રાજકોટ સમાચાર

 • ગુજરાત

  રાજયમાં પરિસ્થિતિ કાબુમાં નહીં આવે ત્યાં સુધી નાઇટ કર્ફ્યૂ ચાલુ રહેશે: CM રૂપાણી

  ગાંધીનગર-રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. કોરોના સંક્રમિત નાગરિકોને તુરંત સારવાર આપવા માટે પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલા ભર્યા છે, જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કરફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે 9થી સવારે 6 સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે, જે પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં લગ્નો અને જાહેર સમારોહમાં પણ સંખ્યા 200થી ઘટાડીને 100 કરવામાં આવી છે, જ્યારે અંતિમવિધિમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે, કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં સારવાર માટે 1,100 ધનવંન્તરી રથ કાર્યરત હતા જેની સંખ્યા વધારીને 1700 કરવામાં આવી છે. આ રથ દ્વારા ડોર સ્ટેપ ઓપીડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે જે ખૂબ લોકપ્રિય બની છે. આ સેવાનો અત્યાર સુધીમાં 1.52 લાખ લોકોએ લાભ લીધો છે, જેમાં શરદી, ઉધરસ સહિત વિવિધ રોગોના દર્દીઓ સામેલ છે. ગુજરાત સરકારે રાજ્યમાં RT-PCR ટેસ્ટીંગ અને એન્ટીજન ટેસ્ટિંગનું પ્રમાણ મોટી માત્રામાં વધાર્યું છે, જે અંતર્ગત ગઈકાલે લગભગ 70 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે સંજીવની કોરોના ઘર સેવા - હોમ આઈસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 700 સંજીવની રથના માધ્યમથી દૈનિક ત્રણ હજાર કોલ્સ ઉપર સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. જેમાં ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની દૈનિક દેખભાળ કરીને તેમનો ઘરે બેઠા સારવાર આપે છે જ્યારે કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  રાજકોટ: રાત્રિ કરફ્યૂનો ભંગ કરનારા સામે પોલીસની કડક કાર્યવાહી, નોંધ્યા 800થી વધુ કેસ

  રાજકોટ- શહેરમાં 21થી 23 નવેમ્બર ત્રણ દિવસ રાત્રિ કરફ્યૂ દરમિયાન પોલીસે 820 કેસ નોંધ્યા છે. પોલીસે જાહેરનામાનો ભંગ, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ તેમજ વાહન ચેકિંગ અને વાહન ડિટેઈન જેવા 820 જેટલા પોલીસ કેસ નોંધ્યા છે. જાહેરનામાના ભંગના 349, સોશિયલ ડિસ્ટન્સના ભંગના 192 કેસ, વાહન ચેકિંગ અને વાહન ડિટેઈનના 234 પોલીસ કેસ નોંધાયા છે. રાજકોટમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો થાય તે માટે પોલીસ સતત એક્ટિવ થઈ છે અને કરફ્યૂનો ચુસ્તપણે પાલન કરાવી રહી છે.રાજકોટમાં રાત્રિ દરમિયાન પોલીસ, એસઆરપી, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે રાજકોટ પોલીસના અધિકારીઓ દ્વારા રાત્રિ દરમિયાન ફરજ બજાવતા જવાનો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ સાથે જ કરફ્યૂ દરમિયાન રાજકોટવાસીને કોઈ તકલીફ કે મૂશ્કેલી ઊભી થાય તો તેના માટે વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા 8320965606 વોટ્સએપ નંબર જાહેર કરાયો છે અને મદદ માટે આ નંબરનો સંપર્ક કરવાનું પ્રજાને અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં દિવાળી બાદ એકાએક કોરોના કેસનો રાફડો ફાટી નીકળ્યો હોવાથી સરકારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂ લગાવી દીધો છે. પોલીસ પણ રાત્રિ કરફ્યૂનો અમલ કરાવવા સતર્ક થઈ ગઈ છે અને લોકોને ચુસ્તપણે કરફ્યૂનું પાલન કરાવી રહી છે. રાજકોટમાં પોલીસે માત્ર ત્રણ દિવસમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન 800થી વધારે અલગ અલગ કેસ નોંધ્યા છે.
  વધુ વાંચો
 • ગુજરાત

  રાજકોટ: કોરોના સંક્રમણ રોકવા મનપાનો એક્શન પ્લાન, કામગીરી શરૂ કરાઈ

  રાજકોટ-રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવા શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. મહાનગરપાલિકા દ્વારા કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે શ્રેણીબધ્ધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સાવચેતીરૂપે આજે તા. ૨૪ ના રોજ અન્ય શહેરમાંથી અથવા અન્ય રાજ્યમાંથી રાજકોટ આવતા મુસાફરો માટે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત લક્ષ્‍મીનગર હોકર્સ ઝોન અને મંગળવારી બજાર ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં જે વિસ્તારોમાં ફેરીયાઓ વધુ પ્રમાણમાં રહે છે તેવા વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરી કોરોના સંક્રમણને અટકાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની મેડિકલ ટીમ દ્વારા આવા કેમ્પમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવું છે તેની પ્રાથમિક તપાસ થર્મલ સ્ક્રિનિંગ અને પલ્સ ઓક્સિમીટર વડે ચકાસણી કરવામાં આવે છે. જો કોઇ વ્યક્તિને કોરોના સંદર્ભે કોઈપણ લક્ષણો જણાયે તેમનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરવામાં આવે છે. અન્ય રાજ્ય કે અન્ય જિલ્લા માંથી રાજકોટ આવતા લોકો માટે મનપાની ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોટ ખાતે જ હેલ્થ ચેકઅપ કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગ બુથ, ધનવંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ સેવા રથ, કોવીડ-૧૯ ટેસ્ટીંગ વ્હીકલ તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વિનામુલ્યે કોરોના ચેકઅપ કરી આપવામાં આવે છે.
  વધુ વાંચો
 • શિક્ષણ

  સૌ.યુનિનો આ તારીખે પદવીદાન સમારંભ યોજાશે: 150 ગોલ્ડ મેડાલિસ્ટને પદવી અપાશે

  રાજકોટ- કોરોનાની મહામારીના આ સમયમાં કુલપતિ નીતિન પેથાણી અને ઉપકુલપતિ વિજય દેસાણીના આ નિર્ણયને તમામ વિદ્યાર્થીઓએ પણ સહર્ષ સ્વીકાર્યો છે.આ તમામ વિદ્યાર્થીઓને એક સરખા અંદાજીત રૂપિયા 7,000ની કિંમતના ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 19મી ડિસેમ્બરે યોજાનારા પદવીદાન સમારંભમાં માત્ર 150 ગોલ્ડમેડાલિસ્ટને જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પદવી એનાયત થશે.બાકીના તમામ વિદ્યાર્થીઓને ઘરે બેઠા ડિગ્રી તથા શુભેચ્છા ઉપલબ્ધ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોનાના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યા શાખાઓના 29,673 વિદ્યાર્થીઓને રૂબરૂમાં નહીં પરંતુ ઘર બેઠા જ ડીગ્રી સર્ટીફીકેટ આપવામાં આવશે તેમજ રાજ્યપાલ દ્વારા વર્ચ્યુઅલ શુભેચ્છા પાઠવવામાં આવશે. 
  વધુ વાંચો