લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, ઓક્ટોબર 2025 |
મોસ્કો |
29007
રશિયા સમુદ્રી માર્ગેથી પણ અમેરિકા પર હુમલો કરવા સક્ષમ
રશિયાએ સમુદ્રના પાણીમાં હુમલો કરવા સક્ષમ સૌથી શક્તિશાળી પરમાણુ મિસાઇલ ટોરપીડોનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કર્યું છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પોતે આ માહિતી જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે દુનિયાના સૌથી શક્તિશાળી ન્યૂક્લીયર પાવર્ડ અન્ડરવોટર વ્હીકલ નું સમુદ્રમાં સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સમગ્ર વિશ્વમાં કોઇ પાસે આ ટોરપીડોને ટક્કર આપનારુ હથિયાર નથી. આ હથિયાર રેડિયોએક્ટિવ સમુદ્રી લહેરો પેદા કરીને શહેરોને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
20 મીટર લાંબા આ ટોરપીડોનું વજન 100 ટનથી વધુ
રશિયાએ આ સબમરીન દ્વારા છોડવામાં આવતી પરમાણુ મિસાઇલ એટલે કે ટોરપીડોનું પરીક્ષણ એવા સમયે કર્યું છે જ્યારે યુક્રેન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. સાથે જ અમેરિકા તરફથી પણ રશિયાને ધમકીઓ મળી રહી છે. પુતિને કહ્યું હતું કે અમે પહેલી વખત માત્ર સબમરીનથી લોન્ચ એન્જિન સાથે આ ટોરપીડો છોડયો નથી પરંતુ સાથે સાથે પરમાણુ ઉર્જા પણ એક્ટિવ કરી જેના પર આ ઉપકરણ થોડા સમય માટે ચાલ્યું. આ એક મોટી સફળતા છે. આ ટોરપીડો પોસાઇડનની તાકાત સમુદ્રી મિસાઇલ સારમતથી પણ વધુ છે. આ પોસાઇડન પાણીની અંદર લોન્ચ થાય છે અને દુશ્મનોના જહાજ કે તટ પર હુમલો કરે છે. તેથી તેને ટોરપીડોની કેટેગરીમાં રાખવામાં આવે છે. પોસાઇડન ૨૦ મીટર લંબાઇ ધરાવે છે જેનું વજન આશરે ૧૦૦ ટન જેટલુ હોય છે અને રશિયા આને ઇન્ટરકોન્ટિનેટલ ન્યૂક્લીયર ટોરપીડો તરીકે પણ ઓળખે છે. આ એક પ્રકારનું પરમાણુ સંચાલિત ડ્રોન છે જે સમુદ્રમાં તટીય શહેરોેને પણ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સમુદ્રી ડ્રોન મિસાઇલ ૧૦ હજાર કિમી સુધી જવાની ક્ષમતા ધરાવે છે. એટલુ જ નહીં સમુદ્રમાં પરમાણુ વિસ્ફોટ કરીને સુનામી પણ પેદા કરી શકે છે.