/
લાઈફ સ્ટાઇલ સમાચાર (REELS)
લાઈફ સ્ટાઇલ
22, મે 2024
મારી ટેલેન્ટ જાેવાના બદલે અફવાઓ પર વધુ ધ્યાન અપાય છેઃ નોરા ફતેહી

નોરા ફતેહીએ બોલિવૂડની ડાન્સિંગ ક્વિનની ઈમેજને એક ડગલું આગળ વધારતા લીડ એક્ટ્રેસ માટે સશક્ત દાવેદારી કરી છે. પોતાની આ સફળતા ટેલેન્ટને આભારી હોવાનું નોરા માને છે, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક કેમ્પ્સ આવડત પર ધ્યાન આપવાના બદલે વિવિધ પ્રકારની અફવાઓ ફેલાવે છે. જેના કારણે પોતાની કરિયર અને ઈમેજ બંનેને નુકસાન થતું હોવાનું નોરાએ જણાવ્યું છે. નોરાએ તાજેતરમાં જણાવ્યું હતું કે, પાયાવિહોણી વાતોને વધારે વેગ મળી રહ્યો છે. સોશિયલ મીડિયાના ટ્રોલિંગ સંદર્ભે જાડી ચામડીની થઈ ગઈ છું, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં અંદરના લોકો જ અફવા ફેલાવતા હોવાથી નિરાશ થઈ જવાય છે. ઈન્ડસ્ટ્રીના લોકો પોતાના કેમ્પ્સમાં મારા માટે અફવા ફેલાવે છે અને તેમાં સહેજ પણ સત્યતા નથી. તેઓ મારા માટે ચોક્કસ પ્રકારની ધારણાઓ ઊભી કરી છે. તેઓ આવું શા માટે કરે છે તે સમજાતું નથી. નોરાએ ભારતમાં સ્થાયી થયા બાદ આપબળે આગવી ઓળખ ઊભી કરી છે અને અફવાઓને ધ્યાનમાં લીધા વગર આગળ વધવાની આદત વિકસાવી છે. આમ છતાં કેટલી નિશ્ચિત બાબતોને સફળતા સાથે સાંકળીને અફવા ફેલાવવામાં આવે તો ક્યારેક હતાશ થઈ જવાય છે. આ પ્રકારના લોકો મેરિટ અને સ્કિલ જેવી બાબતોને ધ્યાનાં લેતા નથી. મારા કામની વાત કરવાના બદલે કેટલાક નિશ્ચિત પાસાઓ સાથે વ્યક્તિત્વને સાંકળીને વાતો ફેલાવવામાં આવે છે. નિશ્ચિત પાસાઓ કયા છે તે અંગે નોરાએ કોઈ ખુલાસો કર્યાે ન હતો, પરંતુ તેણે અગાઉ જણાવ્યું હતું કે, ધિક્કાર ફેલાવનારા અને સર્જનાત્મક ટીકા કરનારા લોકોને તે સારી રીતે ઓળખે છે. ઈર્ષા કરનારા અને હેરાન કરનારા લોકોનો અવાજ રોકવો જ જાેઈએ. નોરાની તાજેતરમાં બે ફિલ્મો રિલીઝ થઈ છે. કુણાલ કેમુની ‘મડગાંવ એક્સપ્રેસ’ અને વિદ્યુત જામવાલ સાથે ‘ક્રેક’માં નોરાનો લીડ રોલ હતો. આ બંને ફિલ્મો બોક્સઓફિસ પર ખાસ ચાલી નથી, પરંતુ લીડ એક્ટ્રેસ તરીકે નોરાની ઓળખ ઊભી કરવામાં આ ફિલ્મો મદદરૂપ રહી છે. ફિલ્મો ઉપરાંત નોરાએ તાજેતરમાં વોર્નર મ્યૂઝિક સાથે પણ એક ડીલ કરી છે.


22, મે 2024
મહિષાસૂરના વંશજાેની ભાષાને બચાવવા શરૂ થયું અસુર રેડિયો સ્ટેશન!

