આણંદ સમાચાર

 • અન્ય

  વિશ્વના પડકારોને પહોંચી વળવા શિક્ષણ પૂર્વશરત : મુખ્યમંત્રી વિજય રૂપાણી

  આણંદ,તા.૧૩  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામાજિક સમરસતા, અંત્યોદય ઉત્થાન અને છેવાડાના માનવીના કલ્યાણ માટે શિક્ષણને પૂર્વશરત ગણાવી વંચિત, પીડિત, શોષિત દરેકના બાળકોને શિક્ષણના યોગ્ય અવસરો આપી વિશ્વના પડકારોને પહોંચી વળવા સજ્જ બનાવવાની નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉપક્રમે રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે આણંદના બાકરોલ ખાતે અંદાજે રૂ. ૨૧૨૬.૭૭ લાખના ખર્ચે નવનિર્મિત આદર્શ નિવાસી શાળા કન્યા-કુમાર છાત્રાલયો સંકુલ ૧-૨ અને પીજી નવીન મકાનોનું ગાંધીનગરના નિવાસસ્થાનેથી ઈ-લોકાર્પણ કર્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર અને રાજ્યમંત્રી વાસણભાઇ આહિર પણ આ લોકાર્પણમાં જાેડાયાં હતાં. મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સૌના સાથ સૌના વિકાસની પ્રતિબદ્ધતા ઊંચ-નીચ, આગળ-પાછળ, જાતિ-જ્ઞાતિ, ભાષા-પ્રાંતના ભેદ ભૂલી સૌ એક થઇને આગળ વધે એવો ભાવ આ સરકાર સાકાર કરી રહી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં સામાજિક સમરસતાનું આ સદભાવપૂર્ણ વાતાવરણ ડહોળાય, સંતુલન તૂટે એવા ગુજરાત વિરોધીઓના કારસાને પ્રજાવર્ગોએ નિષ્ફળતા આપી છે. ડાૅ. બાબાસાહેબ આંબેડકરે શિક્ષિત બનો-સંગઠિત બનોનો જે કોલ આપેલો તેને ચરિતાર્થ કરવા અને પછાતવર્ગોને વિકસિતોની હરોળમાં લાવવા રાજ્ય સરકારે અદ્યતન શિક્ષણ સવલતો, છાત્રાલયો, સમરસ હોસ્ટેલ્સ શરૂ કર્યા છે, તેવો મત સીએમએ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ આદર્શ નિવાસી કન્યા શાળામાં અભ્યાસ કરીને દીકરીઓ પણ ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે તેવી શુભેચ્છાઓ આપી હતી. સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે રાજ્યમાં પછાતવર્ગો, વિકસતી જાતિઓ, અનુસૂચિત જાતિ-જનજાતિના યુવાઓ, વિદ્યાર્થીઓ, દીકરીઓ માટે ઉચ્ચ અભ્યાસની સગવડ, વિદેશ અભ્યાસ સહાય અને પાયલોટ જેવાં વ્યવસાય માટે પણ સહાય-પ્રેરણાં મુખ્યમંત્રીના સંવેદનશીલ અભિગમથી મળી રહી છે, તેનો આભાર વ્યકત કર્યો હતો.  આ અવસરે મુખ્યમંત્રીએ વડોદરા તથા નવસારીના જલાલપોરમાં આદર્શ નિવાસી કન્યા શાળાના અને ગાંધીનગર તેમજ ભાવનગરના મહુવામાં ડાૅ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોના લોકાર્પણ કર્યા હતા. આણંદના સાંસદ મિતેશ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આણંદ જિલ્લાના બાકરોલ ખાતેના અંદાજે રૂ.૨૧૨૬.૭૭ લાખના ખર્ચે તૈયાર થયેલાં નવ નિર્મિત ૪ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરથી મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ.કે. દાસ, સામાજિક ન્યાય અધિકારિતા અગ્ર સચિવ મનોજ અગ્રવાલ, વિકસતી જાતિ કલ્યાણ નિયામક નિનામા હાજર રહ્યાં હતાં. આણંદ ખાતે ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ, આણંદ નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા, કલેક્ટર આર.જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક અજિત રાજીયન, તાલીમી આઇએસ સચિનકુમાર, જિલ્લાના અગ્રણી મહેશભાઈ પટેલ, હસમુખભાઈ ચાવડા, માર્ગ અને મકાન વિભાગ આણંદના કાર્યપાલક ઈજનેર એચ.ડી. રાઠોડ, નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણના એ.કે. શેખ, મદદનીશ ઈજનેર જિતેન્દ્ર ભરાડિયા, પ્રોજેક્ટ ઓફિસર એ.આર. પરમાર, એ.આર. ગરાસિયા, અભિષેક પરમાર, નીક્ષાબેન બંસુ અને ડી.જી. રબારી, સુહાસિની કારપેન્ટર, એચ.કે. ચૌધરી સહિત અન્ય કર્મચારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
  વધુ વાંચો
 • અન્ય

