લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, નવેમ્બર 2025 |
વડોદરા |
22473
નુકસાનીનો સર્વે કરવા માટે ૧૦૭ ટીમોનું ગઠન
વડોદરા વડોદરા જિલ્લામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પ્રશાસન દ્વારા આ માટે ૧૦૭ જેટલી ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમો દ્વારા ખેતરોમાં જઇને પાકને થયેલી નુકસાનીનું નિરીક્ષણ કરવામાં આવે છે.
કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ ઉક્ત ૧૦૭ ટીમોની રચના કરીને તમામને ફિલ્ડમાં ઉતાર્યા છે. આ ટીમોમાં ખેતીવાડી ખાતાના અધિકારીઓ ઉપરાંત તલાટી મંત્રી અને વિસ્તરણ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ડાંગર, મગફળી, સોયાબીન અને કપાસ સહિતના પાકોને નુકસાનનું તારણ
જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ જણાવ્યું કે, કમૌસમી વરસાદના પરિણામે વડોદરા જિલ્લામાં ડાંગર, સોયાબીન, મગફળીના પાકને નુકસાન થયું છે. આ ઉપરાંત અન્ય પાકો પણ બગડ્યા છે. કાપણીના તબક્કે રહેલા ડાંગર અને મગફળીના પાકોના પાથરા પડ્યા હોવાથી તેમાં જ ઉગી ગયા હોવાનું સર્વેમાં ધ્યાને આવે છે. કપાસ અને મગફળીમાં પણ આવી સ્થિતિ જણાઇ છે.
વડોદરા જિલ્લાના તમામ ગામોને સર્વે હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તા. ૩ની સ્થિતિને ડભોઇ તાલુકામાં ૭૫, ડેસર તાલુકામાં ૨૮, કરજણમાં ૫૧, પાદરામાં ૫૮, સાવલીમાં ૫૭, શિનોરમાં ૩૦, વડોદરા તાલુકામાં ૫૧, વાઘોડિયા તાલુકામાં ૫૬ મળી કુલ ૪૦૬ ગામોમાં રોજકામ કરવાની કામગીરી પૂર્ણ થઇ છે.
વસાવાએ આજે સુખલીપુરા ગામના કેટલાક ખેડૂતોની પણ મુલાકાત લીધી હતી. ગામમાં કેટલાટ ખેડૂતોએ ડાંગર કાપીને ખેતરમાં રાખી હતી. આ ડાંગરના ડુંડા જ ઉગી નીકળ્યા હોવાનું જણાયું હતું.