લેખક : દીપક આશર | એક જમાનો હતો, જ્યારે રેડિયો પર લોકો ક્રિકેટ મેચની કોમેન્ટરી આખો દિવસ સાંભળતાં હતાં, એક જમાનો હતો, જ્યારે રાતે ૮ વાગ્યે બિનાકા ગીતમાલા આવતી ત્યારે લોકો નવા ગીતોના રેન્કિંગ અમીન સયાનીના અવાજમાં સાંભળવા બેસી જતાં હતાં. આજે રેડિયોનો જમાનો જતો રહ્યો છે. હવે કોઈ કંપની રેડિયો બનાવતી નથી. રેડિયો હવે મોબાઇલમાં ડિજિટલ વર્ઝન પોડકાસ્ટમાં મળી રહ્યો છે. લોકો એફએમના નામે મોબાઇલમાં રેડિયો સાંભળે છે. અને હવે રેડિયોનું લેટેસ્ટ વર્ઝન પોડકાસ્ટ આવી ગયું છે. તમે તમારાં મોબાઇલમાં પોડકાસ્ટ સાંભળી શકો છો.પણ શું તમે માનશો, આ જ રેડિયો આજે કોઈના જીવન મરણનો તારણહાર બન્યો છે. રેડિયોના આ ડિજિટલ વર્ઝનના સહારે ઝારખંડના એક આદિવાસી સમૂહે પોતાની લુપ્ત થઈ રહેલી ભાષાને બચાવવા આખું રેડિયો સ્ટેશન ઊભું કરી દીધું છે!? આ આદિવાસી સમુહ બીજાે કોઈ નહીં પણ રાક્ષસ મહિષાસુરના વંશજ છે. એટલે એવું કહી શકાય કે, મહિષાસુરના વંશજાેની ભાષાને બચાવવા હવે પોડકાસ્ટ કામ આવી રહ્યું છે. ઝારખંડના અસુર આદિવાસી સમાજે તાજેતરમાં એક મોબાઇલ રેડિયો સ્ટેશન શરૂ કર્યું છે. સ્થાનિક લેવલ પર રેડિયો કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. એક ઝુંપડીમાં પોડકાસ્ટ પર અવાજ સંભળાઈ રહ્યો છે, દાહા-દાહા તુર... ધનતિના ધન તુર... નોઆ હેકે અસુર રેડિયો (મતલબ કે, આઓ-આઓ ગાઓ, નાચો, બોલો... આ છે અસુર અખાડા રેડિયો.) ઝુંપડામાં રેડિયો સ્ટેશન નજીક લોકો ભેગાં થાય છે અને પછી શરૂ થાય છે વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ.ઝારખંડમાં ૩૨ આદિવાસી સમૂહ છે. આ ૩૨માંથી ૯ સમૂહ લગભગ લુપ્ત થવાના આરે છે. અસુર આદિવાસી આમાંનો એક સમૂહ છે. રાંચીથી ૧૫૦ કિમી દૂર ગુમલા અને લાતેહર જિલ્લાની વચ્ચે એક નેતરહાટ પઠાર છે. અસુર સમુદાય અહીં જ વસે છે. યુનેસ્કોના આંકડાઓ મુજબ, અસુર આદિવાસી સમૂહના હાલ માત્ર ૭૦૦૦ લોકો જ બચ્યાં છે.આ સમૂહ દ્વારા બોલાતી અસુર ભાષાને યુનેસ્કોએ ડેફિનેટલી ઇનડેન્જર્ડ કેટેગરીમાં મૂકી દીધી છે. એટલે કે, ગમે ત્યારે આ ભાષા લુપ્ત થઈ જશે. અસુર સમુદાયની નવી પેઢી તો આ ભાષા બોલતી પણ નથી. નવી પેઢી નાગપુરી અથવા તો હિંદી ભાષાનો પ્રયોગ કરે છે. અસુર ભાષા પર ખતરો હોવાથી આ સમુદાયના વડીલોએ ભાષાને બચાવવા માટે અસુર રેડિયો સ્ટેશન શરૂ કરી દીધું છે. આ મોબાઇલ રેડિયોનું પ્રસારણ બે વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવ્યું હતું. આ રેડિયો પ્રસારણ ગામની ઝુંપડીઓમાં પણ લોકોએ સાંભળ્યું અને પોડકાસ્ટ પર પણ પ્રસારિત થયું હતું. એટલું જ નહીં અસુર રેડિયોની પોતાની યૂ-ટ્યૂબ ચેનલ પણ છે. ફેસબુકનું પેજ પણ છે અને સાઉન્ડ ક્લાઉડ પર એક ચેનલ સાથે પ્રસારણ કરવામાં આવે છે! અસુર આદિવાસી મોબાઇલ રેડિયોના નામે પોતાની વેબસાઇટ પણ છે. હાલ અઠવાડિયામાં ચાર દિવસ અલગ-અલગ કાર્યક્રમોનું પ્રસારણ થઈ રહ્યું છે. આ નાનકડાં મોબાઇલ રેડિયો સ્ટેશનને ચલાવવા માટે એક લેપટોપ, એક