લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જાન્યુઆરી 2026 |
4455
નવી દિલ્હી,ઝોહોના ફાઉન્ડર અને સીઇઓ શ્રીધર વેમ્બુ તેમના છૂટાછેડાના કેસને કારણે ચર્ચામાં છે. કેલિફોર્નિયાની એક કોર્ટે તેમને છૂટાછેડા કેસમાં ૧૪,૦૦૦ કરોડના બોન્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. ખાસ વાત એ છે કે તેને ભારતના સૌથી મોંઘો છૂટાછેડા કહેવામાં આવી રહ્યા છે. વેમ્બુની પત્ની પ્રમિલા શ્રીનિવાસન અમેરિકામાં શિક્ષણવિદ અને બિઝનેસ પર્સન છે. બંનેનો એક પુત્ર પણ છે. છૂટાછેડા માટે હજારો કરોડના બોન્ડ જમા કરાવવાના કોર્ટના આદેશની ચર્ચા હવે સમગ્ર દુનિયાભરમાં થઈ રહી છે.
શ્રીધર વેમ્બુએ આઇઆઇટી-મદ્રાસમાંથી અભ્યાસ કર્યા પછી ૧૯૮૯માં અમેરિકા જઈને પ્રિન્સટનમાંથી પીએચડી કરી હતી. ૧૯૯૩માં તેમણે પ્રમિલા શ્રીનિવાસન સાથે લગ્ન કર્યા હતા. ૧૯૯૬માં એડવેન્ટનેટ (પછીથી ૨૦૦૯માં ઝોહો) શરૂ કરી હતી. બંને લગભગ ૩૦ વર્ષ કેલિફોર્નિયામાં રહ્યાં હતા. તેમનો ૨૬ વર્ષનો એક પુત્ર છે. ૨૦૧૯માં વેમ્બુ ભારત પાછા ફર્યા અને તામિલનાડુના તેમના પૈતૃક ગામ મથલમપારાઈથી કંપની ચલાવી રહ્યા છે. ૨૦૨૧માં તેમણે છૂટાછેડાની અરજી કરી હતી.
કેલિફોર્નિયાની કોર્ટે શ્રીધરને છૂટાછેડા કેસમાં ૧૪,૦૦૦ કરોડના બોન્ડ જમા કરવાનો આદેશ આપ્યો છે. પ્રમિલાએ દાવો કર્યો હતો કે વેમ્બુએ તેમને અને પુત્રને છોડી દીધાં છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે વેમ્બુએ તેમની જાણકારી કે સંમતિ વિના ઝોહોના શેર અને પ્રોપર્ટી ભારતમાં ટ્રાન્સફર કરી દીધા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કંપનીના મોટા ભાગના શેર બહેન રાધા વેમ્બુ (૪૭.૮%) અને ભાઈ શેખર (૩૫.૨%) પાસે છે, જ્યારે વેમ્બુ પાસે માત્ર ૫% (૨૨૫ મિલિયન ડોલર) બાકી છે. ફોર્બ્સના અહેવાલ મુજબ, વેમ્બુએ ઓગસ્ટ ૨૦૨૧માં છૂટાછેડા માટે અરજી કરી હતી. પ્રમિલા શ્રીનિવાસને આરોપ લગાવ્યો હતો કે વેમ્બુએ કંપનીના મોટા ભાગના શેર તેની બહેન રાધા વેમ્બુ અને ભાઈ શેખરને આપી દીધા હતા.