03, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
4752 |
ભારતમાં બનેલી ચિપ સમગ્ર વિશ્વમાં મોટા પરિવર્તનનું કારણ બનશે
ભારતને પ્રથમ સ્વદેશી વિક્રમ-૩૨ બિટ માઇક્રોપ્રોસેસર ચિપ મળી છે. આ ચિપના લોન્ચિંગ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે એ દિવસો દૂર નથી જ્યારે ભારતમાં બનેલી એક નાની એવી ચિપને કારણે વિશ્વમાં મોટું પરિવર્તન આવશે. સેમીકોન ઇન્ડિયા ૨૦૨૫ના સમ્મેલનમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વડાપ્રધાન મોદીને વિક્રમ-૩૨ બિટ પ્રોસેસર અને ચાર સેમીકન્ડક્ટર પ્રોજેક્ટના ટેસ્ટ ચિપ્સ આપી વિસ્તૃત માહિતી આપી હતી.
ચંડીગઢમાં ઇસરોના સેમિકન્ડક્ટર લેબ દ્વારા વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર સાથે મળીને આ ચિપ તૈયાર કરવામાં આવી છે જે ભારતની પ્રથમ ૩૨-બિટ માઇક્રોપ્રોસેસર ચિપ છે. આ ચિપને સત્તાવાર રીતે વિક્રમ૩૨૦૧ નામ આપવામાં આવ્યું છે, મોબાઇલ, કમ્પ્યૂટર, રાઉટર, કાર, સેટેલાઇટ જેવા એડવાન્સ્ડ ડિજિટલ ડિવાસમાં સેમીકન્ડક્ટર ચિપ મગજનું કામ કરે છે. આ તમામ આધુનિક ડિવાઇસની તાકાત આ નાની એવી ચિપ માનવામાં આવે છે.
દિલ્હીમાં આયોજિત સેમિકોન ઇન્ડિયા ૨૦૨૫ કોન્ફરંસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં દેશમાં બનેલા ચિપ-ટેસ્ટ ચિપ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી ચર્ચામાં ઇસરોની લેબોરેટરી દ્વારા વિકસિત વિક્રમ-૩૨ બિટ પ્રોસેસર મુખ્ય હતું જેને સ્પેસ લોન્ચ વ્હીકલ વગેરેમાં ઉપયોગમાં લઇ શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ૫૦ દેશોથી આવેલા સેમિકન્ડક્ટર ક્ષેત્રના નિષ્ણાતોને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ૧૮ બિલિયન ડોલરના ૧૦ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ હાલ સક્રિય અવસ્થામાં છે, અને ભારત સેમિકન્ડક્ટર મિશનના બીજા તબક્કામાં પ્રવેશવા જઇ રહ્યું છે.