ભરૂચ-ભરૂચના વાલિયા તાલુકાના કેસર ગામના લોકોએ પ્રાથમિક સુવિધા ન મળતા ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાન પ્રક્રિયાથી અળગા રહેતા વહીવટી તંત્ર દોડતું થયું છે. ગામના મતદાન મથક પર સવારે સાત વાગ્યાથી જ ચૂંટણી સ્ટાફ હાજર હતો. પરંતુ, એક પણ મતદાર મતદાન માટે ના આવતા મતદાન મથક ખાલીખમ્મ જાેવા મળ્યા હતા. વાલિયા તાલુકાનાં કેસરગામના લોકો આઝાદીના સાત દાયકા બાદ પણ વિકાસથી વંચિત રહ્યા છે. તાલુકાનાં આ ગામમાં ૯૫૦ લોકો વસવાટ કરે છે. કેસરગામ અને ઈટકલા ગામની ગ્રૂપ ગ્રામ પંચાયત ઈટકલા ગામમાં આવેલ છે જેથી કેસરગામના લોકોએ સસ્તા અનાજની દુકાનમાં સામાન લેવા ઈટકલા ગામમાં જવું પડે છે. આ ઉપરાંત શાળાના બાળકોએ જીવના જાેખમે કીમ નદીને પાર કરી અભ્યાસ માટે આ ગામમાં જવું પડતું હૉય છે.
આ બંને ગામ વચ્ચે કીમ નદી વાટે અડધો કિલોમીટર છે જ્યારે ચાર ગામ ફરીને જવું હૉય તો ૨૦ કિલો મીટરનું અંતર કાપીને જવું પડે છે. આ નદી પર પુલ બનાવવાની અનેકવાર માંગ કરવામાં આવી છે પરંતુ તંત્ર અને નેતાઓએ બસ વાયદાઑ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે. ૭ વર્ષ પહેલા ભરુચ જિલ્લા કલેકટર અને સાંસદ મનસુખ વસાવાએ રૂબરૂ મુલાકાત લઈ ગામમાં પુલ અને અન્ય પ્રાથમિક સુવિધા આપવાની ખાતરી આપી હતી, પરંતુ આજદિન સુધી ગ્રામજનોને વાયદાઓ સિવાય કઈ મળ્યું નથી. ત્યારે ગામના આગેવાનોએ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે અને જ્યાં સુધી સુવિધા ન મળે ત્યાં સુધી આવનાર ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. જે બાદ આજરોજ મતદાન દિવસના રોજ ગામના ૩૦૦ મતદારો મતદાન નહિ કરી ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો ગ્રામજનોએ મતદાન નહિ કરતા વહીવટી તંત્ર દોડતું થયું છે.
ગાંધીનગર-ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગરપાલિકા માટે મતદાન યોજાયું હતું. જેમાં વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદાતાઓની લાંબી કતારો જાેવા મળી હતી. મતદાન પ્રક્રિયા સાંજે છ વાગ્યા સુધી ચાલી હતી. કુલ ૨૨૧૭૦ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયા છે. આ ચૂંટણીનું પરિણામ બે માર્ચે એટલે કે મંગળવારે જાહેર થશે.
મતદાન પૂર્ણ થવા આવ્યું ત્યાં સુધી ૩૧ જિલ્લા પંચાયતમાં સરેરાશ ૫૨.૯૬ ટકા મતદાન નોંધાયું છે. તો ૨૩૧ તાલુકા પંચાયતમાં કુલ ૫૫.૩૪ ટકા નોંધાયું છે અને ૮૧ નગરપાલિકામાં મતદાનની વાત કરીએ તો કુલ ૫૦.૩૪ ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધારે ડાંગમાં મતદાન નોંધાયું છે.વાત કરવામાં આવે તો છ મહાનગપાલિકાની ચૂંટણીમાં થયેલ મતદાન કરતાં ગામડાઓ સવાયા સાબિત થયા હોય તેવું દેખાઇ રહ્યું છે. મોટા ભાગની જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં મતદાન સારું નોંધાયું છે.વિવિધ જિલ્લા પંચાયતોની કુલ ૨૫ બેઠકો બિનહરીફ, વિવિધ તાલુકા પંચાયતોની ૧૧૭ બેઠકો બિનહરીફ, વિવિધ નગરપાલિકાઓની ૯૫ બેઠકો બિનહરીફ થઇ છે. વિરમગામ નગરપાલિકા ચૂંટણીના બુથ બહાર મારામારી બે જુથ વચ્ચે પથ્થર મારાની ઘટના બની હતી. વોર્ડ-૮ના એમ.જે.આઈસ્કૂલ બહાર ભાજપ અને અપક્ષ ઉમેદવારોના ટોળા વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.પાલનપુર અને વિરમગામમાં ભાજપ તેમજ અપક્ષના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. બંન્ને પક્ષો એકબીજાને લાતો મારતા જાેવા મળ્યા હતા. સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
આજે જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં અનેક સ્થળોએ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પંચમહાલના કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત ૨ માં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો. મતદાનને અડધો દિવસ વીત્યા બાદ પણ મતદાન મથકમાં એક પણ વોટ પડ્યો નથી. નર્મદા ડેમના વિસ્થાપીતોને આ મથકમાં વસાવવામાં આવ્યા છે. સ્થાનિકોને એક પણ સરકારી યોજનાઓનો લાભ નથી મળતો. ત્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવ અને જમીન પોતાના નામે નહિ સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. વલસાડના ઉમરગામ તાલુકાના નારોગલ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો. સ્થાનિક લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા ગામમાં લગ્નમાં ડીજે વગાડવા બાબતે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી હતી. જેથી ગુસ્સે થયેલા ગામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.રાજ્યમાં બે દિવસ અગાઉ મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ જેમાં ભાજપને પોતાની શાખ યથાવત રાખવામાં સફળતા મળી છે. જ્યારે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સુરતમાં તો કોંગ્રેસ પોતાનું ખાતું પણ નથી ખોલાવી શકી. આવામાં આપ એક નવા પક્ષ તરીકે ગુજરાતમાં એન્ટ્રી કરી છે. અને પંચાયતની ચૂંટણીમાં શું થાય છે તેના પર સૌની નજર છે. આ ચૂંટણીઓ રાજ્યના રાજકરણ પર ખૂબ મોટી અસર પાડી શકે છે. જેનાથી આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલા જ જનતાનો મૂડ પરખાઈ જશે.
અમદાવાદ- રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમુક બુથ પર વહેલી સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે. જ્યારે 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે.અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 809 ઉમેદવાર મેદાનમાં છે. જિલ્લા અને તાલુકામાં 1 હજાર 199 મતદાન કેંદ્ર ઉભા કરાયા છે. જ્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ 7 લાખ 15 હજાર 511 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જયારે ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૧ લાખ ૩૮ હજાર ૨૭૩ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
રાજકોટ જિલ્લાના 1 હજાર 146 મતદાન બુથ પૈકી 396 કેંદ્રને સંવેદનશીલ મતદાન કેન્દ્ર જાહેર કરાયા છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો, જ્યારે 11 તાલુકા પંચાયતની 202 બેઠક માટે 586 ઉમેદવારો મેદાનમાં છે