સુરત સમાચાર

 • ગુજરાત

  સુરતમાંથી 1 કરોડનો 1142.74 કિલોગ્રામ ગાંજો ઝડપાયો,પોલીસ સ્ટેશન ગાંજાની ગુણોથી ભરચક!

  સુરતસુરત જિલ્લાના પલસાણા તાલુકાના સાંકી ગામે આવેલ શ્રી રેસીડેન્સીના બીજા માળે ગઈકાલે મોડી રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે રેડ પાડી રૂપિયા ૧.૧૪ કરોડની કિંમતના ૧૧૪૨.૭૪ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઓરીસ્સાવાસીને ઝડપી પાડ્યો હતો, જયારે ગાંજાનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ત્રણ ઓરીસ્સાવાસીઓને વોન્ટેડ બતાવ્યા છે.સુરત જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા દ્વારા જીલ્લામાં નાર્કોટીક્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે નાકોટીક્સના કેસો શોધી કાઢવા માટે સુચના આપી હતી. જે અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગૂપના પીઆઈ કે.જે.ધડુકના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો શુક્રવારે પેટ્રોલીંગમાં હતા તે વખતે હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ બાબુભાઈ અને જગદિશભાઈ કામરાજભાઈને મળેલી બાતમીના આધારે પલસાણાના સાંકીગામના લબ્ધી બંગલોઝ કમ્પાઉન્ડમાં શ્રી રેસીડેન્સીના બીજા માળે આવેલા ફ્લેટમાં રેડ પાડી હતી. જેમાં ફલેટમાંથી રૂપિયા ૧,૧૪,૨૭,૪૦૦ની કિમતનો ૧૧૪૨.૪ કિલોગ્રામ ગાંજાના જથ્થો ભરેલ ૩૦ કોથળા સાથે બિકાસ બુલી ગૌડા (ઉ.વ.૧૯.રહે, ઉત્કલનગર ઝુપડપટ્ટી કતારગામ, મૂળ ચટુલા ગામ તલાસાહી, મહોલ્લો, કેનડુપદર, ગાંગપુર, ઓરીસ્સા)ને ઝડપી પાડ્યો હતો. બિકાસ ગૌડાની પુછપરછમાં આ જથ્થો બાબુ નાહક (રહે, ઉત્કલનગર ઝુપડપટ્ટી કતારગામ, મૂળ સચીના કોદલા ગંજામ ઓરીસ્સા) અને વિક્રમ મગલુ પરીદા ઉર્ફે વિકુ (રહે, ઉત્કલનગર ઝુપડપટ્ટી કતારગામ, મૂળ સચીના ગંજામ ઓરીસ્સા)એ સીબારામ નાહક (રહે, સચીના કોદલા ગંજામ ઓરીસ્સા) પાસેથી વેચાણથી મંગાવ્યો હોવાની કબુલાત કરતા એસઓજીએ ત્રણેયને વોન્ટેડ બતાવ્યા છે. વધુમાં માંગ મંગાવનાર અને માલ આપનાર વોન્ટેડ આરોપીઓ ઝડપાયા બાદ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થાય તેમ છે. એસઓજી એ બિકાસ ગૌડા પાસેથી ગાંજા, મોબાઈલ, રોકડા રૂપિયા અને મોપેટ મળી કુલ રૂપિયા ૧,૧૪,૬૩,૬૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
  વધુ વાંચો
 • શિક્ષણ

  VNSGU માં કોલેજના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાયો

  સુરત- વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં સાર્વજનિક યુનિવર્સિટીની ગ્રાન્ટેડ કોલેજોના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ ગુરુવારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભેગા થાય કુલપતિનો વિરોધ દર્શાવ્યો હતો. લોકોએ જણાવ્યું હતુ કે, યુનિવર્સિટી દ્વારા અચાનક જ જે તે કોલેજનું જોડાણ રદ કરી બીજી યુનિવર્સિટી સાથે જોડાણ કર્યું છે. આ બાબતનો સખત વિરોધ કરીએ છીએ. યુનિવર્સિટી દ્વારા કોઈને જાણ કર્યા વિના જ કોઈ કોલેજોની મંજૂરી લીધા વિના જ આ રીતે નું જાહેરનામું પાડવું તે ખૂબ જ ખોટી રીત છે. સેનેટ સભ્યોની મિટીંગ કર્યા વગર જ આ રીતે એનો નિર્ણય લઈ શકતી હોય તો આગળ ભવિષ્યમાં શું થશે. તે યુનિવર્સિટીએ વિચારવું જોઈએ. આજ દિન સુધી રાજ્ય સરકાર દ્વારા જે ફી નક્કી કરવામાં આવી હતી તે ફી લેવામાં આવતી હતી અને અચાનક વિદ્યાર્થીઓના ફી પણ વધારી દેવામાં આવી છે. આ બાબતેને લઈને ગુરુવારે સાર્વજનિક એજ્યુકેશનની છ કોલેજો તથા વનિતા વિશ્રામની એક કોલેજ અને બારડોલી ત્રણ કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના કુલપતિનો વિરોધ દર્શાવામાં આવ્યો હતો. અમે યુનિવર્સિટીના સેનેટ સભ્યોને આવેદન આપીશું.
  વધુ વાંચો
 • ગુજરાત

