જૂનાગઢ સમાચાર

 • રાજકીય

  વિપક્ષ પાસે મુદ્દો નથી, રાજ્યમાં ઓક્સિજનની અછતથી એક પણ મોત થયું નથીઃ CM રૂપાણી

  જૂનાગઢ-જૂનાગઢ પ્રવાસે ગયેલા રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણી નરસિંહ મહેતા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. રાજ્યમાં ઉત્તરોત્તર કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. તો રાજ્યમાં ધંધા-રોજગારને પણ છૂટછાટ આપવામાં આવી તો કોલેજ અને ધોરણ-૧૨ના ઓફલાઈન વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે હવે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાને લઈને રાજ્યના મુખ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે સરકાર વિચારણી કરી રહી છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આગામી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે વિચારણા કરાશે. હાલની સ્થિતિ અને ભવિષ્યની સ્થિતિ અંગે અભિપ્રાય લઇશું. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આવશે ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે ર્નિણય લેવાશે.રાજ્યમાં ઓક્સિજનથી અછતથી થયેલા મૃત્યુના આક્ષેપને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી માટે ખોટા પ્રહાર કરે છે. આ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓક્જિનની અછતથી કોઇ મૃત્યુ થયાં નથી.
  વધુ વાંચો
 • ગુજરાત

  જૂનાગઢને સૌરાષ્ટ્રની ટુરીઝમ સર્કિટ સાથે જોડીને પર્યટનનું હબ બનાવવું છે: CM રૂપાણી

  ગાંધીનગર-મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢની ઐતિહાસિક વિરાસત એવા પૌરાણિક ઉપરકોટના કિલ્લાની મુલાકાત લઇ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂ.૪૫.૯૧ કરોડના ખર્ચે ચાલી રહેલા ઉપરકોટના કન્ઝર્વેશન અને રિસ્ટોરેશનના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું.મુખ્યમંત્રીએ ઉપરકોટમાં મુખ્ય પ્રવેશદ્વાર, નીલમ તોપ, રાણક મહેલ, અડી કડી વાવ, અનાજ કોઠાર, બારૂદ ખાના, સાયકલ ટ્રેક તેમજ ર.પ કિ.મી કિલ્લાના રિસ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કરી પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષા પણ કરી હતી. આ અવસરે મુખ્યમંત્રીની સાથે પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોજેક્ટ પૂર્ણ થયે રાજ્ય સરકારના પ્રવાસનને પ્રોત્સાહન આપવાની વિકાસ લક્ષી નીતિના પગલે પ્રવાસીઓને મુલાકાતીઓને જે વિશેષ સુવિધા મળવાની છે તે અંગે પરામર્શ કરી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢ પ્રવાસન અને તીર્થ સ્થળોનું ધામ છે. રાજ્ય સરકાર દ્વારા ગીરનાર ક્ષેત્રમાં પ્રવાસન વિકાસની કામગીરી બાદ મકબરા અને ઉપરકોટની કામગીરી હાથ ધરાઈ છે. ઉપરકોટ જેવો હતો તેવો જ તેનું પુરાતત્વીય સ્ટ્ર્કચર જળવાઈ રહે તે રીતે પુનઃસ્થાપિત કરીને લોકો સમક્ષ રજૂ કરવો છે. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ટુરીઝમ વિકાસ અને સર્કિટને જોડીને વિકાસ લક્ષી કામગીરી થાય અને પર્યટકો માટે સુવિધા વધે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તે મુજબ પ્રોજેક્ટ પૂર્ણ થઈ રહ્યા છે, એમ પણ તેમણે કહ્યું હતું. આવા પ્રવાસન સ્થળોએ લોકોની જરૂરિયાત મુજબની જરૂરી સુવિધા મળશે તેવી નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી. ઉપરકોટમાં એવા કેટલાક અવશેષો અને સ્મારકો જે અત્યાર સુધી વર્ષોથી માટી ભરાઇ જવાથી લોકોને જોવા મળ્યા ન હતા, એ હવે રાજ્ય સરકારની પહેલરૂપી કામગીરીથી લોકો અને અભ્યાસુઓને જોવા મળશે. મુખ્યમંત્રીએ તમામ સ્મારકોની માહિતી મેળવી લોકોને તમામ બાબતોની માહિતી પણ મળી રહે તે અંગેની વ્યવસ્થા માટે માર્ગદર્શન આપ્યું હતું.આ વેળાએ પ્રવાસન નિગમના એમ.ડી જેનુ દેવન, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂ ગોહેલ, કલેકટર રચિત રાજ, મ્યુનિ. કમિશનર રાજેશ તન્ના તેમજ જિલ્લા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
  વધુ વાંચો
 • ગુજરાત

  કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય ગુજરાતમાં 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદા 31 જુલાઈ કરાઈ

  ગાંધીનગર-મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાના દૈનિક કેસોની પ્રર્વતમાન સ્થિતીના થઇ રહેલા સતત ઘટાડાની સમીક્ષા કરીને વધુ કેટલાક નિયંત્રણો હળવા કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં મળેલી આ કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં હાલ રાત્રિ કરફયુ રાત્રે ૧૦ થી સવારે 6 સુધી અમલમાં છે. આ રાત્રિ કરફયુની મુદત તા.ર૦ જુલાઇ-ર૦ર૧ મંગળવારે સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તેને હવે ૩૧ જુલાઇ-ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે. એટલે કે આ ૮ મહાનગરોમાં રાત્રિ કરફયુની સમયાવધિ હવે, તા.૧ ઓગસ્ટ-ર૦ર૧ સવારે ૬ કલાકે પૂરી થશે.રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ ૬૦ ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશેકોર કમિટીમાં લેવાયેલા અન્ય નિર્ણયો મુજબ રાજ્યમાં વોટર પાર્કસ અને સ્વિમીંગ પૂલ તા.ર૦ જુલાઇ-ર૦ર૧ થી તેની ક્ષમતાના ૬૦ ટકા સાથે અને કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે નિયત એસ.ઓ.પી.ને આધિન શરૂ કરી શકાશે.પ્રાયવેટ અને પબ્લીક ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી માં ૧૦૦ ટકા પેસેન્જર અને એ.સી.માં ૭પ ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે. રાજ્યમાં પ્રાયવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે પણ તા.ર૦ જુલાઇ-ર૦ર૧થી કેટલીક છૂટછાટો આપવાનો નિર્ણય કોર કમિટીમાં લેવામાં આવ્યો છે. પબ્લિક અને પ્રાયવેટ ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી બસ સેવાઓ 100 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકાશે પરંતુ આવી સેવાઓમાં મુસાફરોને ઊભા રહી પ્રવાસ કરવાની મંજૂરી અપાશે નહી. એ.સી સેવાઓ તેની ક્ષમતાના ૭પ ટકા પેસેન્જરો સાથે શરૂ કરી શકાશે.
  વધુ વાંચો
 • ગુજરાત

  જૂનાગઢના માણાવદરમાં અનરાધારઃ બે કલાકમાં 7 ઈંચ વરસાદ થતાં જળબંબાકાર

  માણાવદર-સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જાેવા મળી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ છે. તેવામાં જૂનાગઢના માણાવદરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જાેવા મળ્યું હતું. બે કલાકમાં જ સાત ઈંચ વરસાદ વરસતાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. અને ભડુલા ગામમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. વરસાદી વિરામ બાદ પાણી ઓસરવાના શરૂ થયા હતા. માણાવદરનાં ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર સાત ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર સર્જાયો હતો. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અને કેટલાક મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સક્ર્યુલેશન સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી થઈ છે. બે દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૭૦ તાલુકામાં વરસાદ વરસ્યો છે. અને રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ૨૦.૦૯ ટકા વરસાદ પડ્યો છે.
  વધુ વાંચો