નવી દિલ્હી:દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો માટે આવતીકાલે ૫ ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા બ્લોકમાં સામેલ પાંચ પક્ષો એકબીજા સામે મેદાનમાં છે. જેમાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે તમામ ૭૦ બેઠકો પર ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે ૬૮ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. તેમજ એનડીએ ગઠબંધન પક્ષોને બે બેઠકો ફાળવાઇ છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, અપક્ષો સહિત વિવિધ પક્ષોના કુલ ૬૯૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સએ ઉમેદવારોના સોગંદનામાની તપાસ કરી છે. જે અનુસાર ૧૯ ટકા એટલે કે ૧૩૨ ગુનાહિત છબી ધરાવે છે. તેમાંથી ૮૧ સામે હત્યા, અપહરણ અને બળાત્કાર જેવા કેસ, જ્યારે ૧૩ ઉમેદવારો પર મહિલાઓ સામેના ગુનાઓનો આરોપ છે.
લોકસભા ચૂંટણીમાં, આપ અને કોંગ્રેસે દિલ્હીની ૭ બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડી હતી. પરંતુ ભાજપે બધી ૭ બેઠકો જીતી લીધી હતી.
ગાંધીનગર, તા.૪
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલની તૈયારી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. યુસીસીના અમલને લઇને ગુજરાત સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે સરકાર આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાઇ છે. ઉલ્લેખનીય છેકે, યુસીસીના અમલ કરનાર દેશનું પહેલું રાજ્ય ઉત્તરાખંડ હતું, ત્યારે બાદ હવે ગુજરાત બીજું રાજ્ય બનશે.
રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવાનો છે એ અંગેના આયોજન અંગે મુખ્યમંત્રીએ વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે વડાપ્રધાન દ્વારા દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશ વ્યાપી અમલ કરવાનો ર્નિણય કર્યો છે. ભાજપ સરકાર જે કહે છે તે કરે છે. વન નેશન વન ઇલેક્શન, આર્ટિકલ ૩૭૦, ટ્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચન આપ્યા હતા તે એક પછી એક પૂરા થયા છે. હવે સમાન નાગરિક ધારો અમલ કરવા માટે સંકલ્પ છે. ગુજરાત સંકલ્પ સાકાર કરવા માટે હંમેશા કટિબદ્ધ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા તથા કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાઇ છે. જેમાં પાંચ સભ્ય નિમાયા છે. જે સભ્યોમાં નિવૃત્ત આઈએએસ સી એલ મીણા, આર સી કોડેકર, દક્ષેશ ઠાકર, ગીતાબેન શ્રોફનો સમાવેશ થાય છે. આ કમિટી તમામ પાસાનો અભ્યાસ કરીને ૪૫ દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે. જેના આધારે યુસીસીના અમલીકરણનો ર્નિણય લેવાશે.
આદિવાસી સમાજને યુસીસીથી બહાર રાખવાનો ગૃહમંત્રી સંઘવીનો સંકેત
હ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તમામ વાયદા પૂરા કરાઇ રહ્યા છે. સમયસર કામગીરી પૂર્ણ કરાશે. એક જ નિયમોને આધારે રિપોર્ટ તૈયાર કરાશે. ઉત્તરાખંડ સરકારનું યુસીસી મોડેલ અદભુત છે. આ મોડેલમાં આદિવાસી સમાજના હકને યુસીસી કાયદામાં લેવાયો નથી. ગૃહ મંત્રીએ પણ ઝારખંડની સભા દરમિયાન કહ્યું હતું કે, આદિવાસી સમાજના રિવાજ તથા કાયદાનું સંરક્ષણ સંપૂર્ણ કરાશે. ગુજરાતમાં ધર્મના આધારે રહેણાંકનું વિભાજન (અશાંત ધારો) છે એ ઘટના આધારિત નક્કી કરાય છે એટલે આ મુદ્દો સુસંગત નથી. ૪૫ દિવસમાં રિપોર્ટ આવ્યા પછી મુખ્યમંત્રી ર્નિણય કરશે અને વિધાનસભામાં બિલ રજૂ કરાશે. એચયુએફનો પણ અલાયદો કાયદો છે. કોઈ એક સમાજ માટે આ કાયદો નથી. ધર્મ સાથે જાેડાયેલા લોકોને પણ આ કમિટી મળશે. રિપોર્ટમાં તમામ રિવ્યૂ રજૂ કરાશે.