માઇક્રોફોન, ૫૦ વોટની એક સોલર પેનલ અને એક સાઉન્ડ બોક્સની જરૂર પડે છે. ઝારખંડના અંતરિયાળ વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટીનો કોઈ ભરોસો હોતો નથી એટલે સોલાર પેનલનો ઉપયોગ કરવામાં આવે છે. આદિવાસીઓ પોતાને ખુદ પ્રકૃતિના પૂજક ગણે છે. અસુર આદિવાસી પણ પ્રકૃતિના પૂજક છે. સિંગબોગા અસુર આદિવાસીઓના પ્રમુખ હોય છે. સડસી કુટાસી આ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે. આ તહેવારના દિવસે આદિવાસીઓ પોતાના ઓજારો અને ઓજાર ગાળવાની ભઠ્ઠીની પૂજા કરે છે. અસુર આદિવાસીઓ પોતાને મહિષાસૂરના વંશજ માને છે. હિન્દુ ધર્મમાં મહિષાસુરને એક રાક્ષસ માનવામાં આવે છે, એટલે કે, અસુર. મહિષાસુરનો વધ દુર્ગા માતાએ કર્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં દુર્ગા પૂજા દરમિયાન અસુર સમુદાયના લોકો શોક મનાવે છે! આ સમુદાયનું નામ અસુર આ માટે પણ પાડવામાં આવ્યું છે. મહિષાસુરના આ વંશજાેની ભાષાને બચાવવા માટે ખરેખર મહેનત કોણ કરી રહ્યું છે, એ પણ જાણવા જેવું છે. ઝારખંડી ભાષા સાહિત્ય સંસ્કૃતિ અખાડા એક સામાજિક સંસ્થા છે. આ સંસ્થાના જનરલ સેક્રેટરી અને રેડિયો પ્રોગ્રામના કન્વીનર વંદના ટેટેનું કહેવું છે કે, વિલુપ્ત થઈ રહેલી ઝારખંડની અનેક ભાષાઓમાં અસુર પણ સામેલ છે. વંદના કવિયત્રી પણ છે અને અગાઉ અનેક જનઆંદોલનમાં ભાગ લઈ ચૂકી છે. વંદના અગાઉ આદિવાસીઓ પર ઘણાં પુસ્તકો પણ લખી ચૂક્યાં છે. વંદના પોતાના સાહિત્યને ઓરેચર કહે છે, મતલબ કે, ઓરલ લિટરેચર. વંદનાનું કહેવું છે કે, અસુરોની માતૃભાષા ખતરામાં છે. અમે છેલ્લાં ૧૫ વર્ષથી આ વિસ્તારમાં કામ કરી રહ્યાં છીએ. દરેક નવી ટેક્‌નીક સાથે આ ભાષાને જાેડવાની કોશિશ કરી હતી, પણ મોબાઇલ રેડિયો ટેક્‌નોલોજી સૌથી વધુ કારગત સાબિત થઈ છે. અલબત્ત, અહીં એવું કહી શકાય કે, અભણ અસુરો પણ મોબાઇલનો યૂઝ કરતાં હશે. કારણ કે, વંદના કહે છે કે, પોતાની ભાષાને મોબાઇલમાં સાંભળીને અસુરોમાં આત્મવિશ્વાસ વધ્યો છે. હજુ પોડકાસ્ટ લોકોએ મોબાઇલ પર ડાઉનલોડ નથી કર્યું, તેઓ શીખી રહ્યાં છે. હાલ આ આદિવાસીઓ વોટ્‌સએપ પર લિંક મેળવીને રેડિયોનું પ્રસારણ સાંભળી રહ્યાં છે. આ ભગીરથ કામમાં વંદનાનો સહયોગ કરી રહેલાં પ્રો. મહેશ અગુસ્ટીનનું કહેવું છે કે, આ એક જ દિવસમાં શક્ય નથી બન્યું. અમે બધા વિલુપ્ત થઈ રહેલી જનજાતિઓ સાથે છેલ્લાં એક દાયકાથી કામ કરી રહ્યાં છીએ.ઝારખંડનો આ આદિવાસી સમુદાય અસુર ભાષા સિવાય બીજી એકેય ભાષા સમજતો નથી. આવામાં હવે આ રેડિયો અમને ખુબ જ કામ આવી ગયો છે. અલબત્ત આટલું જ નહીં, અસુર આદિવાસીની વેબાસાઇટ, પોડકાસ્ટ, ફેસબુક પેજ બધું જ છે!! અસુર આદિવાસી મોબાઇલ રેડિયો નામની તેઓની અપ ટુ ડેટ વેબસાઇટ છે. આ વેબસાઇટ નિયમિત અપડેટ થાય છે. આ ઉપરાંત તેઓનું ફેસબુક પેજ પણ છે. ચાર હજાર લોકો આ ફેસબુક પેજને ફોલો કરે છે. હજુ ઊભાં રહો, આટલું જ નહીં અસુરોનું પોડકાસ્ટ પણ છે, જેનાં પર તમે મોબાઇલમાં આસાનીથી રેડિયો સાંભળી શકો છે.


