27, ઓગ્સ્ટ 2025
જેરૃસલેમ |
2772 |
લેબમાં વિકસિત કિડની રોગોની સારવારમાં ઉપયોગી બનશે
ઇઝરાયેલના વિજ્ઞાનીઓએ પ્રયોગશાળામાં વિકસાવેલી માનવ કિડની ૩૪ અઠવાડિયા ટકી રહેતાં હવે કિડનીના રોગોની સારવારમાં ભવિષ્યમાં વધુ સારી સારવાર મળવાની શક્યતા ઉભી થઈ છે. રિજનરેટિવ મેડિસિનના ક્ષેત્રમાં મળેલી આ સિદ્ધિને પગલે વિજ્ઞાનીઓ હવે લેબમાં વિકસિત કિડનીની ક્લિનિકલ ટ્રાયલ કરવાની તૈયારીઓ કરાઈ રહી છે.
તેલ અવીવ યુનિવર્સિટીના સહયોગથી શેબા મેડિકલ સેન્ટર ખાતે કામ કરતી ટીમે તૈયાર કરેલો હ્યુમન ફેટલ કિડની ઓર્ગેનોઇડ મોડેલ વિશેનો રિપોર્ટ ઇએમબીઓ જર્નલમાં પ્રકાશિત થયો છે. આ રિપોર્ટ અનુસાર ટીમે વિકસાવેલી થ્રીડી સિન્થેટિક કિડની ઓર્ગેનોઇડ ૩૪ અઠવાડિયા કરતાં વધારે સમય ટકી રહી છે. અગાઉ આ પ્રકારના પ્રયોગોમાં કિડની માંડ ચાર અઠવાડિયા જ ટકતી હતી. જો કે, આ કિડની હજી પ્રત્યારોપિત કરી શકાય તેવું અંગ બની શકી નથી.
આ કિડનીનુ મોડેલ રોગોનો અભ્યાસ અને તેની સારવારનું વધારે ચોકસાઇપૂર્વક પરીક્ષણ કરવામાં ઉપયોગી થશે.
શેબાની એડમન્ડ એન્ડ લિલી સાફ્રા ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ખાતે આવેલી સ્ટેમ સેલ રિસર્ચ ઇન્સ્ટિટયુટ ખાતે કામ કરતાં ડો. બેન્જામિન ડેકેલે જણાવ્યું હતું કે સિદ્ધિ કિડનીનું પ્રત્યારોપણ કરવામાં નહીં પણ તેમાંથી ઝરતાં બાયોમોલિક્યુલ્સને સમજવામાં રહેલી છે. આ રસાયણ નુકશાન પામેલી કિડનીને સાજી કરવામાં સહાય કરે છે.