લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, નવેમ્બર 2025 |
વડોદરા |
21087
દિલ્હીમાં પણ આ સમસ્યા થઇ હતી
શનિવારે નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી હતી. વિમાનમથકના પ્રવક્તા રિજી શેરપાએ માહિતી આપતા જણાવ્યું હતું કે રનવેની લાઇટિંગ સિસ્ટમમાં અચાનક તકલીફ ઉભી થઈ હતી. સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ 5:30 વાગ્યે આ ખામીની જાણ થતા જ તમામ વિમાનોના ઉડાન અને લેન્ડિંગ પર તાત્કાલિક રોક લગાવવામાં આવી હતી.એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે ટેકનિકલ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ખામી દૂર કરવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. લાઇટિંગ સિસ્ટમનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં એરપોર્ટ પર ઉડાન સેવાઓ ફરી શરૂ થઈ જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ ટેકનિકલ ખામીને કારણે લગભગ 350 જેટલી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે, જેમાંથી 250થી વધુ સ્થાનિક ફ્લાઇટ્સ અને આશરે 100 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. મુસાફરોને એરપોર્ટ પર લાંબી રાહ જોવી પડી રહી છે અને કેટલીક ફ્લાઇટ્સને અન્ય એરપોર્ટ તરફ ડાયવર્ટ પણ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે શનિવારે જ ભારતની રાજધાની દિલ્હીના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પણ આવું જ ટેકનિકલ વિઘ્ન સર્જાયું હતું, જેના કારણે 800થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. બંને દેશોના મોટા એરપોર્ટ પર એક જ દિવસે ટેકનિકલ ખામી નોંધાતા મુસાફરોમાં ભારે ગેરસમજ અને મુશ્કેલીઓ સર્જાઈ હતી.