કમિટીમાં મૌલાના-ઉલેમાઓનો સમાવેશ કરો ઃ ઈમરાન ખેડાવાલા
અમદાવાદના ખાડીયા-જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, યુસીસી માટે કમિટી બનાવી છે. ડ્રાફ્ટ શું છે તેની મને જાણકારી નથી. જાેકે, કમિટીમાં એક પણ મુસ્લીમ સભ્ય ન હોવા બાબતે તેમણે જણાવ્યું હતું કે, સરકારે મુસ્લિમ સમાજના મૌલાના-ઉલેમાને કમિટીમાં સામેલ કરવા જાેઇએ. જેથી શરિયતમાં ઈસ્લામ ધર્મ શું કહે છે તેનો ખ્યાલ આવે. ખાસ કરીને યુસીસીનો અમલની વાત છે તો સમગ્ર દેશમાં અમલ કરો તેવું બંધારણમાં છે. સમાન સિવિલ કોડ સમગ્ર દેશ માટે હોય, પણ ઉત્તરાખંડ પછી ગુજરાતમાં થઈ રહ્યો છે.
આદિવાસી સમાજને યુસીસીમાંથી બહાર રખાય ઃ ચૈતર વસાવા
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૧.૪૫ કરોડ આદિવાસી છે. પરંતુ કમિટીમાં એક પણ આદિવાસી પ્રતિનિધિ નથી. જે બતાવે છે કે સરકાર આદિવાસી વિરોધની છબિ ધરાવે છે. યુસીસી લાગુ થવાથી આદિવાસીઓની પરંપરા રૂઢી ચાલી આવે છે તે છિનવાઈ જશે. કોઈ દીકરા દીકરી ભાગી જાય તો સમાજનું પંચ માન્યતા આપે છે. પુનઃ લગ્નની માન્યતા, બહુ પત્નીત્વની માન્યતા, છુટાછેડાની માન્યતા, ઘરજમાઈ કરીને ઉતરાધિકારી નક્કી કરવાની માન્યતા મળે છે. યુસીસી લાગુ કરવાની આ માન્યતાઓ નષ્ટ થશે. અમને મૌલિક અધિકારો મળ્યા છે તે યુસીસી લાગુ થવાની નષ્ટ થઈ જશે. જળ જમીન જંગલ પરના અધિકારો પણ નષ્ટ થઈ જવાના છે. અમે સરકારને કહેવા માગીએ છીએ કે, યુસીસીમાં આદિવાસી સમાજને બહાર રાખવામાં આવે. જાે સમાવેશ કરાશે તો અમે આંદોલન કરીશું.
યુસીસી કમિટીના સભ્યોને ઓળખો
જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ ઃ જસ્ટિસ રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ છે. તે ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૧થી ૨૯ ઓક્ટોબર ૨૦૧૪ સુધી સુપ્રીમ કોર્ટમાં જજ હતા. તેમનો જન્મ ૩૦ ઓક્ટોબર ૧૯૪૯ના રોજ થયો હતો. તેણે ૧૯૭૦માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતક પૂર્ણ કર્યું અને પછી ૧૯૭૩માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાંથી બેચલર ઑફ લૉઝની પરીક્ષા પાસ કરી. તે પછી તેણે વકિલાત શરૂ કરી. જસ્ટિસ રંજના દેસાઈ જમ્મુ અને કાશ્મીર પરના સીમાંકન આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ૭૦ના દાયકામાં પ્રેક્ટિસ શરૂ કરનારા જસ્ટિસ દેસાઈ સુપ્રીમ કોર્ટ પહેલા બોમ્બે હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે.
ગીતાબહેન શ્રોફ ઃ સુરતના રહેવાસી ગીતાબહેન શ્રોફ પ્રખ્યાત સમાજસેવિકા છે. તેમણે વર્ષ ૧૯૮૯થી મહિલાઓના ઉત્થાન માટે કામગીરી શરૂ કરી હતી. ખાસ કરીને મહિલાઓને રસોઈ અને ગૃહકાર્ય સહિત વિવિધ કૌશલ્યોની તાલીમ આપી છે. માત્ર સુરત જ નહીં, પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ તેમણે મહિલાઓ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેમના ભૌતિક વિકાસ સંકુલ અને કામધેનુ સર્વિસ પ્રોગ્રામોના કારણે, તેમની કામગીરી પ્રકાશમાં આવી છે. તેઓ ભારતની પ્રથમ બાળ યુનિવર્સિટી માટે ગુજરાતની સલાહકાર સમિતિની સભ્ય પણ રહી ચૂક્યા છે. એલએલબી શિક્ષણ હોવાના કારણે, તેઓ કાયદાનું પણ જ્ઞાન ધરાવે છે.
