મહિલા રિક્ષા લઈને લાંભા તરફ જઈ રહી હતી. ત્યારે તેની રિક્ષાને અન્ય એક રિક્ષાએ રોકી હતી અને અંદર બેસેલા વ્યક્તિઓએ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી હતી. તેમજ ચોરીના કેસમાં મહિલા ઉપર આક્ષેપ હોવાનું જણાવ્યું હતું. તેથી ગાયકવાડ હવેલી પોલીસ મથકે જવા મહિલાને રિક્ષામાં બેસવા જણાવ્યું હતું. આમ આરોપીઓએ મહિલાનું અપહરણ કર્યું હતું અને તેના પ્રેમી સાથે તેના જ ફોન પરથી વાત કરાવીને ૩૦ હજાર રૂપિયા માગ્યા હતા. બાદમાં પીડિતાનો ફોન બંધ કરી દીધો હતો. આથી મહિલાના પ્રેમીએ પોલીસને જાણ કરી હતી અને ૧૦ હજાર રૂપિયા આરોપીઓએ કહેલા ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. છેવટે ભોગ બનનાર ગમે તેમ કરીને પોતાના ઘરે આવી હતી. ત્યારે પોલીસે ફરિયાદ નોંધીને તેનું નિવેદન નોંધ્યું હતું.ભોગ બનનારે જણાવ્યું હતું કે, આરોપીઓએ રિક્ષામાંથી તેને એક ગાડીમાં લઈ ગયા હતા. જ્યાં આરોપીઓએ રસ્તા વચ્ચેથી શરાબની બોટલ લીધી હતી. ત્યારે ધોળકા પાસે આરોપીઓ મહિલાને એક ર્નિજન સ્થળે લઈ ગયા હતા. જ્યાં તેની ઉપર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીઓ જ્યારે નશામાં હતા. તેનો લાભ લઈને ભોગ બનનાર ભાગી છૂટી હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જાન્યુઆરી 2026 1782   |  
આજથી શરૂ થતી કચ્છ-સૌરાષ્ટ્ર વીજીઆરસી રાજ્યના ગ્રીન એનર્જી વિઝનને વૈશ્વિક મંચ આપશે

ગાંધીનગર, કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટેની વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (વીજીઆરસી) ૨૦૨૬નું તા. ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે કરાયું છે. બે દિવસીય આ ઐતિહાસિક સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ‘પંચામૃત’ લક્ષ્યોની રૂપરેખા આપી છે: જેમાં ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવી, નવીનીકરણીય સ્ત્રોતોમાંથી દેશની ૫૦% ઊર્જાની જરૂરિયાતો પૂર્ણ કરવી, કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટન ઘટાડો કરવો, ૨૦૩૦ સુધીમાં કાર્બન તીવ્રતામાં ૪૫% ઘટાડો કરવો અને ૨૦૭૦ સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જન પ્રાપ્ત કરવું. નવીનીકરણીય ઊર્જામાં અગ્રેસર ગુજરાત, વિવિધ નીતિઓ, મોટા પાયે પ્રોજેક્ટ્સ અને તેના સ્વચ્છ ઊર્જા ઇકોસિસ્ટમને મજબૂત બનાવતી પહેલ દ્વારા આ માર્ગ પર આગળ વધી રહ્યું છે. આ દ્રષ્ટિકોણ સાથે સંરેખિત થતાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (ઇપીડી) વીજીઆરસી માં વિવિધ પ્રકારના સેમિનાર, રાઉન્ડ ટેબલ અને પેનલમાં ચર્ચાઓ રજૂ કરશે. જેમાં તા. ૧૧મીના રોજ એટલે કે, પ્રથમ દિવસે ‘તકોનો મહાસાગર–બ્લુ એનર્જી, ગ્રીન ફ્યુચર’ વિષય પર સીઇઓ રાઉન્ડટેબલ બેઠક યોજાશે, જેમાં ગ્રીન સ્ટાર્ટઅપ્સ ફાયરસાઇડ ચેટ, બ્લુ એનર્જી અને હરિત રોકાણોની સંભાવનાઓ પર ચર્ચા થશે. સાથે જ ‘કાર્બન ટુ ક્રોપ્સ: ગ્રીનર મોલેક્યુલ્સ, ગ્રેટર યીલ્ડ્સ’ વિષયક બેઠકમાં કાર્બન કૅપ્ચર આધારિત કૃષિ ઉકેલો પર ફોકસ કરવામાં આવશે. આ ઉપરાંત ‘ગુજરાત – ઇન્ડિયાઝ એનર્જી ગેટવે: લીડિંગ ધ કર્વ ઇન ઓઇલ એન્ડ ગેસ’ સત્ર, સાથે પ્રદર્શન-કમ- ટ્રેડ શો યોજાશે, જેમાં ડે-ટાઇમ પાવર ટુ એગ્રીકલ્ચર, રિન્યૂએબલ એનર્જી ઉત્પાદન માટે ખાતરીપૂર્વકની કનેક્ટિવિટી અને પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના હેઠળ સોલાર રૂફટોપમાં અખિલ ભારતીય શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવવામાં આવશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, જાન્યુઆરી 2026 2772   |  
વિસાવદરના નાની મોણપરીમાં સિંહણના રેસ્કયૂ દરમિયાન વન કર્મીનું મોત નિપજ્યું

