લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, જાન્યુઆરી 2026 |
5247
નવી દિલ્હી, દિગ્ગજ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટમાં મોટો હિસ્સો વેચનાર ટાઇગર ગ્લોબલ પર ટેક્સ લાગવો જાેઈએ કે નહીં, તે અંગે સુપ્રીમ કોર્ટે મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ટાઇગર ગ્લોબલને ઝટકો આપતા સ્પષ્ટતા કરી છે કે, તેને ટેક્સ ચૂકવવો પડશે. નોંધનીય છે કે, ટાઇગર ગ્લોબલે ઈ-કોમર્સ કંપનીમાં પોતાની ૧.૬ અબજ ડોલર (આશરે રૂ.૧૪,૪૪૦ કરોડ) ની હિસ્સેદારી વોલમાર્ટને વેચી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, કંપની ભારત-મોરેશિયસ ટેક્સ સંધિ અંતર્ગત લાભ મેળવવા માટે હકદાર નથી. ટાઇગર ગ્લોબલ અને વોલમાર્ટ વચ્ચે થયેલા આ સોદામાં કેપિટલ ગેઈન્સ પર ભારતમાં ટેક્સ લાગુ થશે; કારણ કે દેશની અંદર થતી આર્થિક પ્રવૃત્તિ દ્વારા જનરેટ થયેલી આવક પર ટેક્સ લગાવવો એ દેશનો સ્વાભાવિક સાર્વભૌમ અધિકાર છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેંચે ગુરુવારે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ટાઇગર ગ્લોબલ અને વોલમાર્ટ વચ્ચે શેર વેચાણની આ સમજૂતી ટેક્સ ચોરીની એક પદ્ધતિ હતી, તેથી તેને કોઈ પણ રીતે ટેક્સમાં મુક્તિ મળી શકે નહીં. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને ભારતના મહેસૂલ વિભાગ માટે મોટી જીત માનવામાં આવે છે.