દક્ષેશ ઠાકર ઃ ડૉ. દક્ષેશ ઠાકર હાલ વનિતા વિશ્રામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે. પહેલા તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યરત હતા. તેઓ શિક્ષણ જગત સાથે છેલ્લા ૪૦ વર્ષથી સંકળાયેલા છે. ખાસ કરીને યુવા વિદ્યાર્થીઓ સાથે તેમના સંપર્ક અને તેઓ શિક્ષણવિદ હોવાના કારણે, આ સમિતિમાં તેમને સામેલ કરાયા છે. તેઓ ગુજરાતી સાહિત્યમાં પીએચડી કરી ચૂક્યા છે.
આર. સી. કોડેકર ઃ આર. સી. કોડેકર સરકારી વકીલ છે. તેમણે આઇએમ નાણાવટી કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. તેઓ ગાંધીનગરના રહેવાસી છે અને છારા સમાજમાંથી આવે છે. ૨૦૦૨ ગોધરા કાંડના કેસમાં તેઓ સ્પેશિયલ સરકારી વકીલ રહ્યા હતા. હાઇકોર્ટમાં સરકારી વકીલ તરીકે ૨૦ થી ૨૫ વર્ષ સેવા આપી છે. તેઓ આશારામ કેસમાં પ્રોસિક્યુશન, સંતોકબેન જાડેજા કેસ, વિગેરેમાં સરકાર વતી ઉપસ્થિત થયેલા છે. તાજેતરમાં પૂર્વ આઇએએસ પ્રદીપ શર્માના કેસમાં સરકાર વતી રજૂઆતો કરી હતી. સીબીઆઇના વકીલ તરીકે ૧૦ વર્ષ જેટલો સમય સેવાઓ આપેલી છે.
નવી દિલ્હી:મહાકુંભમાં મૌની અમાવસ્યાના અમૃત સ્નાન પહેલા થયેલી નાસભાગ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકાર શંકાના ઘેરામાં છે. યોગી સરકાર પર જે સવાલો ઉઠાવાઇ રહ્યા છે, તે હવે સંસદ સુધી પહોંચ્યા છે. વિપક્ષી સાંસદોએ મહાકુંભ નાસભાગ મામલે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર વિરુદ્ધ રાજ્યસભામાં સૂત્રોચ્ચાર કર્યા અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, મહાકુંભમાં તાજેતરમાં થયેલી નાસભાગ દરમિયાન હજારો લોકોના મોત થયા હતા. ખડગેના આ દાવા પર ગૃહમાં હોબાળો થયો અને અધ્યક્ષ જગદીપ ધનખરે તેમને નિવેદન પાછું ખેંચવા કહ્યું.
અહેવાલમાં અનુસાર ખડગે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ઉપલા ગૃહમાં ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા. દરમિયાન તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં મહાકુંભમાં થયેલી નાસભાગ દરમિયાન હજારો લોકોના મોત થયા હતા. જાેકે, તેમના નિવેદન પર શાસક પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ કહ્યું હતું કે, આ મારો અંદાજ છે અને જાે તે સાચો નથી તો તમારે સરકારે જણાવવું જાેઈએ કે સાચો આંકડો શું છે. મેં કોઈને દોષ આપવા માટે હજારો નથી કહ્યું. પરંતુ ઓછામાં ઓછા કેટલા લોકો માર્યા ગયા તેની માહિતી આપો. જાે હું ખોટો હોઉં તો હું માફી માગીશ. તેઓએ કેટલા લોકો માર્યા ગયા અને કેટલા ગુમ થયા તેના આંકડા આપવા જાેઈએ.
ધનખડે ખડગે તેમનું નિવેદન પાછું લેવાની અપીલ કરી હતી. ધનખડે કહ્યું હતું કે, વિપક્ષના નેતાએ હજારોની સંખ્યામાં આંકડા આપ્યા છે. હું તેમને અપીલ કરું છું કે આ ગૃહમાં જે પણ કહેવામાં આવે છે તેનું ખૂબ મહત્ત્વ છે. તમે કંઈક એવું કહ્યું જેનાથી બધા ચોંકી ગયા. અહીંથી જે સંદેશ જાય છે, તેનું ખંડન થાય તો પણ આખી દુનિયામાં પહોંચે છે.
