લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ડિસેમ્બર 2025 |
કેનબેરા, ઓસ્ટ્રેલિયા |
10593
બાળકોને ઑનલાઇન નુકસાનકારક સામગ્રી અને સાયબર જોખમોથી બચાવવા માટે ઓસ્ટ્રેલિયાએ આજે, ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ઇતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રેલિયા ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની આલ્બનીઝે આ દિવસને 'ઐતિહાસિક' ગણાવતા કહ્યું કે આ કાનૂની સુધારો જીવન બદલનારો સાબિત થશે, જે બાળકોને 'માત્ર પોતાનું બાળપણ જીવવાની' અને માતા-પિતાને 'માનસિક શાંતિ' આપવાની મંજૂરી આપશે.
આ નવા કાયદા હેઠળ, આજથી તમામ સોશિયલ મીડિયા કંપનીઓ માટે તે સુનિશ્ચિત કરવું ફરજિયાત છે કે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ ઓસ્ટ્રેલિયન બાળકનું એકાઉન્ટ તેમના પ્લેટફોર્મ પર સક્રિય ન હોય. જો આ કંપનીઓ કાયદાનું ઉલ્લંઘન કરતી જોવા મળશે, તો તેમને લગભગ ₹૩૦૦ કરોડ (૩૦૦ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર) સુધીના જંગી દંડનો સામનો કરવો પડી શકે છે.
સરકારે હાલમાં પ્રારંભિક તબક્કે ૧૦ મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ને આ પ્રતિબંધના દાયરામાં સામેલ કર્યા છે, જેમાં ઇન્સ્ટાગ્રામ, ટિકટૉક, સ્નેપચેટ અને ફેસબુક નો સમાવેશ થાય છે. જોકે, સરકારે અન્ય નાની સોશિયલ મીડિયા સાઇટ્સને પણ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં તેમનો પણ વારો આવી શકે છે. વડાપ્રધાન આલ્બનીઝની મુખ્ય નીતિઓમાંની આ એક છે, જેનો ઉદ્દેશ્ય બાળકોને હાનિકારક ઑનલાઇન સામગ્રી અને અલ્ગોરિધમ્સથી સુરક્ષિત કરવાનો છે.
આ પ્રતિબંધ પર મોટી ટેક કંપનીઓ અને ઓસ્ટ્રેલિયાના યુવાનોએ નારાજગી વ્યક્ત કરી છે. ટેક કંપનીઓનું માનવું છે કે બાળકોની ઑનલાઇન પ્રવૃત્તિને સુરક્ષિત રીતે સંચાલિત કરવાની આનાથી વધુ સારી રીતો છે અને પ્રતિબંધ લગાવવો યોગ્ય નથી. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાના ઘણા યુવાનોએ કહ્યું છે કે સરકારે સીધો પ્રતિબંધ લાદવાને બદલે સોશિયલ મીડિયા કંપનીઓને તેમના પ્લેટફોર્મ પરની નકારાત્મકતા સાફ કરવાના પગલાં લેવા આદેશ આપવો જોઈએ અને બાળકોને સોશિયલ મીડિયાનો સુરક્ષિત રીતે ઉપયોગ કરવાનું શીખવવું જોઈએ.
ઓસ્ટ્રેલિયા સિવાય અન્ય કેટલાક દેશો પણ સમાન કાયદાઓ પર વિચાર કરી રહ્યા છે. જેમાં નોર્વેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માટેની હાલની લઘુત્તમ વય ૧૩ વર્ષ છે, જેને વધારીને ૧૫ વર્ષ કરવાની તૈયારી ચાલી રહી છે. તેમજ ડેનમાર્કમાં પણ નોર્વેની જેમ જ કાયદો લાવવા પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. જ્યારે બ્રિટન હાલમાં બાળકો દ્વારા સોશિયલ મીડિયા પર વિતાવાતા સમય પર મર્યાદા (Time Limit) લાદવા પર વિચાર કરી રહ્યું છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની જેમ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની હાલ કોઈ યોજના નથી. ઉપરાંત અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ૧૪ વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ એક ફેડરલ જજે તેને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન માનીને હાલ પૂરતો અટકાવી દીધો છે.
ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય સાયબર સુરક્ષા અને બાળ કલ્યાણના ક્ષેત્રમાં એક વૈશ્વિક ઉદાહરણ સ્થાપિત કરે છે.