22, મે 2024
સ્પર્શ :  જીવનની પ્રથમ ભાષા

લેખક : કેયુર જાની | શસ્ત્રક્રિયા કરનાર ડોક્ટર માટે અંગ્રેજી ભાષામાં શબ્દ છે ‘સર્જન’. ગ્રીક ભાષામાં હાથ માટે શબ્દ છે ખૈર અને કામ માટેનો શબ્દ છે અરજન. ફ્રેન્ચમાં આ બંને શબ્દોની સંધિથી સુરૈરજીયન શબ્દ બન્યો, જેમાં ફ્રેન્ચ અને ગ્રીક ભાષાનો સમન્વય છે. સુરૈરજીયન એટલે હાથથી સ્પર્શ કરીને કામ કરનાર. તેના પરથી સર્જન શબ્દ આવ્યો. સર્જન ડોક્ટર મતલબ દર્દીને હાથથી સ્પર્શ કરીને નિદાન કરનાર. દર્દમાં હોય તે દર્દી. તેને દર્દમાંથી બહાર કાઢવા માટે સ્પર્શ કરી ચકાસે અને તે પછી હાથમાં ઓજાર લઇ શસ્ત્રક્રિયા કરે તે સર્જન. ગ્રીક ભાષામાં સ્પર્શથી ચિકિત્સાનો પૌરાણિક ઇતિહાસ છે. સ્પર્શથી થતી ચિકિત્સા હીલિંગ કહેવાય છે. ગ્રીક દેવતા એસ્ક્લેપિયસ સ્પર્શ ચિકિત્સાના દેવતા છે. તે હીલિંગના જનક છે. આજના સર્જન ડોક્ટરની આધુનિક ચિકિત્સા પધ્ધતિનો ઇતિહાસ ગ્રીક દેવ એસ્ક્લેપિયસ સાથે જાેડાયેલો છે. ચિકિત્સા માટે સ્પર્શને ખુબ મહત્વનો મનાય છે. સ્પર્શથી દર્દીમાં બિમારીમાંથી બહાર આવવાની સંકલ્પશક્તિ વધે છે. તે સુરક્ષાનો અનુભવ કરે છે. દર્દી માનસિક રીતે મક્કમ બને છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. સ્પર્શ માનવને ભાવનાત્મક, માનસિક તેમજ શારીરિક ત્રણે પ્રકારે અસર કરે છે. માનવજીવન માટે જેમ હવા,પાણી અને ખોરાક એ ત્રણ મૂળભૂત જરૂરિયાતો છે, તેમ સ્પર્શ ચોથી જરૂરિયાત છે. જન્મજન્મ સાથે જ દરેક નવજાત શિશુની પ્રથમ જરૂરિયાત માનો સ્પર્શ હોય છે. માનો સ્પર્શ મળ્યા બાદ તે શાંત થાય છે. નવજાત શિશુને તેની માની ઓળખ માટે સૌથી વિશ્વાસપાત્ર માધ્યમ સ્પર્શ હોય છે. જીવનચક્રની શરૂઆત સ્પર્શથી થાય છે.માનું ધાવણ મળે તે પહેલાં માનો સ્પર્શ અને આલિંગન નવજાત શિશુને મળતું હોય છે. જીવન શરુ કરવા માટે શ્વાસ લેવો પહેલું ચરણ હોય છે. સ્પર્શ બીજા ક્રમે આવે છે. તે બાદ આહારનું ચરણ ત્રીજું હોય છે. પહેલા સંપર્ક પછી જાેડાણ અને તે બાદ લાગણી તેમ સ્પર્શના ત્રણ તબક્કા છે. આ તબક્કાઓ દ્વારા નવજાત બાળક અને મા વચ્ચે મમતાનો સંવાદ શરુ થાય છે. જેમાં સ્પર્શ જ એકમાત્ર ભાષાનું માધ્યમ હોય છે.  