23, ઓગ્સ્ટ 2025
ક્વિન્સલેન્ડ |
3267 |
અસલી ચામડીની જેમ જ રક્તવાહિનીઓ, વાળ, નસો અને રોગપ્રતિકારક કોષો ધરાવે
ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ રક્ત પુરવઠો ધરાવતી સંપૂર્ણ વિક્સિત માનવ ત્વચા પ્રયોગશાળામાં બનાવવામાં સફળતા મેળવી છે. આ સિદ્ધિને કારણે ત્વચા રોગની સારવારમાં, દાઝવાથી નુકશાન પામેલી ત્વચાની સારવારમાં અને ત્વચારોપણની પ્રક્રિયામાં બહેતર પરિણામો મેળવી શકાશે. સ્ટેમ સેલ દ્વારા ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધકાની ટીમ દ્વારા સર્જવામાં આવેલી આ માનવ ત્વચાની પ્રતિકૃતિ એકદમ અસલી ચામડીની જેમ જ રક્તવાહિનીઓ, વાળ, નસો અને રોગપ્રતિકારક કોષો ધરાવે છે.
મુખ્ય સંશોધક અબ્બાસ સૈફીએ જણાવ્યું હતું કે આ અસલી માનવ ત્વચાનુ મોડેલ રોગોનો અભ્યાસ અને તેની સારવારનું વધારે ચોકસાઇપૂર્વક પરીક્ષણ કરવામાં ઉપયોગી થશે. વિલી એડવાન્સ્ડ હેલ્થકેર મટિરિયલ્સ નામના પ્રકાશનમાં પ્રસિદ્ધ થયેલાં આ અભ્યાસમાં જણાવ્યા અનુસાર આ કૃત્રિમ ત્વચા વિક્સાવવામાં છ વર્ષનો સમય લાગ્યો છે. અબ્બાસ સૈફીએ આ માનવત્વચા વિકસાવવાની રીત વિશે જણાવ્યું હતું કે સ્ટેમ સેલ્સ ક્ષેત્રમાં તાજેતરમાં થયેલી પ્રગતિને કારણે અમે ત્રિપરિમાણીય સ્કિન લેબ મોડેલ એન્જિનિયર કરી શક્યા છીએ. ટીમે માનવ ત્વચાના કોષ લઇ તેને સ્ટેમ સેલ્સ તરીકે રિપ્રોગ્રામ કર્યા હતા. આ નવા કોષમાંથી માનવશરીરના કોઇપણ હિસ્સાની ત્વચા બનાવી શકાય છે.