ગાંધીનગર જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણના રેસ્ક્યુ દરમિયાન કર્મચારી અશરફ ચૌહાણના મૃત્યુની ઘટના સામે આવી છે. જેને અત્યંત દુ:ખદ ગણાવતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પીડિત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. આ સમગ્ર બનાવની તપાસ ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરને સોંપાઇ છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મૃત્યુ પામનાર કર્મચારી અશરફભાઈ અલીભાઈ ચૌહાણના પરિવારને મળવાપાત્ર નાણાકીય સહાય ઉપરાંત મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવાય તે માટે દરખાસ્ત કરવા વન વિભાગને આદેશ આપ્યા છે. અર્જુન મોઢવાડિયાએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે,જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણ દ્વારા એક બાળક પર હુમલો કરી મૃત્યુ નિપજાવવાની દુ:ખદ ઘટના સામે આવી હતી. આ ગામ ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢ હેઠળની વિસાવદર રેન્જની ગ્રાસ રાઉન્ડની માણંદીયા બીટના કાર્યક્ષેત્રમાં આવે છે. આ નાની મોણપરી ગામના ખેડૂત ખાતેદાર પરસોત્તમ વાલજી વઘાસીયાના ખેતરમાં મજૂરી કામ કરતા શૈલેષ સોમાભાઈ પારગીના પુત્ર શિવમ પારગી (ઉ.વ.૪) તા. ૦૪/૦૧/૨૦૨૬ ના રોજ વાડીએ આવેલ મકાનની બાજુમાં રમતો હતો, તે દરમિયાન સવારે ૧૦-૩૦ કલાકે અચાનક સિંહણ દ્વારા હુમલો કરાયો તો. સિંહણ બાળકને તુવેરના પાકમાં ઢસડી ગયેલ જે દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું. જેને લઈને આ સિંહણને પકડવા માટે વન વિભાગે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં હુમલો કરનાર સિંહણને પકડીને સ્થળાંતર કરવાની કાર્યવાહી વિસાવદર રેન્જના સ્ટાફ તથા વેટનરી ઓફિસર, સાસણની ટીમ દ્વારા હાથ ધરાઈ હતી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
05, જાન્યુઆરી 2026 2475   |  
પીએમ મોદીના હસ્તે રિજનલ વાયબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદઘાટન થશે

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૧મી જાન્યુઆરીના રોજ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (વીજીઆરસી)નું ઉદઘાટન કરાશે. આ વીજીઆરસી તેમજ ત્યારબાદના દિવસોમાં પણ સૌરાષ્ટ્ર તથા કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે તેવી આશા તેમ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મેન્યુફેક્ચરિંગ સહિત તમામ સેક્ટરમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. પરંતુ હજુ પણ વધુ ઝડપથી વિકાસ થઈ શકે અને વેપારીઓ, ઉદ્યોગકારો, ઉત્પાદકો વધુ સરળતાથી કામ કરી શકે તે માટે આજે તેઓની બેઠકનું આયોજન કરાયું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની વિવિધ ઔદ્યોગિક નીતિઓ અંતર્ગત રાજ્યના ૧૦,૪૩૫ ઉદ્યોગકારોને રૂ. ૯૫૬.૫૧ કરોડની પ્રોત્સાહક સહાયનું આજે રાજકોટથી વિતરણ કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણ ઔદ્યોગિક માળખાકીય સુવિધાની યોજના, લઘુ ઉદ્યોગો અંગેની યોજના વગેરે જેવી યોજનાઓ હેઠળ સૌરાષ્ટ્ર કચ્છના ૧૩૭ ઉદ્યોગકારોને કુલ રૂપિયા ૬૬૧.૭૩ કરોડની રકમના મંજૂરીપત્રોનું વિતરણ અહીંથી કરવામાં આવનાર છે. દેશમાં ગુજરાત એ સૌથી ઝડપથી ઇન્સેન્ટિવ આપતું રાજ્ય છે. આ કામગીરી વધુ ઝડપથી થઈ શકે તે માટે ઉદ્યોગ વિભાગ દ્વારા દિવસ-રાત કાર્ય કરાતું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશમાં સૌથી વધુ રોકાણ લાવવામાં સફળ રહ્યું છે. આગામી દિવસોમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર સૌ નાગરિકોના સહયોગથી રાજ્યમાં વધુમાં વધુ રોકાણ લાવીને વિકાસના માર્ગે અગ્રેસર રહેશે તેવી આશા પણ હર્ષ સંઘવીએ વ્યક્ત કરી હતી. રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગકારો અને વેપારીઓ વિવિધ ઉત્પાદનો અને વેપાર-ધંધા થકી રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે ત્યારે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ઉદ્યોગકારોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ લાવી શકાય તેમજ નીતિ વિષયક પ્રશ્નનો તાત્કાલિક રાજ્યસ્તરે થી નિકાલ લાવી શકાય તે માટે આજે અહીં ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ હતી.


મધ્ય ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
08, જાન્યુઆરી 2026 3663   |  
રાજપીપળાના બંધ મકાનમાંથી ૪૦ વાઘનાં ચામડાં ,૧૩૩ નખ મળ્યાં

રાજપીપળા, એક તરફ ગુજરાતમાં વાઘની પ્રજાતિ લુપ્ત થતી જાય છે ત્યારે બીજી બાજુ નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના એક રૂમ માંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ વાઘનું ચામડું મળી આવતા રાજપીપળા વન વિભાગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આટલી મોટી સંખ્યામાં વાઘનું ચામડું મળી આવ્યું હોય એવો ગુજરાતમાં કદાચ પ્રથમ કિસ્સો હશે.આ ચામડું વાઘનું છે કે નકલી છે એની તપાસ માટે રાજપીપળા વન વિભાગે સેમ્પલ એફ.એસ.એલ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.રાજપીપળા રેન્જ વન વિભાગના આર.એફ.ઓ જીગ્નેશ સોનીના જણાવ્યા મુજબ રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું.એ દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમ માંથી ખરાબ વાસ આવતી હોવાનું એમના ધ્યાને આવ્યું હતું.એ દરમિયાન વર્ષો જૂની એક પતરાની પેટીમાં કોઈ વન્ય પ્રાણીનું ચામડું હોવાનું જાણતા જ એ મંદિરના ટ્રસ્ટીઓએ રાજપીપળા વન વિભાગના આર.એફ.ઓ જા જીગ્નેશ સોનીને જાણ કરી હતી.જે બાદ અમે અમારી ટીમ સાથે ત્યાં પહોચી તપાસ હાથ ધરતા પેટીમાં શંકાસ્પદ વાઘનું ચામડું તથા નખ હોવાનું અમને જાણવા મળ્યું હતું.બાદ સરકારી પંચોની હાજરીમાં તમામ શંકાસ્પદ વાઘના ચામડાને વન વિભાગની કચેરીએ લાવ્યા હતા.ખરાઈ કર્યા બાદ એ ચામડું શંકાસ્પદ રીતે વાઘનું હોવાનું અમને જણાઈ આવ્યું હતું.આ ચામડું તથા નખ વાઘના જ છે કે નકલી છે એની તપાસ માટે અમે સેમ્પલ એફ.એસ.એલ માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. આર.એફ.ઓ જીગ્નેશ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે અમને તપાસ દરમિયાન ૩૭ જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી ૪૦ થી વધુ ચામડા તથા ૧૩૩ જેટલા નખ મળી આવ્યા છે. આ તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ ૧૭૨ હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સરકારને જાણ કરી છે.ગુજરાતમાં વાઘની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે તો બીજી બાજુ પ્રથમ દૃષ્ટિએ આ વન્ય પ્રાણીની તસ્કરી પણ હોઈ શકે, મહારાજનો ૧૯૨૬ માં જન્મ થયો હતો આજથી લગભગ ૫ મહિના પેહલા ૯૫ વર્ષની ઉંમરે નિધન થયું છે.વન્ય પ્રાણીના આ ચામડા અને નખ એમની જ રૂમ માંથી મળી આવ્યા છે.આ ચામડા મળ્યા એ પેટીમાંથી ૧૯૯૨ ના વર્ષનું ન્યૂઝ પેપર મળી આવ્યું છે એટલે આ ચામડા લગભગ ૩૩ વર્ષથી તો મહારાજ પાસે જ હશે એવો અંદાજ મારી શકાય.જાે એફ.એસ.એલ ની તપાસમાં આ ચામડું વાઘનું હશે એવું નીકળશે તો આ મહારાજ સાથે કોણ કોણ જાેડાયેલું હતું એ દિશામાં તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
08, જાન્યુઆરી 2026 2277   |  
આણંદમાં સરદાર બાગ નજીકથી એમડી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઇ

આણંદ, વિદ્યાનગરની શાશ્વત નગરીની ઓળખને નશાના રવાડે ચઢાવવાના ખેલ રચાતાં હોય તેમ ગત મોડી સાંજે આણંદ એસઓજી દ્વારા બાતમીના આધારે શહેરના નવા બસમથક નજીકના સરદાર બાગ પાસેથી એમપીની મહિલાની ૧૧૬.૨૭૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાેકે આણંદ ખાતે નશીલા પદાર્થ મંગાવનાર કોણની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર વિદ્યાધામની ઓળખ બનેલ આણંદ, વિદ્યાનગરની વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં સ્થાનિક, પ્રાંતિય તથા પરપ્રાંતીય વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવતાં હોય તેમને નશાના રવાડે ચઢાવવાના ખેલ રચવામાં આવ્યા હોય તેમ ગત મોડી સાંજે શહેરના નવા બસમથક નજીકના સરદાર બાગ પાસે એક મહિલા નશીલા પદાર્થની ડિલિવરી આપનાર હોવાની બાતમી આણંદ એસઓજીને મળતા એસઓજી દ્વારા સ્થળ પર પહોંચી રતલામ થી નશીલા પદાર્થ લઇ બસ મારફત જાંબુઆ જીલ્લાના બેડાવા ગામની આવેલ મહિલા મંજુ જગદીશ ભુરીયાને ત્રણ લાખ ઉપરાંતની કિંમતના ૧૧૬.૨૭૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાેકે પોલીસ દ્વારા મહિલાની પૂછપરછ કરતાં નશીલા પદાર્થ રતલામના નારાયણ નામના શખ્સ પાસેથી લાવી આણંદ આપવાનું જણાવતાં આણંદનો માલ લેવા આવનાર શખ્સ કોણ?ની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
08, જાન્યુઆરી 2026 2079   |  
બનાસકાંઠા - દાહોદનું પાણી પીવાલાયક નહિ હોવાનો સરકારી અહેવાલમાં ખુલાસો

ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દૂષિત પાણીના લીધે ગાંધીનગર અને અમદાવાદ મોટા પ્રમાણમાં બીમાર પડ્યા છે. જેમાં મોટા ભાગે બાળકો છે. જ્યારે બાલાસિનોરમાં દૂષિત પાણીથી કેટલાક દિવસો અગાઉ નાગરિકો કમળાગ્રસ્ત થયા હતા. આ સંજાેગોમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્રના જલ શક્તિ મંત્રાલયના આહેવાલના આંકડા રજૂ કરીને ગુજરાતના કયા જિલ્લાનું પાણી કેટલું પીવાલાયક છે તે બતાવ્યું છે. આ આંકડા અત્યંત ચોંકાવનારા છે. કેન્દ્રના જળ શક્તિ મંત્રાલયના અહેવાલના આંકડા અનુસાર, જળશક્તિ મંત્રાલયના ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ રિપોર્ટ મુજબ ગુજરાતમાં માત્ર ૪૭.૩%ના ઘરે ગુણવત્તાયુક્ત પાણી નળથી પહોંચે છે જ્યારે સમગ્ર દેશમાં ૭૬% ઘરો સુધી ગુણવત્તાયુક્ત પાણી નળ દ્વારા પહોંચે છે. વર્ષ ૨૦૨૨ સુધીના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની માહિતી મુજબ વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં ૩૦માં ક્રમે છે. ડિસોલ્વેડ ઓક્સિજન, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, પીએચ અને કોલિફોર્મ બેક્ટેરિયા જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને વોટર ક્વોલિટી ઈન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તિસગઢ જેવા રાજ્યોથી પણ ગુજરાત વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં પાછળ છે. સમગ્ર દેશની વોટર ક્વોલિટી ઈન્ડેક્સની સરેરાશ ૭૩.૮% જ્યારે ગુજરાતનો ઈન્ડેક્સ ૬૩% છે. જળ શક્તિ મંત્રાલયના અહેવાલ ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ મુજબ જિલ્લા પ્રમાણે પીવા લાયક પાણીની સપ્લાયના આંકડા ચોકાવનારા છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ૩૧.૯% ઘરો અને આર્થિક પાટનગર અમદાવાદમાં ૪૬.૧% ઘરોમાં જ પીવાલાયક પાણી આવે છે. એટલું જ નહીં, આ અહેવાલ મુજબ દાહોદ અને બનાસકાંઠામાં ૦.૦% ઘરોમાં પીવાલાયક એટલે કે પોટેબલ વોટર આવે છે. મહીસાગરમાં ૧૬%, નર્મદામાં ૧૫.૪%, ગીર સોમનાથમાં ૧૧.૭% દેવભૂમિ દ્વારકા માં ૧૭.૨% ઘરોમાં પીવા લાયક પાણી મળે છે. જ્યારે રાજકોટની જનતાને ૧૬.૨% અને સુરતના લોકોને ૪૭.૨% લોકોને ત્યાં પીવાલાયક પાણી નળથી મળે છે. અહેવાલ મુજબ જૂના ૩૩ પૈકી ૧૯ જિલ્લામાં નળ થકી ૫૦% થી ઓછા લોકોને ગુણવત્તાયુક્ત પીવાલાયક પાણી મળે છે.જિલ્લાનું નામ ટકાવારી અમદાવાદ ૪૬.૧% બનાસકાંઠા ૦.૦% ભરૂચ ૮.૫% ભાવનગર ૧૪.૭% દાહોદ ૦.૦% ડાંગ ૪૦.૧% દેવભૂમિ દ્વારકા ૧૭.૨% ગાંધીનગર ૩૧.૯% ગીર સોમનાથ ૧૧.૭% મહિસાગર ૧૬.૦% મોરબી ૪૦.૬% નર્મદા ૧૫.૪% નવસારી ૪૭.૮% પંચમહાલ ૩૯.૨% રાજકોટ ૧૬.૨% સાબરકાંઠા ૧૭.૪% સુરત ૪૭.૨%



લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
02, જાન્યુઆરી 2026 7326   |  
VFF એ રચ્યો ઇતિહાસ : Vadodara માં પહેલીવાર સૌથી મોટી DJ party થઈ !!

ઉત્તર ગુજરાત વધુ વાંચો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જાન્યુઆરી 2026 2277   |  
જર્જરિત બ્રિજ તોડવાની કામગીરી વેળા લાઈનમાં ભંગાણ સર્જાતાં લાખો લિટર પાણીનો વેડફાટ

અમદાવાદ, અમદાવાદ શહેરના હાટકેશ્વર સર્કલ નજીક જર્જરિત ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી હતી. ઓવરબ્રિજ તોડકામ દરમ્યાન મુખ્ય પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લિટર ચોખ્ખું પાણી ઉછળી ઉછળી ને બહાર આવ્યું હતું. પીવાના પાણીનો ભારે પ્રવાહ સર્કલથી લઈને ઝ્ર્સ્ માર્ગ તરફ વ્હેણ સ્વરૂપે વહેતો રહ્યો અને અંતે સીધો ગટરમાં વેડફાઈ ગયો. સર્કલથી ખોખરા શ્મશાનગૃહના ગેટ સામે જ પાણીનો ઉંચો ફુવારો જાેવા મળ્યો હતો. પાણી એટલી તીવ્રતાથી વહેતું હતું કે આસપાસના વિસ્તારમાં જાણે કે કેનાલમાં વરસાદી પાણી છોડવામાં આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, અને ચોમાસા જેવા દૃશ્યો સર્જાયા હતાં.સ્થાનિકોનો આક્ષેપ હતો કે છસ્ઝ્ર તંત્રની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની હતી.  ઓવરબ્રિજ તોડકામ શરૂ કરતી વેળાએ પાણી ખાતાના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે યોગ્ય સંકલન ન હોવાના કારણે, બ્રિજ તોડતા કોન્ટ્રાક્ટર દ્વારા સીધી જ પીવાના પાણીની લાઈનને નુકસાન પહોંચાડવામાં આવ્યું, જેના પરિણામે અમૂલ્ય પાણી જાહેર માર્ગ પર વેડફાયું.  એક તરફ શહેરમાં પાણીની તંગી અને બચતની અપીલો થઈ, ત્યારે બીજી તરફ આવી બેદરકારીને કારણે લાખો લિટર પીવાનું પાણી વેડફાતું હોવા પર સ્થાનિકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. લોકો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જાન્યુઆરી 2026 2079   |  
સોનાની વીંટીઓ ચોરનાર મહિલાને ઝડપી નરોડા પોલીસે ચાર ગુનાનો ભેદ ઉકેલ્યો

અમદાવાદ,  શહેરના નરોડા, ઓઢવ અને સાબરમતી વિસ્તારમાં ઝવેરીઓની દુકાનમાંથી ચાલાકી પૂર્વક સોનાની વીંટીઓની ચોરી કરતી એક રીઢા મહિલા આરોપીને નરોડા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે. પોલીસે મહિલા પાસેથી કુલ ૨.૯૦ લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ આદરી છે. નરોડા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી, ત્યારે પોલીસ ડી સ્ટાફ પીએસઆઇ, કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલને ચોક્કસ બાતમી મળી હતી કે, જુદી જુદા જગ્યાએ નજર ચૂકવી દાગીના ઉઠવનાર મહિલા નરોડા સ્મશાન ચાર રસ્તા પાસે ઉભી છે. જેના આધારે પોલીસે દરોડો પાડી પ્રવિણાબેન ઉર્ફે ટીની (રહે. કિશનવાડી, વડોદરા) ને ઝડપી લીધી હતી.પકડાયેલ મહિલાની પૂછપરછમાં જણાવ્યું હતું કે, આરોપી મહિલા જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને જતી અને જેન્ટ્સ વીંટીઓ જાેતી હતી. જ્યારે સોની અન્ય દાગીના બતાવવામાં વ્યસ્ત હોય, ત્યારે તે નજર ચૂકવી પોતાની પાસે રહેલી નકલી (બગસરાની) વીંટી ત્યાં મૂકી દઈ અસલી સોનાની વીંટીની ચોરી કરી લેતી હતી. પોલીસે આરોપી મહિલા પાસેથી એક સોનાની રણી (૭.૯૭૦ ગ્રામ) કિંમત રૂ.૯૯,૧૪૦, ત્રણ સોનાની જેન્ટ્સ વીંટી જેની કુલ કિંમત આશરે રૂ. ૧,૯૧,૪૩૦ કબજે કરી છે. આ ધરપકડથી નરોડા પોલીસ સ્ટેશનના બે, ઓઢવનો એક અને સાબરમતી પોલીસ સ્ટેશનનો એક એમ કુલ ૪ ગુનાઓ ઉકેલાયા છે. તપાસમાં સામે આવ્યું છે કે પ્રવિણાબેન અગાઉ પણ વડોદરાના લક્ષ્મીપુરા, વાડી, ગોત્રી, હરણી તેમજ ખેડાના કઠલાલ અને અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોરી અને છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલી છે. નરોડા પોલીસે મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ટોળકીમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જાન્યુઆરી 2026 2178   |  
ક્લબ ઓ સેવનની રેસ્ટોરાંને રૂ.૨૫ હજાર ચૂકવવા ગ્રાહક ફોરમનો આદેશ