  સુરતની યુવતી રાજ્યની પ્રથમ સર્ટીફિકેટ મેળવનારી ટ્રાન્સ વુમન બની, ત્રણ સર્જરી કરી તે સંદીપથી અલીશા બની

  સુરત- 12 વર્ષની ઉંમરમાં સંદીપને અચાનક જ છોકરીઓને ગમતી તમામ વસ્તુઓ સારી લાગવા લાગી હતી તેને અચાનક જ ગુલાબી રંગ ખૂબ જ પસંદ આવવા લાગ્યો હતો તે અન્ય છોકરાઓની જેમ કાર અને બાઇક નહીં પરંતુ ઢીંગલી પસંદ કરવા લાગ્યો હતો ત્યારે જ તેને ખબર પડી ગઈ કે તે છોકરો નથી. કંઇક તો છે જે તેને અન્ય છોકરાઓ કરતાં જુદો પાડે છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યા પછી પણ માનસિક દ્વંદ્વ થી પસાર થઇ રહેલા સંદીપે આખરે નક્કી કર્યું કે જે તે અંદરથી છે તે સમાજની સામે લાવશે અને 39 વર્ષની ઉંમરમાં સંદીપે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો.અને ત્રણ સર્જરી કરી તે સંદીપથી અલીશા પટેલ બની. આલિશા પટેલ ને હાલ જ સુરત જિલ્લા કલેકટર દ્વારા એક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે જેના કારણે હવે તે રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમન બની ગઈ છે.આ પ્રમાણમપત્ર તેણીની જાતિ પરિવર્તનના ઓપરેશન પછી પ્રાપ્ત થઈ છે અને જ્યારે નવી ઓળખને સરકાર તરફથી માન્યતા મળી ત્યારે તે ખૂબ જ ખુશ છે. અલીશા ઓરિએન્ટલ થેરાપીસ્ટ છે અને તાજેતરમાં એક મહિલા બનવા માટે આશરે 8 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે.અલીશા પટેલ નવા નિયમો અનુસાર સરકાર દ્વારા જારી કરાયેલું પ્રમાણપત્ર મેળવનાર રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમન બની છે. તેમણે જણાવ્યું છે કે હવે આત્મવિશ્વાસથી મારી ઓળખ લોકોને જણાવી શકું છું અને એક મહિલા તરીકે કામ કરી શકું છું જે હું અગાઉ કરી શકતી નહોતી.અલીશાએ જણાવ્યું હતું, તેણે 12 વર્ષની હતી ત્યારથી તે અંદરથી એક મહિલા છે એ વાતની ખબર પડી. શાળામાં છોકરાઓ હાફ પેન્ટ પહેરીને આવતા પરંતુ મને સ્કૂલના ગણવેશમાં લાંબી સ્કર્ટ ગમતી હતી, પરંતુ હું પોતાને વ્યક્ત કરી શકતી નહોતી. છ બહેનોમાં સૌથી નાની અલીશા પટેલે જણાવ્યું હતું. મારી બોડી લેંગ્વેજ, રુચિ અને વાત કરવાની રીત બતાવતી હતી કે હું મોટી થઈને મારા પરિવારમાં સ્ત્રી બનીશ.
  વધુ વાંચો
 • ગુજરાત

  ગુજરાતની આ હોસ્પિટલ આવી ફરી વિવાદમાં: વૃદ્ધાના મૃતદેહને ઉંદરોએ કોતરી ખાતા પરિવારજનોમાં રોષ

  સુરત-સુરતની સિવિલ હોસ્પિટલ ફરી એકવખત વિવાદમાં આવી છે. સુરતની સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ઉંદરોના ત્રાસની ફરિયાદ અવારનવાર સામે આવતી રહે છે. ત્યાં આજે એક વૃદ્ધાના મૃતદેહને ઉંદરોએ કોતરી ખાધાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાનું મોત થયા બાદ તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઉંદરોએ મૃતકના પગ કોતરી ખાધા હતા. જયારે આ બાબતની જાણકારી વૃદ્ધાના પરિવારજનોને થઇ ત્યારે તેમની લાગણી દુભાતા તેઓએ સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અડાજણ વિસ્તારમાં રહેતા 60 વર્ષીય લક્ષ્‍મીબેન ગઈકાલે ઘરમાં પડી ગયા હતા. જેથી તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી.આ વાતની જાણ જયારે તેમના પરિવારજનોને થઇ ત્યારે તેઓએ સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા. બીજી બાજુ સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પહેલા પણ પોસ્ટમોર્ટમ રૂમમાં સાફસફાઈ અને ઉંદરોના ત્રાસ બાબતે ઘણી ફરિયાદો સામે આવી હતી. જે માટે સિવિલ સત્તાધીશોનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી આ ફરિયાદ પર ગંભીર રીતે ધ્યાન આપવામાં આવ્યું નથી અને સફાઈ તેમજ વ્યવસ્થાના અભાવે તેનું કોઈ કાયમી નિરાકરણ મળી શક્યું નથી. જો કે આવી ઘટનાઓને અંતે પરિવારજનોના રોષનો ભોગ પીએમ રૂમ ખાતેના ફરજ પરના કર્મચારીઓને બનવું પડે છે.
  વધુ વાંચો