લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, માર્ચ 2026 |
વડોદરા |
1782
શહેરના તરસાલી વિસ્તારમાં સમર્પણ ડેવલોપર્સ દ્વારા સમર્પણ ફ્લેટની સ્કીમ લોન્ચ કરાઈ હતી. દિયર અને ભાભીએ ફ્લેટ બુક કરાવ્યા હતા, પરંતુ ઠગ બિલ્ડર જતીન પંચોલીએ બંનેના ફ્લેટ વધુ કિંમતે અન્ય વ્યક્તિને વેચાણ આપી બાનાખત કરી આપ્યું હતું. જેથી, બિલ્ડર પાસે રૂપિયા ૧૫.૨૦ લાખની માંગણી કરવા છતાં આપતો ન હોવાથી તેના વિરુદ્ધ છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. માંજલપુર વિસ્તારમાં ફ્લેટ બુકિંગના નામે છેતરપીંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સંદીપ સોમાભાઈ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સમર્પણ ડેવલોપર્સના પ્રોપરાઇટર જતીનભાઈ શાંતિલાલ પંચોલીએ તેમની સાથે વિશ્વાસઘાત કરીને લાખો રૂપિયાની છેતરપીંડી આચરી છે. તરસાલી વિસ્તારમાં સમર્પણ ડેવલોપર્સના પ્રોપરાઈટર જતીન શાંતિલાલ પંચોલી (રહે. સેવાતીર્થ બંગલો દાદા ભગવાનના મંદિર, વરણામા) દ્વારા સમર્પણ ફ્લેટની સ્કીમનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂળ નર્મદા જિલ્લાના અને હાલમાં માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે શિવમ ફ્લેટમાં રહેતા સંદીપભાઈ પટેલ વર્ષ ૨૦૨૧ દરમિયાન સમર્પણ ફ્લેટ સ્કીમમાં ફ્લેટ ખરીદવા માટે ડેવલોપર સાથે રૂ. ૮.૫૦ લાખમાં સોદો કર્યો હતો.
ડેવલોપરે મંજૂરી વિના બાનાખત રદ કરીને તે જ ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી દીધો જેમાંથી તેમણે રૂ.૫ લાખ એડવાન્સ તરીકે આરટીજીએસ દ્વારા ચૂકવ્યા હતા અને બાકી રકમ પછી ચૂકવવાની શરત રાખવામાં આવી હતી. આ અંગે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં બાનાખત પણ કરવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં તેમની તબિયત ખરાબ થતાં તેઓ લાંબા સમય સુધી સારવાર હેઠળ રહ્યા હતા. આ દરમિયાન ડેવલોપરે તેમની મંજૂરી વિના બાનાખત રદ કરીને તેજ ફ્લેટ અન્ય વ્યક્તિને વધુ કિંમતે વેચી દીધો હતો. બિલ્ડર જતીન પંચોલીએ માત્ર સંદીપભાઈના નાના ભાઈની પત્ની ભાવિશાબેન પાસેથી પણ ફ્લેટ બુકિંગના નામે આશરે રૂ.૧૪.૪૫ લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. ઠગ બિલ્ડર ભાભી અને દિયરને ફ્લેટ વેચાણ આપવાના બહાને તેમની પાસેથી લગભગ રૂ. ૧૫.૨૦ લાખની રકમ લીધી હોવા છતાં અન્ય વ્યક્તિને મકાનનું બાનાખત કરી આપી વેચી નાખી હતી.