અમદાવાદ, અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલી એક જાણીતી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા શુદ્ધ શાકાહારી પરિવારને વેજીટેરિયન ભોજનની જગ્યાએ નોન વેજીટેરિયન ભોજન પીરસી દેવાતા ગ્રાહકે, ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. ગ્રાહક તકરાર નિવારણ કમિશને રેસ્ટોરન્ટને ગ્રાહક તરફે ૨૫ હજાર રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે. અમદાવાદના શેલા વિસ્તારમાં રહેતા સામજિક કાર્યકર ગૌરાંગ રાવલે એડવોકેટ કુંતલ જાેશી મારફતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદમાં શેલા ખાતે આવેલ ક્લબ ઓ સેવનની ક્યૂબ લોન્જ સામે ૩૦ લાખ રૂપિયાનો દાવો દાખલ કર્યો હતો. ક્યૂબ લોન્જ રેસ્ટોરન્ટ વ્યાંધમ ગ્રુપ દ્વારા મેનેજ કરવામાં આવે છે. અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તે પોતાના બહેન અને બનેવી સાથે ૭ માર્ચના રોજ ઉપરોક્ત રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. જ્યાં તેમને વેઇટરને ૧ વેજ મખ્ખનવાલા, ૩ બટર રોટી, ૧ દાલફ્રાય, ૨ ફ્રાય પાપડ અને ૨ છાશનો ઓર્ડર કર્યો હતો. ૧૫ મિનિટ બાદ વેઇટરે ઓર્ડર સર્વ કર્યો હતો. પરંતુ તેમાં વેજ મખ્ખનવાલાનું શાક દેખીતી રીતે હોવું જાેઈએ તેવું લાગતું નહોતું. આથી ગ્રાહકે વેઇટરને અને શૅફને પૂછતાં તેમને જણાવ્યું હતું કે આ શાક વેજ મખ્ખનવાલા જ છે. આથી ગ્રાહકે પોતાના બહેન અને બનેવી સાથે ખાવાનું શરૂ કરતાં તેને કાઈ અજુગતું લાગ્યું હતું. તેને એવો અંદેશો આવી ગયો હતો કે આ માંસાહારી ખોરાક છે. તેને વેઇટર અને શૅફને આ અંગે પૂછતાં તેઓ તે વાત માનવા તૈયાર નહોતા. જાે કે પાછળથી એક શેફે સ્વીકાર્યું હતું કે આ વેજ મખ્ખનવાલા નહિ પણ મુર્ગ મખ્ખનવાલા છે, એટલે કે ચિકનની માંસાહારી વસ્તુ છે. ઘટના અંગે ગ્રાહકે અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રેસ્ટોરન્ટ સામે ૩૦ લાખ રૂપિયાનો દાવો દાખલ કર્યો હતો. જેમાં ૧૦ લાખ રૂપિયા માનસિક પીડાના, ૧૦ લાખ રૂપિયા પારિવારિક સંબંધ બગાડવાના અને ૧૦ લાખ રૂપિયા મૂળભૂત હક્કોના ભંગ બદલ વળતર સ્વરૂપે માંગવામાં આવ્યા છે. તો ૫૦ હજાર રૂપિયા કમિશનમાં કેસ દાખલ કરવાના કાનૂની ખર્ચના માંગવામાં આવ્યો હતો.સામે પક્ષે રેસ્ટોરન્ટ તરફે રજૂઆત થઈ હતી કે વેઇટર દ્વારા ઓર્ડર લેવામાં ભૂલ થવી તે એક માનવીય ભૂલ છે. જાણી જાેઈને તેમનો ઈરાદો કોઈની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો નહોતો. શુદ્ધ શાકાહારી વ્યક્તિએ ફક્ત શાકાહારી રેસ્ટોરન્ટમાં જમવા જવાનું પસંદ કરવું જાેઈએ. જાે કે ગ્રાહક કમિશનને આ દલીલ નકારી નાખી નોંધ્યું હતું કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડીને ફક્ત માફી માંગી લેવાથી કામ પતી જતું નથી. આથી ગ્રાહકને ૨૦ હજાર રૂપિયા વળતર અને ૦૫ હજાર રૂપિયા કેસનો ખર્ચ ચૂકવવામાં આવે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જાન્યુઆરી 2026 1782   |  
હેરિટેજ હવેલી અને પોળના સ્થાપત્યની થીમ; ૧૦૦૦ પતંગબાજોનું ‘કાઇપો છે’

અમદાવાદ, ગુજરાતની ઓળખ સમાન ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ ૨૦૨૬નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ આ ભવ્ય ફેસ્ટિવલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ ૨૦૨૬ માટે અત્યારે સાબરમતી રિવરફ્રન્ટ પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હેરિટેજ હવેલી અને પોળના સ્થાપત્યની થીમ પર તૈયાર કરાયેલા સ્ટોલ, પતંગ મ્યુઝિયમ, ફોટો વોલ, ફૂડ સ્ટોલ અને હેન્ડક્રાફ્ટિંગ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. કાઈટ ફેસ્ટિવલનું ઉદ્ધાટન પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે, જ્યારે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વિશેષ અતિથિ તરીકે કાર્યક્રમમાં હાજરી આપશે. ૧૨ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ કાઈટ ફેસ્ટિવલમાં માત્ર રંગબેરંગી પતંગો જ નહીં પરંતુ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની પણ ઝલક જાેવા મળશે. હેરિટેજ હવેલી અને પોળના સ્થાપત્યની થીમ પર તૈયાર કરાયેલા સ્ટોલ્સ, પતંગ મ્યુઝિયમ અને ફોટો વોલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.કાઈટ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના મોટી સંખ્યામાં પતંગબાજાે ભાગ લેશે. ૫૦ દેશના ૧૩૫ ઇન્ટરનેશનલ પતંગબાજાે, ભારતના ૧૩ રાજ્યના ૬૫ પતંગબાજ અને ગુજરાતના ૧૬ જિલ્લાના ૮૭૧ પતંગબાજ આ કાઈટ ફેસ્ટિવલમાં સહભાગી થશે. આ રીતે કુલ અંદાજે ૧,૦૭૧ પતંગરસિકો આકાશમાં પેચ લડાવશે.મહોત્સવના મુખ્ય આકર્ષણોમાં ૧૩ જાન્યુઆરીની રાત્રિ નાઈટ ફાઈટ ફ્લાઈંગ, દરરોજ સાંજે ૭ વાગ્યે સાંસ્કૃતિક સંધ્યા અને લોકપ્રિય ગાયિકા કિંજલ દવે લોકોને ડોલાવશે. આ ઉપરાંત ૨૫ હસ્તકલા સ્ટોલ અને ૧૫ ફૂડ સ્ટોલ દ્વારા સ્થાનિક કલા, હસ્તકલા અને પરંપરાગત વ્યંજનોને પ્રોત્સાહન આપવામાં આવશે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
10, જાન્યુઆરી 2026 2079   |  
વટવામાંથી બે દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

