અમેરિકી અંતરિક્ષ કાર્યક્રમોમાં હવે ચીની નાગરિકો કામ નહીં કરી શકે
11, સપ્ટેમ્બર 2025 વોશિંગ્ટન   |   3168   |  

ટ્રમ્પના વિરોધને કારણે નાસાએ રોક લગાવી, ચીનના નાગરિકોને IT સિસ્ટમમાંથી બહાર કાઢવામાં આવ્યાં

ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને ચાલી રહેલી તણાવની સ્થિતિ વચ્ચે નાસાએ વિધિવત નાગરિક વિઝા ધરાવતા ચીની નાગરિકોને પોતાના અંતરિક્ષ કાર્યક્રમોમાં સામેલ થવા પર રોક લગાવી છે. હવે ચીની નાગરિક કોઈપણ રીતે નાસામાં કામ નહીં કરી શકે. નાસાએ આ નિર્ણય રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચીન વિરુદ્ધ વધી રહેલી ટિપ્પણીઓના કારણે લીધો હોંવાનુ મનાઈ રહ્યું છે.

નાસાની પ્રેસ સચિવ બેથની સ્ટીવન્સના જણાવ્યા અનુસાર નાસાએ ચીની નાગરિકોને લઈને આંતરિક પગલાં લીધાં છે. તેમાં અમારા કાર્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમારી સુવિધાઓ, સામગ્રી અને નેટવર્ક સુધીના શારીરિક અને સાઇબર સુરક્ષા પ્રવેશને મર્યાદિત કરવાનો સમાવેશ થાય છે. નાસામાં ચીની નાગરિકોને કોન્ટ્રાક્ટરો કે સંશોધનમાં યોગદાન આપતા વિદ્યાર્થીઓ તરીકે કામ કરવાની પરવાનગી હતી, તેમને સ્ટાફ તરીકે કામ કરવાની પરવાનગી નહોતી. પરંતુ હવે તેમને અચાનક IT સિસ્ટમમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. તેમને મીટીંગમાં હાજર રહેવા પર પણ રોક લગાવી દેવામાં આવી હોવાનું કહેવાય છે.

અમેરિકા અને ચીન ચંદ્ર પર પોતાનું મિશન મોકલવાની હોડમાં છે. નાસાનું આર્ટેમિસ કાર્યક્રમ અંતર્ગત, તે 2027 સુધીમાં અવકાશયાત્રીઓને ચાંદ પર મોકલવા માંગે છે. જોકે, તેની કિંમતમાં વધારો અને વિલંબ થઈ રહ્યો છે. બીજી તરફ, ચીન પોતાના ટાઇકોનોટ્સને 2030 સુધીમાં ચાંદ પર મોકલવા માગે છે. તેમનું કામ હાલ ચાલી રહ્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution