લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ઓક્ટોબર 2025 |
વડોદરા |
69597
વડોદરા સ્થિત સંશોધક અને ૧૪૦ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (IPR) ધરાવતા મિથિલેશ પટેલ અને તેમની સંસ્થા વ્રજ ઇનોવેટરે સમાજમાં વધતા ડ્રિંક એન્ડ ડ્રાઇવના ગંભીર બનાવોના ઉકેલ માટે એક અદ્યતન ટેક્નોલોજીકલ કવચ રજૂ કર્યું છે. વર્ષ ૨૦૧૮માં વિકસાવેલા તેમના મૂળ ડિવાઇસ કવચ (KAVACH)ને હવે વધુ અદ્યતન સ્વરૂપ આપીને કોઈપણ વાહનમાં ઉપયોગમાં લેવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
"ડ્રિંક એન્ડ ડ્રાઈવ પ્રોટેક્શન ડિવાઇસ – કવચ (KAVACH)"ની વિશેષતાઓ
• ફ્યુઅલ/ઇગ્નીશન કટ-ઓફ : જો ડ્રાઇવર અથવા સાથે બેઠેલ વ્યક્તિના શરીરમાં આલ્કોહોલનું સ્તર નક્કી મર્યાદા કરતાં વધુ જણાશે, તો આ સિસ્ટમ તાત્કાલિક વાહનનું ફ્યુઅલ અથવા ઇગ્નીશન કટ-ઓફ કરી દેશે.
• ઇમેઇલ એલર્ટ : આલ્કોહોલ લેવલ સાથેનું ઇમેઇલ એલર્ટ અધિકૃત વ્યક્તિને તરત જ મોકલી આપવામાં આવશે.
• સુરક્ષા માટે સતત સ્કેનિંગ : જો કોઈ વ્યક્તિ સિસ્ટમને બાયપાસ કરીને વાહન ચલાવે અને પછી દારૂ પીવે, તો "કવચ" દર ૧૫ સેકન્ડે સ્કેન કરશે. આલ્કોહોલની વધુ માત્રા જણાશે તો વાહનની વિન્ડશીલ્ડ પાસે લાલ રંગની એલર્ટ લાઈટ ચાલુ થશે, જે બહાર ઉભેલા પોલીસ કર્મચારીઓ માટે સ્પષ્ટપણે દૃશ્યમાન રહેશે. ઓછી માત્રામાં આલ્કોહોલ હશે તો સિસ્ટમ પીળા રંગની ચેતવણી લાઈટ આપીને ડ્રાઈવરને સાવચેત કરશે.
• બહુવિધ ઉપયોગો : આ ડિવાઇસનો મુખ્ય હેતુ દારૂ પીધેલા લોકોના કારણે નિર્દોષ લોકોના જીવનને જોખમથી બચાવવાનો છે. હવે તેને ડ્રોનમાં પણ લગાવી શકાય છે, જેથી દારૂના અડ્ડા કે સ્ટોરેજ સ્થળોની હવામાંથી સ્કેનિંગ કરી શકાય. સરકારી કચેરીઓ, કોર્પોરેટ ઓફિસો અને ઉદ્યોગોમાં દારૂ પીધેલા કર્મચારીઓની એન્ટ્રી રોકવા માટે પણ "કવચ"નો ઉપયોગ થઈ શકે છે.
મિથિલેશ પટેલનું "વિકસિત ભારત" વિઝન
મિથિલેશ પટેલે તેમની ૧૪૦ પેટન્ટમાંથી ૧૦૧ પેટન્ટ 'ઓપન સોર્સ' જાહેર કરી દીધી છે, જેથી શૈક્ષણિક સંસ્થાઓ, ઇન્ક્યુબેશન સેન્ટર્સ અને સ્ટાર્ટઅપ્સ આ ટેક્નોલોજીને વધુ આગળ વધારી શકે. તેમનું સ્વપ્ન નવીનતા અને સંશોધન દ્વારા આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરવાનો છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "વિકસિત ભારત મિશન" સાથે સુસંગત છે. મિથિલેશ પટેલ સરકાર અને સંબંધિત વિભાગો તરફથી યોગ્ય પ્લેટફોર્મ મળે તો અન્ય ઇનોવેટર્સ અને વિદ્યાર્થીઓને IPR, સ્ટાર્ટઅપ અને ટેક્નોલોજી સંશોધન ક્ષેત્રે માર્ગદર્શન આપવા માટે ઉત્સુક છે.