માણસ તેના જીવનચક્રમાં સૌથી પહેલી ભાષા સ્પર્શની સમજતો થાય છે. નવજાત શિશુ જેમ જેમ મોટું થાય છે. તેમ તેની ઉંમર વધતા અન્યના સ્પર્શનું પ્રમાણ ઘટતું જાય છે. પરંતુ માણસ માટે સ્પર્શ તેની જીવનભરની અમિટ જરૂરિયાત છે. માનવ માટે સ્પર્શ તે ત્વચાની ભૂખ હોય છે જે મન તેમજ આત્માને તૃપ્ત કરે છે. વૃદ્ધત્વમાં જીવનસાથીના દેહાંત બાદ સ્પર્શથી વંચિત રહેવાની સ્થિતિ આવે છે. વૃધ્ધત્વની એકલતામાં બિમારી દરમ્યાન ફેમિલી ડોક્ટર સિવાય ક્યારેક વર્ષો સુધી અન્ય કોઈનો સ્પર્શ થતો નથી. માણસ ઉપર તેની સીધી ભાવનાત્મક અસર જાેવા મળે છે. સ્પર્શના અભાવથી તેના વર્તનમાં બદલાવ જાેવા મળતો હોય છે.  વિશ્વ આખામાં પરસ્પર સ્પર્શની એક ભાષા છે. માનવ સંસ્કૃતિએ સ્પર્શની ભાષાના કેટલાક નિયમ ઘડેલા છે. જેનું પાલન જરૂરી છે. યુરોપમાં બે વ્યક્તિ મળે ત્યારે હાથ મિલાવવાની પરંપરા છે. વ્યક્તિઓ હાથ મિલાવીને પોતાની ઉષ્માની આપ-લે કરે છે. આરબ દેશમાં બે વ્યક્તિઓ એકબીજાના નાકને નાક સ્પર્શ કરાવીને મળે છે. કેટલાક યુરોપના દેશમાં એકબીજાના ચહેરાને નજીક લાવી ગાલનો સ્પર્શ કરાવીને અભિવાદન કરવાની પ્રથા છે. ન્યુઝીલેન્ડના નાગરિકો મળે તો એકબીજા સાથે નાકના ટેરવા ઘસીને સ્પર્શ કરે છે. ઝામ્બિયા અને રવાન્ડા જેવા દેશમાં મળતી વખતે એકબીજાના કપાળથી કપાળને સ્પર્શ કરાવવાનો રિવાજ છે. ઝિમ્બાબ્વે અને મોઝામ્બિકમાં એકબીજાને તાળીનો સ્પર્શ આપીને મળવામાં આવે છે. ગ્રીનલેન્ડના ગોરાઓ મળે ત્યારે પરસ્પર એકબીજાના ચહેરા ઉપર નાકનો સ્પર્શ કરાવી ચહેરો સૂંઘે છે. ભારતમાં પણ સ્પર્શ કરવામાં આવે છે. વડીલોને મળીને ચરણ સ્પર્શ કરવામાં આવે છે. દેશ અને સંસ્કૃતિ પ્રમાણે દેશની ભાષા બદલાય છે. હથેળી, ચહેરો, નાક, ગાલ, માથું, ચરણ જેવા તમામ અંગોને અલગ અલગ સંસ્કૃતિના માનવોએ સ્પર્શની ભાષા આપેલી છે. જયારે આલિંગન તે સ્પર્શની સૌથી મજબૂત ભાષા છે અને વિશ્વસનીય પાસું છે. કેમકે તેમાં હૃદયથી હૃદયનો સ્પર્શ થાય છે.  સ્પર્શની ભાષાથી માણસ તેટલો વાકેફ હોય છે કે અજાણ્યા વ્યક્તિના બદઇરાદાપૂર્વકના સ્પર્શનો સંકેત તરત મેળવી લે છે. સ્પર્શમાં બદઇરાદાને માણસ સ્વીકાર કરી શકતો નથી. સ્પર્શ માટેની એક વૈશ્વિક શિસ્ત માનવ સ્વભાવમાં વિકસી છે. જેને દરેક દેશે કાયદાનું સંરક્ષણ પણ આપ્યું છે. સ્પર્શનો આ વૈશ્વિક નિયમ છે સંમતિનો. પરસ્પર સંમતિથી જ સ્પર્શ સ્વીકાર્ય છે. અસંમતિનો સ્પર્શ વિશ્વની કોઈ દેશમાં કે સભ્યતામાં સ્વીકાર્ય નથી. કેમકે સ્પર્શ પવિત્ર બાબત છે જેમાં વિકારનો સ્વીકાર નથી.