  હળાહળ કળયુગ : સગીરવયની મામાની દીકરીને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરો૫ી ઝડપાયો

  આણંદ, તા.૧૩ આણંદ જિલ્લાના ઓડ ગામેથી ગત જાન્યુઆરી માસમાં સગીર વયની મામાની દીકરીને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને આણંદના સર્કલ પોલીસ ઇન્સપેક્ટર સહિતની ટીમે ઝડપી પાડ્યો છે. વડોદરા જિલ્લાના સાવલી પંથકમાંથી પકડાયેલાં આ આરોપીને વધુ તપાસ અર્થે ખંભોળજ પોલીસને હવાલે કરવામાં આવેલ છે. પોલીસે બપોરના સુમારે તેની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, આણંદ જિલ્લાના ખંભોળજ પોલીસ મથકે નોંધાયેલ ફ.ગુ.ર.નં.૬૯/૨૦૨૦ ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ અને પોસ્કો કલમ ૪.૬, ૧૮ ના ગુનાના આરોપી સંજય ગોરધનભાઈ માળી (રહે. ઘોડાસર, તા. ડેસર, જિ. વડોદરા)ને આણંદના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર એમઆઈ ઝાલા સહિતની ટીમે મળેલી બાતમીના આધારે વડોદરા જિલ્લાના સાવલી ગામેથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલાં આરોપીને વધુ તપાસ અર્થે ખંભોળજ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે બપોરના સુમારે સંજય માળીની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સંજય માળી ગત ૨૮મી જાન્યુઆરી, ૨૦૨૦ ના રોજ આણંદ જિલ્લાના ઓડ ગામેથી તેના મામાની સગીરવયની દીકરીને લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવ અંગે ખંભોળજ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ ગુનામા તે વોન્ટેડ હતો. આખરે પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યો છે. 
  વધુ વાંચો
 • અન્ય