મહાકુંભમાં ૬ જગ્યાએ દુર્ઘટના ઘટી, સાચો મૃતાંક છૂપાવાયો ઃ શંકરાચાર્ય
મહાકુંભમાં મૌની અમાસના થયેલી ધક્કામુક્કીમાં ૩૦ શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા જ્યારે ૬૦થી વધુ ઘવાયા હોવાનો દાવો રાજ્ય સરકાર અને પોલીસે કર્યો હતો. વ્યવસ્થાને લઇને સંતોમાં પણ નારાજગી જાેવા મળી છે. બદ્રીનાથ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે, માત્ર એક જગ્યાએ નહીં પણ છ જગ્યાએ નાસભાગ થઇ, સરકારે ઘણી માહિતીને છુપાવીને ઠીક નથી કર્યું. યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દેવું જાેઇએ.
મહાકુંભમાં નાસભાગ ઃ સુપ્રીમે સુનાવણી નકારી હાઇકોર્ટમાં જવા કહ્યું
મહાકુંભમાં નાસભાગ કેસની સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. જાેકે, સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું હતું કે, આ ઘટનાની અરજી હાઇકોર્ટમાં દાખલ કરવી જાેઈએ. આ કેસની સુનાવણી સીજીઆઇ સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેન્ચ દ્વારા કરાઇ હતી.
કુંભમાં મૃતદેહોને નદીમાં ફેંકી દેવાયાં ઃ જયા
સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને પ્રયાગરાજના સંગમ નોઝ પર થયેલા અકસ્માત અંગે ઉત્તરપ્રદેશ સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. જયા બચ્ચને દાવો કર્યો છેકે, અકસ્માત બાદ શ્રદ્ધાળુઓના મૃતદેહ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. તેનાથી પાણી પ્રદૂષિત થયું હતું. આ સમયે સૌથી વધુ દૂષિત પાણી ક્યાં છે? તે કુંભમાં જ છે. તેના માટે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી રહી નથી. આ એ પાણી છે જે લોકો સુધી પહોંચી રહ્યું છે. આ બાબત પરથી આખું ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમની કોઈ વાત નથી થઈ, તેમને સીધા પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા અને આ લોકો (ભાજપ) જળશક્તિ પર ભાષણો આપી રહ્યા છે.
નવી દિલ્હી:આજે રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા દરમિયાન રાહુલે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના શપથ ગ્રહણનો ઉલ્લેખ કર્યો હતો. વિપક્ષના નેતાએ કહ્યું હતું કે, અમે અમારા વડાપ્રધાનને શપથગ્રહણ માટે આમંત્રણ આપવા વિદેશ મંત્રીને મોકલતા નથી. જાે આપણા દેશમાં સારી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ હોય, જાે આપણે ટેક્નોલોજી પર કામ કરતા હોત, તો અમેરિકન રાષ્ટ્રપતિ પોતે અહીં આવીને વડાપ્રધાનને શપથ ગ્રહણ માટે આમંત્રણ આપી શક્યા હોત. જેના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે કહ્યું કે, રાહુલ ગાંધી ગયા વર્ષે તેમની યુએસ મુલાકાત વખતે લોકસભામાં ખોટું બોલ્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ ડિસેમ્બર ૨૦૨૪માં વિદેશ મંત્રી અને બાઇડન પ્રશાસનના એનએસએને મળ્યાં હતા. દરમિયાન પીએમ મોદીને અમેરિકન આમંત્રણને લઈને કોઈ ચર્ચા થઈ નથી.
જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી વિશ્વના નેતાઓના શપથ ગ્રહણ સમારોહ કે આવા કાર્યક્રમોમાં હાજરી આપતા નથી. રાજદૂતો દ્વારા આવા કાર્યક્રમોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. વિપક્ષી નેતાના આવા નિવેદનોથી વિદેશમાં ભારતની છબીને નુકસાન થયું છે. જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, હું બાઇડન પ્રશાસનના વિદેશ મંત્રી અને એનએસએને મળવા ગયો હતો. ત્યાં મેં અમારા રાજદ્વારીઓની બેઠકની અધ્યક્ષતા પણ કરી. આ પછી તત્કાલિન વિદેશ મંત્રી અને એનએસએ મને મળ્યા.
ભાજપના સાંસદોએ ગૃહમાં રાહુલના નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો
રાહુલ ગાંધીએ લોકસભામાં વિદેશ મંત્રી એસ જયશંકર પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ તેમની વિદેશ યાત્રાઓ દરમિયાન દેશોની સરકારોને પીએમ મોદીને આમંત્રણ આપવા માટે ‘વિનંતી’ કરે છે. ૩ ફેબ્રુઆરીના રોજ, ભાજપના સાંસદોએ ગૃહમાં રાહુલ ગાંધીના આ નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે, વિપક્ષી નેતાએ આવા નિવેદનોથી બચવું જાેઈએ. કોંગ્રેસના સાંસદે કહ્યું હતું કે, જાે આપણી ઉત્પાદન વ્યવસ્થા સારી હોત, તો વિદેશ મંત્રીને વિદેશ જઈને વારંવાર વડા પ્રધાનને અમેરિકન રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવા વિનંતી ન કરવી પડી હોત.