19, મે 2024
ટ્યૂબહાઉસ: ગરીબો માટેની ખાસ ડિઝાઈનના મકાનનું બાળમરણ

લેખકઃ હેમંત વાળા | સ્થા પત્યનો ઇતિહાસ જાેતાં જણાશે કે તેમાં વિશાળ મંદિર-ચર્ચ, મહેલ, સંસ્થાકીય મકાન, સ્મારક, ખેલ-ક્રીડા સંકુલ કે જાહેર સ્થાનની વાતો જ કરાઈ છે. ક્યાંક ધનિક વર્ગના આવાસનો ઉલ્લેખ પણ જાેવા મળે. જ્યારે ઇતિહાસકારોને પરંપરાગત આવાસની રચનામાં એક પ્રકારની પરિપક્વતા દેખાઈ ત્યારે સ્થાપત્યના ઇતિહાસમાં તેની માટે એક પ્રકરણ ફાળવવામાં આવ્યું. અહીં વંચિત માનવીના આવાસને ક્યાંથી સ્થાન મળે? વિશ્વમાં આર્થિક રીતે નબળા ગણી શકાય તેવા લોકોના આવાસ તથા આવાસ-સમૂહ નિર્ધારિત કરવા સ્પર્ધાઓ યોજાતી રહી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સન ૧૯૬૧-૬૨માં પણ સમાજના આર્થિક રીતે નબળા લોકો માટે આવાસ નિર્માણની યોજના બનાવાઈ હતી જેના માટે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરાયેલું. આ સ્પર્ધામાં મુંબઈના સ્થપતિ ચાર્લ્સ કોરિયાની રચના પસંદ કરાઈ હતી. આ રચના બે સમાંતર દીવાલો વચ્ચે નિર્ધારિત થયેલ હોવાથી સ્થપતિએ તેનું નામ “ટ્યુબ હાઉસ” રાખેલું. પ્રાપ્ય ભંડોળમાં જરૂરી ગીચતા લાવી શકાય તેવું તથા સ્થાનિક આબોહવાને અનુરૂપ આ મકાન સ્થાપત્યના ક્ષેત્રમાં એક ઉલ્લેખનીય રચના ગણાય છે. આ મકાનના માપમાં પ્રાપ્ય જમીન પ્રમાણે થોડી વધઘટ થઈ શકે તેમ હતી. પણ તેની પહોળાઈ ૧૩ ફૂટ અને ઊંડાઈ ૫૫ ફૂટ જેટલી હોય તો વધુ યોગ્ય રહે. અંદરના સ્થાનોના અસરકારક આયોજન માટે આ માપ જરૂરી હતું. આ મકાનની ઉત્તર તથા દક્ષિણ તરફ રોડનું સૂચન કરાયું હતું જેને કારણે પૂર્વ અને પશ્ચિમની લાંબી દીવાલો બે ઘર વચ્ચે સામાન્ય બની જતી અને આવાસમાં ગરમીનો પ્રવેશ ઓછો રહેતો. આ મકાનની એક ૧૩ ફૂટ પહોળી બાજુ પરથી મકાનમાં બે પગથિયાં બાદ સીધો પ્રવેશ અપાયો હતો. આ પગથિયાં બાદ બારણા સાથે રોડ પર ખુલતી બારી પણ હતી. અહીં આગળના ઓરડાને બે સ્તરીય એ રીતે બનાવાયેલો કે તે એક રીતે વિભાજિત હોવા છતાં તેની અનુભૂતિમાં એકપણું જળવાઈ રહે. ત્યારબાદ રસોઈ સ્થળ તથા જમવા માટેનું અને કૌટુંબિક મેળાપ માટેનું અનૌપચારિક સ્થાન નિર્ધારિત કરાયું હતું. આ બે સ્થાનની વચ્ચે દાદરનું આયોજન કરાયું હતું જેની નીચે ગોપનીયતા લાવી શકે તેવો સ્ટોર બનાવી શકાય. ત્યારબાદ મકાનની અંદર એક નાનો ખુલ્લો ચોક આવે જેની ઉપર પરગોલા ગોઠવાયાં હતાં અને નીચે લાદી ન જડતા માટી જ રખાઈ હતી. આ પરગોલા સલામતી આપવા સાથે તડકાના પ્રવેશને પણ નિયંત્રિત કરતાં હતાં. વળી નીચેની જમીનમાં ફૂલ છોડ ઉગાડી અંદરનું વાતાવરણ પણ રમ્ય બનાવી શકાય. આ ચોક પછી પાછળના રસ્તા તરફ સંડાસ તથા નાવણીયું આવે. આ નાવણીયામાંથી પાછળના રસ્તા પર નીકળવા માટે બારણું રખાયું હતું. રસોઈ તથા જમવાના સ્થાન ઉપર માળીયા જેટલી ઊંચાઈ પર એક સ્લેબ ભરી સૂવાનું સ્થાન બનાવાયું હતું. દાદર ચડીને અહીં પહોંચ્યા પછી મળતા વિસ્તારને પણ બે સ્તરમાં બનાવાયું હતું, જેમાં ઉપરનું સ્તર આપમેળે પલંગ બની રહે. આ સ્થળના ઉપરના ભાગમાં છાપરામાંથી એક નીચે તરફ બારી રખાઈ હતી, જ્યાંથી ગરમ હવા બહાર ધકેલાતા સમગ્ર