અમદાવાદ, શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વટવાના બીબી તળાવ ચાર રસ્તા પાસેથી બે દેશી બનાવટની પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચીને હથિયાર સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.ઝડપાયેલા આરોપીની ઓળખ વટવાના રહેવાસી યુસુફ ઉર્ફે મામા હસનભાઈ પટેલ તરીકે થઈ છે. માન્ય લાઇસન્સ કે પરમિટ વિના હથિયારો અને દારૂગોળો રાખવા બદલ તેની સામે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા અનુસાર, અમદાવાદ શહેરમાં વ્યક્તિઓ અને મિલકત વિરુદ્ધના ગુનાઓમાં સંડોવાયેલા ફરાર ગુનેગારોને શોધવાના હેતુથી પેટ્રોલિંગ અભિયાનના ભાગ રૂપે ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે ગેરકાયદે હથિયારો રાખતો યુસુફ વટવાના બીબી લેક ક્રોસરોડ્સ પર અલ્લાહ મસ્જિદ પાછળ એક ખુલ્લા પ્લોટમાં બેઠો હતો. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ એક ખાનગી વાહનમાં ઘટનાસ્થળે પહોંચીને આરોપીની ઝડપી પાડ્યો હતો. આરોપીના જેકેટના અંદરના ખિસ્સામાંથી એક દેશી બનાવટની લોખંડની પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા. પિસ્તોલ ખાલી મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તેના નિવાસસ્થાને બીજી પિસ્તોલ પણ છુપાવી હતી. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ યુસુફના ઘરે પહોંચીને ચકાસતા તિજાેરીમાંથી અન્ય એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. જપ્ત કરવામાં આવેલા હથિયારની કિંમત ૫૦,૮૦૦ રૂપિયા આંકવામાં આવે છે. આરોપી યુસુફે આ પિસ્તોલ અને કારતૂસ લગભગ અઢી મહિના પહેલા મધ્યપ્રદેશના અલીરાજપુર અને ભાવરા વિસ્તારમાંથી ખરીદ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


દક્ષિણ ગુજરાત વધુ વાંચો


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
29, ડિસેમ્બર 2025 4950   |   સુરત   |  
પ્રેમ લગ્ન મુદ્દે પાટીદાર સિંગર આરતી સાંગાણીનો વિવાદ:સમાજ સામે ઉભા થયેલા આકરા સવાલો

વીડીયો વાયરલ થતાં નારાજગીસુરતની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો મામલો હાલ સોશિયલ મીડિયા તેમજ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ મુદ્દે સતત નવા વળાંકો આવી રહ્યા છે. તાજેતરમાં આરતીએ પોતાના પિતાની અપીલને ફગાવી દેતાં સમાજની વ્યવસ્થા અને માનસિક દબાણ સામે ખુલ્લેઆમ સવાલો ઉઠાવ્યા છે.સવારે આરતી સાંગાણીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે પોતાની સ્થિતિ અંગે ભાવુક શબ્દોમાં વાત કરી હતી. ત્યારબાદ બપોર બાદ તેણે રડતા રડતા વીડિયો મારફતે પોતાની વેદના વ્યક્ત કરી હતી. આરતીએ કહ્યું હતું કે, સમાજ અને પરિવારના દબાણ વચ્ચે દીકરીને મરી-મરીને જીવવું પડે એ શું યોગ્ય છે? સાથે જ તેણે ગંભીર સવાલ ઉઠાવ્યો હતો કે, જો કોઈ પ્રેશરમાં આવીને તે આત્મહત્યા જેવું પગલું ભરી લે તો તેની જવાબદારી શું સમાજ લેશે?આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ મામલો વધુ ગરમાયો હતો. આરતીના એક બાદ એક વીડિયો સામે આવતા પાટીદાર સમાજના આગેવાન વિજય માંગુકીયાએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, છોકરાની ઉંમર 21 વર્ષથી ઓછી હોવાથી કાયદેસર રીતે લગ્ન શક્ય નથી. આવી સ્થિતિમાં પ્રેમ સંબંધ હોય તો તે વ્યક્તિગત બાબત છે, પરંતુ મૈત્રી કરાર હેઠળ રહેતા હોવા છતાં મંગળસૂત્ર અને સેથો પહેરી વીડિયો બનાવી સમાજ પર આગળી ચીંધવી યોગ્ય નથી.વિજય માંગુકીયાએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજની પણ પોતાની એક શિસ્ત અને વ્યવસ્થા હોય છે, જેને જાહેરમાં બદનામ કરવી યોગ્ય નથી. આવા વીડિયો અને નિવેદનો સમાજમાં ગેરસમજ ફેલાવે છે અને યુવાનોને ખોટો સંદેશ આપે છે.એક તરફ આરતી પોતાની વ્યક્તિગત સ્વતંત્રતા અને માનસિક પીડાની વાત કરી રહી છે, તો બીજી તરફ સમાજના આગેવાનો કાયદા અને સામાજિક મર્યાદાની વાત આગળ ધરી રહ્યા છે. હાલ આ મામલો માત્ર એક વ્યક્તિગત પ્રેમ સંબંધ પૂરતો સીમિત ન રહી, પરંતુ સમાજ, પરિવાર અને યુવાનોની સ્વતંત્રતા જેવા મુદ્દાઓને લઈને વિશાળ ચર્ચાનો વિષય બની ગયો છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
24, ડિસેમ્બર 2025 3762   |   સુરત   |  
સુરત AAPમાં ફરી ભડકો:મહિલા કાર્યકર હની પટેલનું રાજીનામું:કારણને લઈ ચર્ચા તેજ