મુંબઇ:અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારવાના ર્નિણય બાદ વિશ્વભરના બજારો પર દબાણ વધ્યું છે. તેની અસર ભારતીય શેરબજાર પર પણ જાેવા મળી હતી, જ્યાં પ્રી-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ ૭૩૧ પોઈન્ટ એટલે કે, ૦.૫૭ ટકા ઘટીને ૭૬,૭૭૪ પર પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ ૨૪૩ પોઈન્ટ એટલે કે, ૦.૬૯ ટકા ઘટીને ૨૩,૨૩૯ પર ટ્રેડ કરી રહ્યો હતો.
બજાર ખુલતાની સાથે જ વેચવાલી જાેવા મળી અને સેન્સેક્સ ૭૧૦.૭૦ પોઈન્ટ ઘટીને ૭૬,૭૯૫.૨૬ પર જ્યારે નિફ્ટી ૨૧૧.૭૫ પોઈન્ટ ઘટીને ૨૩,૨૭૦.૪૦ પર ટ્રેડ કરી રહ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં મોટી કંપનીઓના શેર વેચવાલીના દબાણ હેઠળ આવી ગયા હતા અને બેન્કિંગ, આઈટી અને ઓટો સેક્ટરમાં મોટો કડાકો નોંધાયો હતો.
બીજી બાજુ ડૉલરની સામે રૂપિયો ઓલ ટાઈમ લૉની સપાટીએ પહોંચી ગયો હતો. પહેલીવાર રૂપિયો ૮૭ના લેવલને ક્રોસ કરી ગયો. શુક્રવારે રૂપિયાઓ ૮૬.૬૧ ના સ્તરે બંધ થયો હતો પણ આજે ૪૧ પૈસાના મોટા કડાકા સાથે તે ૮૭.૦૨ પર ઓપન થયો જે ફેબ્રુઆરી ૨૦૨૩ બાદ સૌથી મોટો કડાકો મનાઈ રહ્યો છે.
જાેકે આ કડાકો ત્યાં જ ન રોકાયો અને રૂપિયો ડૉલર સામે ૫૫ પૈસા તૂટીને ૮૭.૧૭ના લેવલને ક્રોસ કરી ગયો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા ટેરિફ વૉરને કારણે ડૉલર મજબૂત થઇ રહ્યો છે. ડૉલર ઈન્ડેક્સ ૧.૪ ટકાની મજબૂતી સાથે ૧૦૯.૮૪ પર પહોંચી
ગયો છે.
બજારમાં કડાકાને કારણે બીએસસી પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ગત ટ્રેડિંગ સત્રના રૂા. ૪૨૪ લાખ કરોડથી ઘટીને રૂા. ૪૧૯ લાખ કરોડ થયું, જેના કારણે રોકાણકારોને પાંચ મિનિટમાં લગભગ રૂા. ૫ લાખ કરોડનું નુકસાન થયું.
ભારત પર ભારે પડશે ટ્રમ્પનું ‘ટેરિફ વૉર’
અમેરિકન પ્રમુખે પોતાનો ‘ટ્રમ્પ કાર્ડ’ ચલાવ્યો છે. મેક્સિકો અને કેનેડા પર ૨૫ ટકા અને ચીન પર ૧૦ ટકા ટેરિફ લગાવીને તેમણે એક નવું યુદ્ધ શરૂ કરી દીધુ છે. ત્યારે સોમવારે મોડી સાંજે ટ્રમ્પે મેક્સિકો પર લાદેલો ટેરિફ એક મહિના માટે અટકાવ્યો હતો. જેની અસર વિશ્વના બજાર પર જાેવા મળી હતી.
ટ્રમ્પ ટેરિફ લગાવશે તો ભારત જવાબ આપશે?
ટ્રમ્પની ભારતને ટેરિફની ચેતવણી બાદ તેનો જવાબ આપવા સરકાર વ્યૂહરચના બનાવાઇ રહી છે. વિદેશ, નાણા, વાણિજ્ય, ભારે ઉદ્યોગ અને અન્ય સરકારી એજન્સીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત જવાબ આપશે.
Loading ...