મકાનમાં હવાની અવરજવર સહજ બને. આ પ્રકારની રચનાને કારણે આવાસની અંદર ખુલ્લાપણાની અનુભૂતિ રહેતી અને હવા તથા પ્રકાશ જરૂરી માત્રામાં જળવાઈ રહેતાં. એક રીતે જાેતા આ મકાન પૂર્ણ આવાસ હતું, જેમાં વિવિધ કાર્યસ્થાનોને બંધિયાર બનાવ્યા વગર તેમને નિર્ધારિત કરાયાં હતાં. વળી અમુક સ્થળને માળીયા જેટલી ઊંચાઈ અપાઈ હોવા છતાં ઢળતા છાપરાને કારણે જગ્યા ગીચ તેમજ નાની ન લાગે તેનું ધ્યાન રખાયું હતું. વળી અહીં આડી દીવાલો ન હતી. આખા મકાનમાં સંડાસ સિવાય ક્યાંય આંતરિક બારણા ન હતાં. આ મકાનની અન્ય એક ખાસિયત એ કહેવાય કે અહીં સ્થાપત્યની રચના થકી જ મૂળભૂત રીતે જરૂરી ગણી શકાય તેવું રાચરચીલું આપી દેવાયું હતું. આ મકાનની રચનામાં તલ-દર્શન અર્થાત પ્લાન કરતા આડો છેદ અર્થાત સેક્શનના નિર્ધારણમાં વધુ સર્જનાત્મકતા દેખાય છે. આ રચનામાં ભવિષ્યમાં જરૂરી બની રહે તેવો આવાસનો વિસ્તાર સંભવ ન હતો. વળી આ આવાસ આંતર્ભીમુખ બની રહેતું જે લાભાર્થીઓને માન્ય ન હતું. વળી અહીંની આબોહવામાં ઉનાળામાં ખુલ્લામાં - અગાસી પર સૂવાનું જે મહત્વ છે તે બાબત આ સમગ્ર રચનામાં જાણે નજરઅંદાજ થઈ ગઈ હતી. આમ આ મકાનમાં નવીનતા હોવા છતાં ક્યાંક અધુરાશ રહી ગઈ હતી. જાે કે આ બધી બાબતોનું નિરાકરણ શક્ય હતું. રાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદ પામેલ આ મકાનનો એક નમૂનો અમદાવાદમાં નહેરૂનગર વિસ્તારમાં બનાવાયો હતો, પણ રસ્તાની પહોળાઈ વધારવાની જરૂર જણાતાં તે નમૂનાને તોડી પડાયો. આમ આર્થિક રીતે નબળા વર્ગના મકાન માટેના એક ઉલ્લેખનીય પ્રયાસનું બાળમરણ થયું.


19, મે 2024
આપણે જીવતાં રહેવું હોય તો પતંગિયાં ને મરતાં બચાવવાં પડશે!

લેખકઃ દીપક આશર | પૃથ્વી પરથી મધમાખીઓ અદૃશ્ય થઈ જાય, તો માનવી પાસે જીવવા માટે માત્ર ચાર વર્ષ બચશે. પહેલી નજરે એવું લાગે કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને મધમાખીઓ માટે આવું કહ્યું હતું. પરંતુ આનો અર્થ એ છે કે આ નાના જીવોનો આપણા મનુષ્યોના જીવન સાથે મોટો સંબંધ છે. પર્યાવરણમાં તેમની સ્થિતિ આપણને મનુષ્યોને પણ અસર કરી શકે છે. નાના અને મહત્વપૂર્ણ જીવોની વાત કરીએ તો તાજેતરમાં જ પતંગિયાઓ પર એક સંશોધન થયું હતું. આ વિશે એવું કહેવામાં આવ્યું હતું કે જાે પતંગિયા લુપ્ત થઈ જશે, તો મનુષ્ય માટે પણ જીવવું મુશ્કેલ બની જશે!એ સમજીએ કે, માનવીનો પતંગિયાઓ સાથે સંબંધ શું છે? દક્ષિણ અમેરિકન દેશ ઇક્વાડોરમાં જીવવિજ્ઞાનીઓ એમેઝોનના જંગલોમાં પોતાનો શ્વાસ રોકીને દુર્ગંધ મારતો ચારો ખવડાવી રહ્યા હતા! પતંગિયાઓને આકર્ષવા માટે આ ખોરાક હતો. પતંગિયા જે પરાગનયનમાં મહત્વનો ભાગ ભજવે છે. પરાગનયનમાં તેઓ ફૂલના નર ભાગમાંથી પરાગના દાણાને ફૂલના માદા ભાગમાં પહોંચાડવામાં મદદ કરે છે. જેના કારણે ફૂલોમાં ગર્ભાધાન થાય છે. અને આમાંથી બીજ બનાવી શકાય છે. જે નવા છોડ બનાવવામાં મદદ કરે છે. ચાલો ,એમેઝોનના જંગલો પર પાછા જઈએ. જીવવિજ્ઞાનીઓએ જંગલમાં કુલ ૩૨ જાળ બિછાવી હતી, જેમાં સડેલી માછલી અને સડેલા કેળાનો ચારા તરીકે ઉપયોગ થતો હતો. જેને ગ્રીન નેટમાં રાખવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિકોની ટીમ ગયા વર્ષે ઓગસ્ટ મહિનાથી ‘કુયાબેનો વાઇલ્ડલાઇફ રિઝર્વ’માં આ કામ કરી રહી હતી. શા માટે માત્ર પતંગિયા જ પકડી રહી હતી? આનું એક મોટું કારણ એ છે કે પતંગિયાઓને બાયોઇન્ડિકેટર્સ કહેવામાં આવે છે. તે સ્થળ પર પર્યાવરણની સ્થિતિ વિશે કહી શકે છે.