લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, નવેમ્બર 2025 |
રિયાધ, સાઉદી અરેબિયા |
18711
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેક ઉદ્યોગના દિગ્ગજ એલન મસ્ક એ ભવિષ્યની દુનિયા વિશે મોટી આગાહી કરી છે. અમેરિકા-સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં એનવિડિયાના સીઇઓ જેન્સેન હુઆંગ સાથે વાત કરતા મસ્કે જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રોબોટિક્સ દ્વારા સંચાલિત વિશ્વમાં ગરીબીનો સંપૂર્ણપણે અંત આવશે, પૈસા (કરન્સી) અપ્રસ્તુત બની જશે, અને નોકરીઓ માત્ર એક વૈકલ્પિક શોખ બનીને રહી જશે.
મસ્કે, જેઓ પોતાની AI કંપની xAI (જેનો ચેટબોટ ગ્રોક છે) ઉપરાંત ટેસ્લા અને સ્પેસએક્સનું નેતૃત્વ કરે છે, તેમણે દાવો કર્યો હતો કે AI અને હ્યુમનૉઇડ (માનવ જેવા) રોબોટ્સ ભવિષ્યની દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખશે.
મસ્કે કહ્યું કે, "AI અને હ્યુમનૉઇડ રોબોટ્સ ખરેખર ગરીબીનો અંત લાવશે." તેમણે વધુમાં કહ્યું કે રોબોટ્સ "દરેકને શ્રીમંત બનાવશે." તેમણે સ્પષ્ટ કર્યું કે, "કરન્સી અપ્રાસંગિક બની જશે. વીજળી અને દ્રવ્યમાન જેવા અવરોધો ત્યારે પણ રહેશે, પરંતુ પૈસાની સુસંગતતા સમાપ્ત થઈ જશે."
મસ્કે આ ભવિષ્યને સમજાવવા માટે સાયન્સ ફિક્શન લેખક ઇયાન એમ. બેંક્સ ની 'કલ્ચર સીરીઝ' નો ઉલ્લેખ કર્યો. આ સીરીઝમાં એક એવા ભવિષ્યના સમાજને દર્શાવવામાં આવ્યો છે જ્યાં તમામ કામ AI અને રોબોટ્સ કરે છે, અને માનવ શ્રમ કરવો કે નહીં તે તેની વ્યક્તિગત ઇચ્છા પર આધાર રાખે છે.
એલન મસ્કના મતે, ભવિષ્યમાં શ્રમ કરવો એ જીવિત રહેવા માટેની જરૂરિયાત નહીં, પણ આનંદ માટેનો વિકલ્પ બની જશે. તેમણે કામની સરખામણી બાગકામ (Gardening) સાથે કરી. મસ્કે સમજાવ્યું કે, "પોતાના ઘરની પાછળ શાકભાજી ઉગાડવી એ ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ કેટલાક લોકો હજી પણ તે કરે છે કારણ કે તેમને શાકભાજી ઉગાડવી ગમે છે. ભવિષ્યમાં કામ કરવું પણ આવું જ હશે - વૈકલ્પિક." મસ્કની આ ભવિષ્યવાણી દર્શાવે છે કે, AI ટેકનોલોજી વિશ્વને માત્ર ટેકનિકલ રીતે જ નહીં, પરંતુ સામાજિક અને આર્થિક રીતે પણ ધરમૂળથી પરિવર્તિત કરી શકે છે.