02, જુલાઈ 2025
વડોદરા |
2277 |
તબીબ તરીકે લોકોનું આરોગ્ય સારું કરવા મળ્યું, હવે સરપંચ તરીકે લોકોના જીવનમાં સારા પરિવર્તન માટે પ્રયત્નો કરીશ
વડોદરા
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નાનકડા અંતરિયાળ ગામ ઇન્દ્રાડના ચૂંટાયેલ સરપંચ ડો. જૈમિનિ જયસ્વાલ થકી. એક શિક્ષિત, સમર્થ અને સેવા ભાવનાથી ભરપૂર મહિલા ડો. જૈમિનિ જયસ્વાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપંચ તરીકે વિજય મેળવી ઈતિહાસનું સર્જન કર્યું છે.
ડો. જૈમિનિ જયસ્વાલ ડર્મેટોલોજિસ્ટ અને સર્જન છે. એમ.બી.બી.એસ. થયા બાદ શહેરમાં પોતાના હોસ્પિટલ થકી સર્જન તરીકે લોકસેવા કરી રહ્યા હતા. દિવાળીનો સમય હતો અને જૈમિનીબેન પોતાના ગામ ઇન્દ્રાડમાં પરિવાર સાથે લોકોના ઘરે મળવા જતા હતા. જ્યાં અસુવિધા જોઈ. ત્યારે તેમણે ખબર પડી કે તેમના જ ગામના લોકો કેટલીય પાયાની જરૂરિયાતોથી વંચિત છે.
ત્યારબાદ ગામનું આયુષ્યમાન મંદિર, પ્રાથમિક શાળા, પંચાયત બિલ્ડિંગ, આંગણવાડી સહિત તમામ જાહેર જગ્યાઓના વિકાસના સંકલ્પ સાથે જૈમિનિબેને નક્કી કર્યુ કે તેઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપંચ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવશે. નસીબ જોગ થયું પણ એવું કે, ચૂંટણીમાં તેમના ગામમાં સરપંચની સીટ મહિલા ઉમેદવાર માટે અનામત હતી. ચૂંટણીમાં પણ ગામના લોકોએ ભારે બહુમતીથી વોટ આપીને ભવ્ય વિજય આપ્યો છે. ડૉ. જૈમિનિબેન જયસ્વાલ જણાવે છે કે, મને ડૉક્ટર તરીકે લોકોનું આરોગ્ય સારું કરવા મળ્યું, હવે સરપંચ તરીકે તેમના જીવનની દિશા સુધારવાના મોકો મળ્યો છે- એ મારું સૌભાગ્ય છે. આ સાથે ગામમાં મુખ્યત્વે આરોગ્ય, શિક્ષણ, પીવાના પાણી અને રોડ- રસ્તાના કામ પર ભાર મૂકશે.
વ્યવસાયિક રીતે ડર્મેટોલોજિસ્ટ સર્જન હોવા છતાં નેતૃત્વ ક્ષેત્રે ઝંપલાવવા વિશે ડૉ.જૈમિની જણાવે છે કે, પોતાના મમ્મી પપ્પા અને સાસરીમાં તેમનો પરિવાર લીડરશીપ રસ ધરાવતા હોવાથી તેમને નેતૃત્વના ગુણો વારસામાં મળ્યા છે. પોતે ક્યારેય સરપંચ બનવાનું વિચાર્યું ન હતું પરંતુ જ્યારે પોતાનો સમાજનો વિકાસ કરવાની તક મળી છે ત્યારે તેને ખૂબ જ સારી રીતે નિભાવીશ.