સંશોધનના ભાગ રૂપે પતંગિયાઓને પકડ્યા પછી, તેમાંથી મોટાભાગનાઓ પર નિશાન કરીને પાછા છોડવામાં આવ્યા હતા. પતંગિયાઓની માત્ર તે જ પ્રજાતિઓ કે જે અગાઉ જાેવા મળી ન હતી તેને વધુ સંશોધન માટે રાખવામાં આવી હતી. પાછળથી જે પરિણામો આવ્યા તે ચિંતાજનક હતા! સંશોધક મારિયા ફર્નાન્ડીઝ ચેકાએ આ વિશે જણાવ્યું હતું કે, જાે કે, બટરફ્લાયની પ્રજાતિઓમાં ૧૦ ટકા ઘટાડો જાેવા મળ્યો છે. પરંતુ પતંગિયાઓની સમગ્ર વસ્તી ૪૦-૫૦ ટકા ઘટી શકે છે. અને આ ખૂબ જ ચિંતાજનક બાબત છે.પતંગિયા જેવા જીવો માણસો સાથે ઊંડો સંબંધ ધરાવે છે. આ પરાગનયનમાં મદદ કરે છે. જેના કારણે છોડ બીજ બનાવે છે. અને નવા છોડની રચના થઈ શકે છે. બટરફ્લાય અને મધમાખી જેવા જીવો આ કામમાં ઘણી મદદ કરે છે. હકીકતમાં, બાકીના પર્યાવરણની સ્થિતિ આ સજીવો દ્વારા સમજી શકાય છે. ચેકા કહે છે કે પતંગિયા ખૂબ જ સંવેદનશીલ હોય છે. પર્યાવરણમાં થોડો ફેરફાર પણ તેમના ટૂંકા જીવન પર ઊંડી અસર કરી શકે છે કારણ કે તેઓ ઇંડામાંથી બટરફ્લાય સુધી ઉછરે છે. મતલબ કે જાે કોઈ જગ્યાએ અચાનક ઘણા બધા પતંગિયા દેખાય તો એવું માની શકાય કે ત્યાંનું વાતાવરણ સુધર્યું છે. નવા છોડ ઉગ્યા છે.તેનાથી વિપરિત, જાે એમેઝોનની જેમ કોઈ જગ્યાએ પતંગિયાઓની સંખ્યા ઘટી છે, તો તે સંકેત છે કે ત્યાંની અન્ય પ્રજાતિઓ પર પણ પ્રતિકૂળ અસર થઈ શકે છે. આમાં માણસોનો પણ સમાવેશ થાય છે. યુએન (યુનાઈટેડ નેશન્સ) એ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે મધમાખી અને પતંગિયા જેવા પરાગનયન જીવોની લગભગ ૪૦ ટકા પ્રજાતિઓ જાેખમમાં છે, જેના કારણે આપણે માણસો પર પણ જાેખમ ઊભું થવાની શક્યતા છે.નિષ્ણાતો માને છે કે વિશ્વભરમાં ૮૭ મુખ્ય પાક પરાગનયન માટે આવા જીવો પર ર્નિભર છે. એવું પણ કહેવાય છે કે આ કુલ પાકના ૩૫ ટકા છે. આનો અર્થ એ થયો કે એમ કહેવું ખોટું નહીં હોય કે દર ત્રણમાંથી એક પાકનું પરાગ રજ સજીવોને કારણે થાય છે. એવું પણ કહેવાય છે કે પરાગનયન સજીવોની વસ્તી ઘટવાથી ખાદ્ય સુરક્ષાને પણ અસર થઈ શકે છે. આ સમસ્યા માત્ર ઈક્વાડોર પુરતી મર્યાદિત નથી. વિશ્વભરમાં પરાગ રજકોની સ્થિતિ ચિંતાજનક છે. યુરોપિયન એન્વાયરમેન્ટ એજન્સીએ આ અંગે એક સંશોધન કર્યું હતું. ૧૭ દેશોમાં ઘાસના મેદાનોના પતંગિયાઓની ૧૭ પ્રજાતિઓ પર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. એવું જાણવા મળ્યું કે ૧૯૯૧થી અત્યાર સુધીમાં તેમની વસતી લગભગ ૨૫ ટકા ઘટી છે. અલબત્ત, પતંગિયાંઓની પ્રજાતિ લુપ્ત થવા માંડશે તો તેની અસર બાયોલોજિકલ સાયકલ પર થશે, જે માનવીજે સીધી અસર કરશે. એટલે આપણી જિંદગી જળવાઈ રહે એ માટે પતંગિયાઓનું જીવવું જરૂરી છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution