26, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
7722 |
શિક્ષકોને AI તાલીમ આપવા માટે 'ભારત-ફર્સ્ટ' પહેલ
ChatGPT બનાવતી અગ્રણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપની ઓપનએઆઈએ ભારતમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપનીએ ભારતીય શિક્ષકો અને વિદ્યાર્થીઓને AI ની શક્તિ અને તેના ઉપયોગથી માહિતગાર કરવા માટે તેની 'ભારત-ફર્સ્ટ' પહેલ શરૂ કરી છે. આ પહેલ માટે, ઓપનએઆઈએ દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક, આઈઆઈટી મદ્રાસ સાથે ભાગીદારી કરી છે.
પાંચ લાખ ડોલરનું ભંડોળ અને કાર્યક્રમનો ઉદ્દેશ્ય
આ ભાગીદારી અંતર્ગત, ઓપનએઆઈ આઈઆઈટી મદ્રાસને ૫ લાખ યુએસ ડોલર (રૂ. ૪ કરોડથી વધુ) નું ભંડોળ પૂરું પાડશે. આ ભંડોળનો ઉપયોગ શિક્ષણમાં AIના ઉપયોગ પર લાંબા ગાળાના સંશોધન માટે કરવામાં આવશે. આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે AIની મદદથી બાળકોને કેવી રીતે વધુ સારી રીતે શીખવી શકાય અને શિક્ષણ પ્રણાલીમાં કયા નવા ફેરફારો લાવી શકાય છે. આ સંશોધનના પરિણામો બધા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેનો લાભ સમગ્ર દેશને મળી શકે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણને વધુ સરળ, રસપ્રદ અને અસરકારક બનાવવાનો છે. કંપની શિક્ષકોને ખાસ AI સાધનો અને તાલીમ આપશે, જેથી તેઓ તેમની શિક્ષણ પદ્ધતિઓમાં સુધારો કરી શકે.
ભારત માટે ઓપનએઆઈની પ્રાથમિકતા
સમગ્ર વિશ્વમાં ChatGPTનો ઉપયોગ કરનારા વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા ભારતમાં છે, તેથી ઓપનએઆઈ ભારતને એક અત્યંત મોટા બજાર તરીકે જોઈ રહી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે કંપની આ વર્ષના અંત સુધીમાં દિલ્હીમાં તેની પ્રથમ ભારતીય ઓફિસ ખોલવાની યોજના ધરાવે છે. એટલું જ નહીં, ઓપનએઆઈના સ્થાપક સેમ ઓલ્ટમેન પણ આગામી મહિને ભારતની મુલાકાતે આવવાના છે.
આ મિશનને સફળ બનાવવા માટે, ઓપનએઆઈએ ભારત અને એશિયા પેસિફિક ક્ષેત્ર માટે રાઘવ ગુપ્તાને તેના શિક્ષણ વડા તરીકે નિયુક્ત કર્યા છે, જેમણે અગાઉ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ 'કોર્સેરા'માં પણ મોટું પદ સંભાળ્યું છે.