  આણંદ તાલુકાના ખાંધલી ગામની સીમમાં ગેંગરેપમાં ત્રણ ઝડપાયા

  આણંદ, તા.૧૨ આણંદ તાલુકાના ખાંધલી ગામની સીમમાં ૬ દિવસ પૂર્વે એક સગીર વયની બાળા ઉપર સામુહિક બળત્કાર ગુજારનાર ત્રણ સખશોને આણંદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યાં છે. પકડાયેલાં ત્રણ સખશોમાં એક આણંદ તાલુકાના ચિખોદરા ગામનો રહિશ છે, જ્યારે અન્ય બે બોરસદ તાલુકાના નાપા-તળપદ ગામના રહીશ છે. આણંદ તાલુકાના ચિખોદરા ગામે ઘડસાપુરા (ખટારપુરા) સીમમાં રહેતા રાજેશ ઊર્ફે રાજુ મનહરભાઈ ઉર્ફે ભલાભાઈ પરમાર નામના સખશે ગામની જ કિશોરી સાથે પ્રેમ સંબંધ બાંધી તેણીને ગત તારીખ ૪ના રોજ સવારના ૧૧ કલાકના સુમારે આણંદ શહેરની ગણેશ ચોકડી પાસેથી અપહરણ કરીને ખાંધલી ગામની સીમમાં એક નીલગીરી ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં તેણીનં ઉપર જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. આ સમયે મુસ્તાકઅલી મહેબૂબ સૈયદ (રહે નાપા તળપદ, તા.બોરસદ) અને ઈમરાન અકબરમિંયા કાજી (રહે નાપા તળપદ, તા.બોરસદ) ત્યાં આવી ચડ્યાં હતાં. સગીર વયની બાળાનો મોબાઇલ વિડીયો ઊતારેલો છે, તેવી ધાકધમકી આપી નજીકના નીલગીરીના ખેતરમાં લઈ ગયાં હતાં. આ બંને નરાધમોએ પણ તેની ઉપર જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. એટલું જ નહિ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી સગીર વયની બાળા પાસેથી રૂ.૧૦૦૦ની માગણી કરી હતી. ઘટનાના ચાર દિવસ બાદ તા.૮ના રોજ ઉક્ત બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ત્રણેય નરાધમો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસે આ ગુનામાં ચિખોદરા અને નાપા તળપદના ઉક્ત ત્રણેય સખશોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 
  વધુ વાંચો
 • અન્ય

  બોરસદમાં ૧૦૦ બેડ સાથે કોવિડ હોસ્પિટલ શરૂઃ બધી સુવિધા મોજુદ

  આણંદ, તા.૧૨ આણંદ જિલ્લાના બોરસદ-તારાપુર રોડ ઉપર આવેલી અંજલી હોસ્પિટલને આઇસીયુ અને સામાન્ય સારવારના બેડ સાથે કોરોના સારવાર માટે પણ કાર્યરત કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં કોવિડ સામે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ, ખાસ ફરજ ઉપરના સચિવ સંદીપ કુમાર, કલેકટર આર.જી. ગોહિલ અને ડીડીઓ આશિષ કુમારે અંજલી હોસ્પિટલની મુલાકાત લઈ કાર્યરત કરી હતી. જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલે જિલ્લામાં કોરોના સંક્રમણની હાલની સ્થિતિ અને ભવિષ્યમાં ઊભી થનાર સ્થિતિ સામે પર્યાપ્ત આરોગ્ય સુવિધાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા અને ભવિષ્યમાં ઊભી થતી સ્થિતિને ધ્યાને રાખીને બોરસદ-તારાપુર રોડ ઉપર આવેલી અંજલી હોસ્પિટલને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. આ આધુનિક અને સગવડ સુવિધા ધરાવતી અંજલી હોસ્પિટલમાં ૧૦૦ બેડની વ્યવસ્થા છે, જે પૈકી ૭૦ બેડ ઓક્સિજનની સુવિધા ધરાવે છે, તે પૈકી ૩૫ બેડ આઇસીયુ સગવડ પણ ધરાવે છે. જિલ્લા કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત આણંદમાં બીજા ૧૩૦ બેડ આણંદ જનરલ હોસ્પિટલ, વાસદ આરોગ્ય કેન્દ્ર અને પેટલાદ સિવિલ હોસ્પિટલ ખંભાત અને કૃષ્ણ હોસ્પિટલ પણ પહેલેથી કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે ત્યારે આ વધુ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોરોના સંક્રમણના, તાવ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ જેવા દર્દીઓની સારવારમાં આ સુવિધા યુક્ત વ્યવસ્થા મદદરૂપ થશે. આ પ્રસંગે આણંદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એમ.ટી. છારી અને તાલીમી આઇએએસ ઓફિસર સચિનકુમાર અને અંજલિ હોસ્પિટલના ડાૅ.પાર્થ, નોડલ ઓફિસર ડાૅ.મેંગર તેમજ જિલ્લા આરોગ્ય તંત્રનો મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. 
  વધુ વાંચો