01, જુલાઈ 2025
2574 |
બેંગલુરુ,છેલ્લા એક મહિનામાં જ કર્ણાટકના હસન જિલ્લામાં ૨૦ થી વધુ લોકોના હૃદયરોગના હુમલાથી મોત થયા છે. સરકારે તેને ગંભીરતાથી લીધું છે. આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે છેલ્લા એક મહિનામાં જ હસન જિલ્લામાં વીસથી વધુ લોકો હૃદયરોગના હુમલાથી મોત થયા છે અને સરકાર આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. તેમણે કહ્યું કે આ મૃત્યુના વાસ્તવિક કારણો ઓળખવા અને ઉકેલો શોધવા માટે, જયદેવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોવેસ્ક્યુલર સાયન્સિસ એન્ડ રિસર્ચના ડિરેક્ટર ડૉ. રવિન્દ્રનાથના નેતૃત્વમાં નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી છે, જેને ૧૦ દિવસમાં અભ્યાસ અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મોતના કારણો અને કોવિડ રસીઓની સંભવિત પ્રતિકૂળ અસરોની તપાસ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ સંદર્ભે, હૃદયરોગના દર્દીઓની તપાસ અને વિશ્લેષણની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ભાજપની નિંદા કરતા સિદ્ધારમૈયાએ કહ્યું કે હું ભાજપના નેતાઓની ટીકા કરું છું જેઓ આવા કેસોનો ઉપયોગ પોતાના રાજકીય લાભ માટે કરી રહ્યા છે. કોવિડ રસીની ઉતાવળમાં મંજૂરી અને જાહેર જનતા માટે વિતરણ પણ આ મૃત્યુનું સંભવિત કારણ હોઈ શકે છે તે વાતને નકારી શકાય નહીં.