કારણ અકબંધગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરેલી આમ આદમી પાર્ટીમાં ફરી એકવાર આંતરિક ઉથલપાથલ જોવા મળી છે. સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતા અને વિવાદો સાથે જૂનો નાતો ધરાવતા મહિલા કાર્યકર હની પટેલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેતાં રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.હની પટેલે પોતાનું રાજીનામું આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવીને મોકલી આપ્યું હોવાનું જાણવા મળે છે. રાજીનામાની સાથે તેમણે સોશિયલ મીડિયા મારફતે પણ પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ આમ આદમી પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક અને ઇમાનદારીથી કામ કરવા ઇચ્છતા હતા, પરંતુ હાલમાં તેમના પર પરિવારની જવાબદારીઓમાં વધારો થયો છે.હની પટેલના જણાવ્યા મુજબ, અંગત કારણો અને ફેમિલી પ્રેસરને કારણે તેઓ પક્ષ માટે પૂરતો સમય ફાળવી શકશે નહીં. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારે હૈયે તેમણે પક્ષમાંથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં પક્ષને પૂરતો સમય અને સમર્પણ ન આપી શકવાથી રાજીનામું આપવું યોગ્ય લાગ્યું.જોકે, હની પટેલના રાજીનામાને લઈને રાજકીય ગલિયારાઓમાં અન્ય ચર્ચાઓ પણ તેજ બની છે. ચર્ચા છે કે, રાજીનામા પાછળનું કારણ માત્ર અંગત અથવા પારિવારિક નથી, પરંતુ તેમની જાહેર છબી અને અગાઉના વિવાદોને કારણે પક્ષ પર પડતું દબાણ પણ હોઈ શકે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી મુખ્ય વિરોધ પક્ષ તરીકે મજબૂત સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં એક પછી એક કાર્યકરોના રાજીનામા પક્ષ માટે ચિંતા જનક બની રહ્યા છે. હની પટેલના રાજીનામાથી સુરત AAPની આંતરિક સ્થિતિ અને ભવિષ્યની રાજકીય વ્યૂહરચના પર અસર પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક   |   loksattanews.co.in
19, ડિસેમ્બર 2025 5544   |   સુરત   |  
૩૧મી ડિસેમ્બરના રોજ ખાનગી પાર્ટીઓ પર પોલીસની કડક નજર:ડ્રોન દ્વારા થશે નિગરાની

ઓપન પ્લોટો પર ખાસ નજરસુરત શહેર અને તેની આસપાસ આવેલા લક્ઝરી ફાર્મ હાઉસો તેમજ ઓપન પ્લોટોમાં યોજાતી ખાનગી પાર્ટીઓ પર આ વખતે પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવશે. વધતા જતા ગેરકાયદે હુક્કા ચલણ અને નશીલા પદાર્થોના ઉપયોગને રોકવા માટે સુરત પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સનો સહારો લેવામાં આવશે.પોલીસ કમિશનરની સ્પષ્ટ સૂચના અનુસાર, ડુમસ, વેસુ, અડાજણ તેમજ શહેરને અડીને આવેલા હાઈવે વિસ્તાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાવી સતત ચેકિંગ કરવામાં આવશે. અત્યાર સુધી કેટલાક લોકો ઊંચી દીવાલોવાળા ફાર્મ હાઉસો કે જંગલસમાન વિસ્તારમાં પાર્ટીઓ યોજી કાયદાની નજરથી બચી જવાની કોશિશ કરતા હતા, પરંતુ હવે ડ્રોન ટેકનોલોજીથી આવી હરકતો છુપાવી શકાશે નહીં.પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે ડ્રોન દ્વારા જ્યાં પણ હુક્કાનો ઉપયોગ કે ગેરકાયદે પ્રવૃત્તિઓ નજરે પડશે, ત્યાં તરત જ ગ્રાઉન્ડ પર પોલીસની ટીમ મોકલી રેડ પાડવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.સુરત પોલીસનો આ પગલું શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ યુવાનોને નશાના ચક્કરમાં ફસાતાં રોકવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા શહેરવાસીઓને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ ગેરકાયદે પાર્ટી કે હુક્કા ચલણની માહિતી તાત્કાલિક પોલીસને આપવી, જેથી સમયસર કાર્યવાહી કરી શકાય.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution